મુખ્ય સમાચાર
News of Saturday, 20th October 2018

લોકોને વારંવાર ગ્રાઉન્ડમાં આવવા અપીલ કરાઈ હતી

ટ્રેન અકસ્માત અંગે સિદ્ધુની પત્નીની પ્રતિક્રિયા : મેદાન પર મોટી સંખ્યામાં સીટો ખાલી હતી અને રાવણના પૂતળાને મજબૂતીની સાથે બાંધવામાં આવ્યો હતો : કૌર

ચંદીગઢ,તા. ૨૦ : રાવણ દહનના ગાળા દરમિયાન દુર્ઘટના પર રાજકીય આરોપ પ્રતિઆરોપના દોર શરૂ થઈ ચુક્યા છે. દશેરાના જે કાર્યક્રમ દરમિયાન જે ટ્રેન દુર્ઘટના થઈ તેમાં નવજોત સિદ્ધુના પત્ની નવજોત કૌર મુખ્ય મહેમાન તરીકે હતા. ત્યારબાદ ભાજપ અને અકાલીદળે તેમના ઉપર પ્રહાર કરતા કહ્યું છે કે અકસ્મતાના ગાળા દરમિયાન નવજોત કૌર ભાષણ આપી રહ્યા હતા. બીજી બાજુ આ મામલામાં નવજોત કૌરનું નિવેદન પણ સપાટી પર આવ્યું છે. નવજોત કૌરે કહ્યું છે કે લોકોને વારંવાર ધોબીઘાટ ગ્રાઉન્ડની અંદર પ્રવેશ કરવા કહેવામાં આવ્યું હતું. શુક્રવારે મોડી રાત્રે દશેરાની ઉજવણી વેળા આ અકસ્માત થયો હતો. અમૃતસર અને મનાવલા વચ્ચે ફાટક નં.૨૭ની પાસે રાવણ દહન જોવા માટે મોટી સંખ્યામાં લોકો ટ્રેક ઉપર એકત્રિત થયા હતા. આ ગાળા દરમિયાન ટ્રેન પૂર્ણ ગતિથી પસાર થઈ ગઈ હતી અને ૬૦ લોકોના મોત થઈ ગયા હતા. આ કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય નવજોત સિદ્ધુના પત્નીની ઉપસ્થિતિને ભાજપે જોરદાર મુદ્દો બનાવી લીધો છે. ભાજપના આરોપોની વચ્ચે નવજોત કૌરનું વલણ પણ સ્પષ્ટ થઈ ગયું છે. નવજોત કૌરે કહ્યું છે કે જ્યાં કાયક્રમનું આયોજન કરાયું હતું તે ધોબીઘાટ મેદાનની અંદર મોટી સંખ્યામાં સીટો ખાલી રાખવામાં આવી હતી. રાવણને મજબૂતી સાથે બાંધી રાખીને કોઈ દુર્ઘટના ન થાય તે માટે આયોજન કરાયું હતું. પૂતળાના પડી જવાથી ભાગદોડની કોઈ આશંકા ન હતી. ભાગદોડ પણ થઈ ન હતી. ચારથી પાંચ વખત ઘોષણા કરીને લોકોને ધોબીઘાટ મેદાનની અંદર આવવા માટે કહેવામાં આવ્યું હતું. ભાજપે આક્ષેપ કરતા કહ્યું છે કે મંજુરી વગર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજી બાજુ દશેરા કમિટીએ પત્ર દર્શાવીને કહ્યું હતું કે આયોજનની મંજુરી લેવામાં આવી હતી. પોલીસે એનઓસી પણ આપી હતી. બીજી બાજુ આ મામલામાં પંજાબના મંત્રી નવજોતસિંહ સિદ્ધુએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના નેતા અને પંજાબ સરકારમાં મંત્રી નવજોતસિં સિદ્ધુ ઘાયલોને મળવા માટે હોસ્પિટલમાં પહોંચ્યા હતા. અમૃતસરના ગુરૂનાનક દેવ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. સિદ્ધુએ કહ્યું હતું કે ટ્રેને હોર્ન ન આપતા લોકો ફટાકડાના અવાજમાં ટ્રેન અંગે માહિતી મેળવી શક્યા ન હતા. સિદ્ધુએ કહ્યું હતું કે આ દુર્ઘટનામાં રાજનીતિ થવી જોઈએ નહીં. મીડિયા સાથે વાતચીત કરતા સિદ્ધુએ કહ્યું હતું કે આ ખૂબ જ દુઃખદ બાબત છે અને કમનસીબ છે. જે લોકોના મૃત્યુ થયા છે તેમની ભરપાઈ કોઈ રીતે કરી શકાય તેમ નથી. હાલના સમયે તમામ લોકોએ એકબીજાની સાથે રહીને કટોકટીમાં આગળ વધવાની જરૂર છે. સિદ્ધુના પત્ની નવજોત કૌર ઉપર આક્ષેપ મુકવામાં આવ્યા હતા કે અકસ્માતના સમયે મેળામાં તે ઉપસ્થિત હતા.

(7:40 pm IST)