મુખ્ય સમાચાર
News of Monday, 20th September 2021

પંજાબ કોંગ્રેસમાં નવી ઉપાધી : સિદ્ધુના નેતૃત્વમાં ચૂંટણી લડવા પર સુનીલ જાખડ નારાજ : ટ્વિટથી આપ્યા સંકેત

કહ્યું - સિદ્ધુના નેતૃત્વમાં લડવામાં આવશે, ચોંકાવનારુ છે. આ નિવેદન એક મુખ્યમંત્રીના અધિકારોને નબળુ પાડનારુ

ચંદીગઢઃ પંજાબમાં કોંગ્રેસની મુશ્કેલીઓ હાલમાં ઘટતી નથી દેખાઈ રહી. કેપ્ટન અમરિંદર સિંહના સીએમ પદેથી રાજીનામુ આપ્યા બાદ અને ચરણજીત સિંહ ચન્નીને નવા મુખ્યમંત્રી તરીકે ચૂંટાવાથી લાગી રહ્યુ હતુ કે હવે કોંગ્રેસમાં બધુ ઠીક થઈ જશે પરંતુ પાર્ટીના દિગ્ગજ નેતા સુનીલ જાખડના એક નવા ટ્વિટથી વિવાદ ઉભો થઈ ગયો છે. સુનીલ જાખડ ખુલીને નવજોત સિંહ સિદ્ધુના વિરોધમાં ઉતરી આવ્યા છે.

સુનીલ જાખડે 2022ની પંજાબ વિધાનસભા ચૂંટણી, પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુના નેતૃત્વમાં લડવા પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

શપથ ગ્રહણ સમારંભ પહેલા જ સુનીલ જાખડે સોમવારે ટ્વિટ કરીને લખ્યુ, 'જે દિવસે પંજાબના મુખ્યમંત્રી તરીકે ચરણજીત સિંહ ચન્ની શપથ લેવા જઈ રહ્યા છે, એ દિવસે હરી રાવતનુ આ નિવેદન કે 2022ની વિધાનસભા ચૂંટણી નવજોત સિંહ સિદ્ધુના નેતૃત્વમાં લડવામાં આવશે, ચોંકાવનારુ છે. આ નિવેદન એક મુખ્યમંત્રીના અધિકારોને નબળુ પાડનારુ છે અને સીએમ પદ માટે તેમની પસંદગીના મુખ્ય કારણને પણ નકારી રહ્યુ છે.' તમને જણાવી દઈએ કે હરીશ રાવતે સોમવારે મીડિયા સાથે વાત કરીને નિવેદન આપ્યુ કે નવજોત સિંહ સિદ્ધુ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ છે અને આવનારી વિધાનસભા ચૂંટણી તેમના નેતૃત્વમાં જ લડવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે કેપ્ટન અમરિંદર સિંહના મુખ્યમંત્રી પદેથી રાજીનાનુ આપી દીધા બાદ રવિવારે આખો દિવસ નવા સીએમના નામને લઈને સસ્પેન્સ યથાવત રહ્યુ. પહેલા કોંગ્રેસના સૂત્રોના હવાલાથી સમાચાર આવ્યા કે પાર્ટીના વરિષ્ઠ નેતા સુખવિંદર સિંહ રંધાવા પંજાબના નવા મુખ્યમંત્રી હશે પરંતુ સાંજ થતા જ નિર્ણય પલટી ગયો. કોંગ્રેસ પાર્ટીના જૂના નેતા અને દલિત ધારાસભ્ય ચરણજીત સિંહ ચન્નીને પંજાબના નવા મુખ્યમંત્રી જાહેર કરી દીધા.

ચરણજીત સિંહ ચન્નીએ સીએમ ચૂંટવાના નિર્ણય પછી માનવામાં આવી રહ્યુ હતુ કે કોંગ્રેસે માત્ર પાર્ટીના વિવાદને ખતમ કરી દીધુ છે એટલુ જ નહિ 32 ટકા દલિત વસ્તીવાળા પંજાબમાં એક નવો માસ્ટર સ્ટ્રોક પણ ચાલ્યો છે. જો કે સુનીલ જાખડના ટ્વિટથી પંજાબમાં કોંગ્રેસની મુશ્કેલીઓ ફરીથી વધતી દેખાઈ રહી છે. સુનીલ જાખડના આ ટ્વિટ પર હાલમાં હરીશ રાવત કે નવજોત સિંહ સિદ્ધુની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.

(11:01 pm IST)