મુખ્ય સમાચાર
News of Friday, 20th September 2019

એક કલાકમાં રોકાણકારોને રૂપિયા ૫ લાખ કરોડનો લાભ

મૂડીરોકાણકારોમાં ખુશીનું મોજુ ફેલાયું : નાણાંપ્રધાન નિર્મલા સીતારામનની જાહેરાતના થોડાક સમય બાદ જ માર્કેટ કેપિટલાઇઝેશન ૧૪૩.૪૫ લાખ કરોડ પર પહોંચી ગયું

મુંબઈ, તા. ૨૦ : સ્થાનિક કોર્પોરેટ જગત અને વિદેશી પોર્ટફોલિયોના નાણામંત્રી નિર્મલા સીતારામનની જાહેરાતને લઇ શેરબજારમાં દિવાળી જેવા માહોલ જોવા મળ્યો હતો. સરકારના આ ગિફ્ટથી ખુશ શેરબજાર એક સમયે ૨૦૦૦ પોઇન્ટ સુધી ઉછળ્યો હતો. કોર્પોરેટ ટેક્સમાં કાપ અને કેટિલ ગેન્સ ટેક્સમાં સરચાર્જની છુટથી ખુશ થયેલા શેરબજારમાં રોકાણકારોની મૂડી એક કલાકમાં આશરે પાંચ લાખ કરોડ વધી ગઈ હતી. બીએસઇના ડેટા અનુસાર જાહેરાત બાદ બજારમાં તેજી જોવા મળી હતી. ટુંક સમયમાં જ માર્કેટ ૧૪૩.૪૫ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું જે ગુરુવારે ૧૩૮.૫૪ લાખ કરોડ હતી એટલે કે લગભગ ૫ લાખ કરોડનો વધારો જોવા મળ્યો હતો. સેંસેક્સ નવા રેકોર્ડ તરફ આગળ વધી રહ્યું છે. સેંસેક્સમાં એક દિવસમાં તેજી ૧૦ વર્ષ પહેલા જોવા મળી હતી. નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ પણ ૫૦૦ પોઇન્ટ વધીને ૧૧૨૫૦થી પાર થયો હતો.  ૧૦ વર્ષમાં પ્રથમ ઇન્ટ્રાડેની હાઈ સપાટી છે.

                કેપિટલ માર્કેટમાં ફંડના પ્રવાહને પ્રોત્સાહિત કરવા નાણામંત્રીએ કહ્યું છે કે, બજેટમાં વધારવામાં આવેલા સરચાર્જ ઇક્વિટી શેરોથી થયેલી વેચવાલીથી થયેલી આવકપર નહીં આપવો પડે. આ છુટછાટના દાયરામાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો પણ આવી જશે જે ડેરિવેટિવ્સમાં વેપાર કરે છે. નાણામંત્રીએ કહ્યું હતું કે, ઘટાડા બાદ સેસ અને સરચાર્જને જોડીને પ્રભાવી કોર્પોરેટ ટેક્સ ૨૫.૧૭ ટકા થઇ જશે જે પહેલા ૩૦ ટકા હતો. પહેલા કોર્પોરેટ ટેક્સના દર ૩૪.૯૪ ટકા હતા. આ સિવાય મિનિમમ અલ્ટરનેટિવ ટેક્સ માં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. ટેક્સમાં ઘટાડાની આ જાહેરાત બાદ સરકારી તિજોરી પર ૧.૪૫ લાખ કરોડનો બોજ વધશે.

(7:56 pm IST)