મુખ્ય સમાચાર
News of Tuesday, 20th October 2020

સુશાંતસિંહ રાજપૂત પરિવારની માંગણી ઉપર પહેલેથી જ મહારાષ્‍ટ્ર સરકારે સીબીઆઇને કેસ સોંપી દીધો હોત તો વાત પૂરી થઇ ગઇ હોતઃ અમિતભાઇ શાહ

નવી દિલ્હી: દેશના ગૃહમંત્રી અમિત શાહે એક વાતચીતમાં બોલીવુડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસ અને TRP સ્કેમ વિશે પણ વાત કરી. ગૃહમંત્રી અમિત શાહને સવાલ પૂછાયો કે સુશાંત સિંહ રાજપૂતનું મૃત્યુ આ વર્ષની સૌથી મોટી ખબરોમાંથી એક એક ખબર હતી. પરંતુ આ ખબરના કવરેજે ભારતના મીડિયા ઉપર પણ અનેક સવાલ ઊભા કર્યા. સુશાંત સિંહના મોતના  ખબર બહારને TRP મેળવનારા મીડિયાનો એક ભાગ પોતાના તમામ દાયરામાંથી બહાર નીકળી ગયો અને પછી આ સિલસિલો હાથરસ અને આવા જ બીજા મુદ્દાઓના કવરેજ સુધી પહોંચી ગયો. એક ગૃહમંત્રી તરીકે અને સામાન્ય માણસ તરીકે અમિત શાહ હાલના સમયના મીડિયા વિશે શું વિચારે છે.

અમિત શાહે જવાબ આપતા કહ્યું કે આ મુદ્દે શું કરવાનું છે તે મીડિયાએ પોતે નક્કી કરવું જોઈએ. તેમણે કહ્યું કે હું મીડિયા જગતના લોકોને કોઈ સલાહ આપવા માંગતો નથી પરંતુ બેલેન્સ કરવાની જરૂર છે. એવું જનતા પણ મહેસૂસ કરે છે.

સવાલ: બિહારમાં સુશાંત મોટો ચૂંટણી મુદ્દો બની ગયો છે?

જવાબ: બની શકે કે કેટલાક લોકો આ મુદ્દા ઉપર  પણ મત આપે પરંતુ બે ચીજો એક સાથે થઈ. આટલો વિવાદ થયો. મને આશ્ચર્ય એ વાતનું હતું કે મહારાષ્ટ્ર સરકારે શાં માટે પહેલેથી જ સીબીઆઈને કેસ ન સોંપી દીધો? આ મામલે સુપ્રીમ કોર્ટે નિર્ણય લેવો પડ્યો. પરિવારની માગણી પર પહેલેથી જ સીબીઆઈને કેસ સોંપી દેવાયો હોત તો વાત પૂરી થઈ ગઈ હોત. આ મામલે મીડિયાએ પણ ખુબ તૂલ આપી દીધુ.

સવાલ: NCB તમારા આધીન છે, સીબીઆઈ પણ તમારી પાસે છે તો શું તમે કોઈ નિર્દેશ આપ્યા છે?

જવાબ: એજન્સીઓને મારે નિર્દેશ આપવાનો તો સવાલ જ નથી. તમામ સ્વતંત્ર રીતે તપાસ કરી રહ્યા છે. આ કેસની ન્યૂટ્રલ તપાસ થવી જોઈએ. નરેન્દ્ર મોદી સરકાર એ વાતમાં વિશ્વાસ નથી રાખતી કે એજન્સીઓની તપાસમાં કોઈ રાજકીય નિર્દેશ આપવામાં આવે.

સવાલ: તો તમારા તરફથી આ કેસમાં કોઈ બ્રિફિંગ થઈ નહતી?

જવાબ: બ્રિફિંગ એક પણ થઈ નથી. અમે એટલું કહ્યું છે કે જે સાચું છે તે જનતા સામે રાખો. કોર્ટ સામે રજુ કરો.

સવાલ: છેલ્લા છ મહિનામાં કોર્ટ અને પોલીસ સ્ટેશનોમાં મીડિયાને લઈને જેટલા કેસ જોવા મળ્યા તે આ પહેલા ક્યારેય જોવા મળ્યા નથી. કોર્ટ સરકારને પૂછે છે કે તમે શું કરો છો? પોલીસ સ્ટેશનોમાં કેસ જાય છે તો રાજકારણ થાય છે. શું ટીઆરપી કૌભાંડને લઈને તમે ચિંતિત છો?

જવાબ: શંકાસ્પદ સ્થિતિ કોઈ પણ ક્ષેત્રમાં હોય, તે સમાજ અને સરકાર માટે ચિંતાનો વિષય હોય છે. આ કેસ અંગે હાલ હું કશું કહી શકું નહી. પરંતુ જે પ્રકારની વિગતો થોડા દિવસથી ન્યૂઝમાં આવી રહી છે, મને લાગે છે કે વ્યવસ્થાને ચુસ્ત-દુરુસ્ત કરવાની જરૂર છે અને ઓછામાં ઓછું આમા તો રાજકારણ ન જ થવું જોઈએ.

(4:49 pm IST)