મુખ્ય સમાચાર
News of Saturday, 20th October 2018

દુબઇના બોલિવૂડ પાર્કમાં ભારતીય હિન્દી સિનેમા ઉદ્યોગે દુનિયાભરમાં અેક આગવી છાપ ઉભી કરી તેવો નજારો

દુબઈ સિટી આમ તો અનેક રીતે દુનિયામાં જાણીતું છે. બુર્જ ખલિફા, દુબઈની ડેઝર્ટ સફારી, થીમ પાર્ક, વોટર રાઈડ અને સ્કાયવૉકર પરથી વિશાળ દુબઈનો નઝારો જોવા માટે અનેક દુનિયાભરમાંથી લોકો દુબઈ આવે છે. આ ઉપરાંત સોનાની અવનવી ડીઝાઈન, અનેકવિધ એસેસરીઝ અને શોપિંગ માટે દુબઈ ફેમશ છે. પરંતુ, આ સિવાય પણ દુબઈની મુલાકાત વખતે આ વસ્તું ચૂકવા જેવી નથી. તે છે બોલીવૂડ પાર્ક દુબઈ. ભારતીય હિન્દી સિનેમા ઉદ્યોગે દુનિયાભરમાં એક છાપ ઊભી કરી છે. દુબઈમાં તેની આબેહુબ પ્રતિકૃતિ, માહોલ અને ફિલ્મના સેટ જોવા મળશે. જેને બોલિવૂડ પાર્ક નામ આપવામાં આવ્યું છે અને તે અનેક પ્રવાસીઓનું ફેવરીટ પ્લેસ બની ગયું છે.

થીમ પાર્ક અને અનેક એડવેન્ચર

આ પાર્ક માત્ર દુબઈના લોકોને જ નહીં પણ અહીં મુલાકાત લેવા માટે આવતા દરેક પ્રવાસીઓને આકર્ષે છે. આ એક થીમ પાર્ક છે, જેમાં નાના-મોટા એડવેન્ચર કરી શકાય છે. આ ઉપરાંત જે રીતે એક બોલિવૂડ ફિલ્મમાં કોમેડી, સેટ, મ્યુઝિક, રોમાન્સ અને ક્લાસિક લોકેશન હોય છે તે તમામ વસ્તુઓ આ પાર્કમાં જોવા મળશે. હાલની થીમ પર જ નહીં પણ મુંબઈના જૂના ફિલ્મ ઉદ્યોગની પ્રતિકૃતિની ઉજવણી પણ દુબઈનું આ પાર્ક કરે છે.

શું છે જોવા જેવું?

આમ તો સમગ્ર પાર્ક જોવા-માણવા લાયક છે, ફોટા પાડવા માટેની બેસ્ટ જગ્યા છે. પરંતુ, લગાન, દબંગ, ડોન, શોલે, કોઈ મિલ ગયા, હેપી ન્યુ યર, ગબ્બસિંહ આ તમામ કોર્નર ખાસ જોવા જેવા છે. આ કોર્નરમાં જે તે દિવસે ચોક્કસ શો થાય છે. આટલા મોટા પાર્કમાં કોઈ ખાણી-પીણી ન હોય એવું બને, પાર્કના સેન્ટરમાં મુઘલે આઝમ રેસ્ટોરાં છે જ્યાં અનેક અવનવી ડીશ ટ્રાય કરવા જેવી છે. ખાસ વાત તો એ છે કે આ રેસ્ટોરાંમાં પગ મૂકતા જ જાણે સલીમના દરબારમાં આવ્યા હોય એવી ફીલિંગ્સ આવશે. કારણ કે સમગ્ર ફર્નિચર ફિલ્મની થીમ પર તૈયાર કરાયું છે.

2D કે 3D ભૂલી જાવ હવે 4D

દરેકે ટુડી કે થ્રીડીની મજા માણી જ હશે. પરંતુ, આ પાર્કના રા-વન (હા, ફિલ્મ રા-વન) કોર્નરમાં સમગ્ર ફિલ્મ 4ડીમાં જોવા મળશે. જે રીતે એક ફિલ્મ શોની ટિકિટ બુક થાય છે એવી જ રીતે અહીં સિનેમાહોલમાં આ ફિલ્મની ટિકિટ બુક થાય છે. માત્ર આ નહીં પણ ક્રિશ અને હીરો ફ્લાઈટ જેવીનો 4ડી અનુભવ પણ માણી શકશો.

જાણવું છે કેવી રીતે બને છે ફિલ્મ?

બોલિવૂડને અનેક એક્શન ફિલ્મ જોતી વખતે એક સવાલ થાય કે આ સિન કેવી રીતે રેકોર્ડ થયો હશે? જો માટેના કોઈ બેઝિક જાણવા હોય તો આ પાર્કમાંથી જાણી શકાશે. એ પણ સિનેમેજિક કોર્નર-ઝિંદગી ના મિલેગી દોબારાના સેટ પરથી. અહીં ગેસ્ટ તમે હશો અને સેટ પર કોઈ સિનનું શુટિંગ ચાલતું હશે. ડાયલોગ, એક્શન, લાઈટ્સ, કેમેરા અને બીજુ ઘણુ બધુ. તમામ પોસ્ટ પ્રોડક્શનની માહિતી એક એક લાઈવ સીન પરથી મળી રહેશે.

ક્યાં આવેલું છે?

બોલીવૂડ પાર્ક દુબઈના રાઈટ કોર્નરમાં આવેલા શેખ ઝાયેદ રોડ પર છે. સમગ્ર પાર્ક પાંચ જુદા જુદા ઝોનમાં આવેલું છે. જેમાં રોયલ પ્લાઝા, રુસ્ટિક રવિને, મુંબઈ ચોક, બોલિવૂડ બોલેવર્ડ અને બોલિવૂડ ફિલ્મ સ્ટુડિયો. સાંજે ચાર વાગ્યાથી શરૂ થઈને રાત્રીના 12 વાગ્યા સુધી આ પાર્ક ખુલ્લુ રહે છે. જો ફોટોગ્રાફીનો શોખ હોય અને બેસ્ટ ક્લિક કરવી હોય તો સનસેટ વખતે આ પાર્કનો નઝારો કેમેરામાં કેદ કરવા જેવો છે. આ ઉપરાંત પાર્કની વેબસાઈટ પરથી ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકાય છે. વીકએન્ડમાં ખૂબ ભીડ રહે છે.

લેગોલેન્ડ પાર્ક

આ પાર્કમાં એક વોટરપાર્ક પણ આવેલું છે જે સમગ્ર હોલિવૂડની થીમ પર આધારિત છે. જ્યાં કુંફુ પાંડા જેવી ફિલ્મના સેટ પરથી થઈને વોટરરાઈડ પસાર થાય છે. આ ઉપરાંત આઇએમજી વલ્ડ એડવેન્ચરમાં આંટો મારવા જેવો છે. જ્યાંની રાઈડ ભલભલા હિંમતવાળાને હચમચાવી દેશે. આ પાર્ક કાર્ટુન થીમ અને એડવેન્ચર થીમ પર આધારિત છે. ખાસ કરીને બાળકો અને યુવાનો માટે આ પાર્ક તૈયાર કરાયો છે. ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે, અહીં દરેક પાર્કની ટિકિટ અલગ અલગ છે. તેથી અગાઉથી આયોજન કરવું અનિવાર્ય છે.

(5:24 pm IST)