મુખ્ય સમાચાર
News of Saturday, 20th October 2018

PM ઉપર ખતરોઃ મારી નાખવાની ધમકી આપતો ફરી ઇ-મેઇલ મળ્યોઃ સુરક્ષા એજન્સી સતર્ક

SPG એ પીએમની સુરક્ષા વધુ ચુસ્ત બનાવી

નવી દિલ્હી તા. ર૦ :.. દિલ્હી પોલીસ કમિશ્નર અમૂલ્ય પટનાયકને ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપતો ઇ-મેલ મળ્યો છે. સુત્રોનું માનીએ તો એક અઠવાડીયા પહેલા બે લાઇનનો ઇ-મેલ દિલ્હી પોલીસ કમિશ્નરના મેલ આઇડી પર મોકલાયો હતો. ત્યાર પછી ગુપ્તચર એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે. એસ. પી. જી. એ વડાપ્રધાનનું સુરક્ષા કવચ વધારી દીધું છે. દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલ સહિત તમામ સુરક્ષા એજન્સીઓ ઇ-મેલ મોકલનાર શખ્સને શોધવાના પ્રયત્નો કરી રહી છે. દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ બાબતે કંઇ કહેવા તૈયાર નથી.

પોલીસ સુત્રોનું માનવામાં આવે તો એક અઠવાડીયા પહેલા ઇ-મેઇલ આવ્યો હતો. જેમાં લખ્યું છે કે પાક ગુપ્તચર એજન્સીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરાવવા માટે કેટલાક શંકાસ્પદ લોકોને મોકલી આપ્યા છે. ટૂંક સમયમાં હૂમલો કરવામાં આવશે. ત્યાર પછી સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઇ હતી. સુત્રોનું માનીએ તો તપાસ કરતા જાણવા મળ્યું કે ઇ-મેલ દક્ષિણ ભારતમાંથી મોકલાયો છે. ગુપ્તચર એજન્સીઓ તપાસમાં લાગી ગઇ છે. આ પહેલા ઓગસ્ટમાં મોકલાયેલ ઇ-મેઇલમાં વડાપ્રધાનને ૧૯ સપ્ટેમ્બરે મારી નાખવાની ધમકી અપાઇ હતી.

છેલ્લા કેટલાક દિવસો દરમ્યાન બે ઇ-મેલ મળવાથી સુરક્ષા એજન્સીઓની ચિંતા વધી ગઇ છે. આ વર્ષે જૂનમાં પણ પુણે પોલીસને એક પત્ર મળ્યો હતો., જેમાં માઓવાદીઓ દ્વારા વડાપ્રધાનની હત્યાના ષડયંત્ર વિષે લખ્યું હતું. (પ-૯)

(11:36 am IST)