મુખ્ય સમાચાર
News of Saturday, 20th October 2018

દુર્ઘટના સમયે લોકો રેલવે ટ્રેક ઉપર લઇ રહ્યા હતા સેલ્ફી

આ દુર્ઘટના ઘટી ત્યારે અનેક લોકો પોતાના મોબાઇલમાં કાર્યક્રમનો વીડિયો ઉતારી રહ્યા હતા

અમૃતસર તા. ૨૦ : પંજાબના અમૃતસર પાસે દશેરાના દિવસે રાવણ દહન જોઇ રહેલા અનેક લોકો ટ્રેનની ઝપેટમાં આવી ગયા હતા. આ દુર્ઘટનાનો વીડિયો ફૂટેઝ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યો છે. જયારે આ દુર્ઘટના ઘટી ત્યારે અનેક લોકો પોતાના મોબાઇલમાં કાર્યક્રમનો વીડિયો ઉતારી રહ્યા હતા. અમૃતસરમાં મનાવલા અને ફિરોઝપુર સ્ટેશન વચ્ચે આ દુર્ઘટના ઘટી હતી. પંજાબના મંત્રી નવજોત સિંહ સિધ્ધુની પત્ની નવજોત કૌર રાવણ દહન કાર્યક્રમમાં મુખ્ય અતિથિ હતા. તેમણે કહ્યું કે, કોઇપણ જાણતું ન્હોતું કે દુર્ઘટના કેવી રીતે બની છે. બધા ઉજવણી કરી રહ્યા હતા. પાટા ઉપર સેલ્ફી લઇ રહ્યા હતા.

રાજકીય નેતાઓ સહિત અનેક લોકોએ ટ્વિટર ઉપર દુખદ ઘટનાઓ દરમિયાન સેલ્ફી લેવાની પરંપરા ઉપર નિરાશા વ્યકત કરી હતી.

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ટ્વિટ કર્યું હતું કે, 'અણસમજ અને સંપૂર્ણપણે ટાળી શકાય એવી દુર્ઘટના છે. જેવી રીતે ટ્રેન દ્વારા લોકોને કચડ્યા પછી પણ શૂટ કરી રહ્યા હતા. વીડિયોને જોઇને તમને ઘટનાની ભયાનક કરવામાં પણ મુશ્કેલી થશે.'

આમ આદમી પાર્ટીના નેતા પ્રીતિ શર્મા મેનને ટ્વિટ કર્યું હતું કે, આ અવિશ્વસનીય છે ટ્રેને લોકોને કચડી નાખ્યા અને તો પણ લોકો મોબાઇલથી વીડિયો બનાવી રહ્યા છે. અમૃતસર દુર્ઘટનાનો વીડિયો ફૂટેઝમાં જોઇ શકાય છે કે, આ દુર્ઘટના બની ત્યારે લોકો મોબાઇલમાં વીડિયો ઉતારી રહ્યા હતા.

(11:32 am IST)