મુખ્ય સમાચાર
News of Friday, 20th September 2019

મહારાષ્ટ્રમાં ભાજપા-શિવસેના વચ્ચે ૧૬ર-૧ર૬ બેઠકોની ફોર્મ્યુલા ફાઇનલ

એક બે દિવસમાં થઇ શકે છે જાહેરાત

મુંબઇ તા. ર૦ : મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચુંટણી પહેલા ભાજપા અને શિવસેના વચ્ચે બેઠકોના ભાગ બાબતે લાંબી મથામણ પછી અંતિમ મહોર લાગી ગઇ છે. સૂત્રો અનુસાર, ગઇકાલે મોડી રાત સુધી મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડવવીસ અને શિવસેનાના નેતા તથા ઉદ્યોગ પ્રધાન સુભાષ દેસાઇ વચ્ચે ચાલેલી લાંબી મીટીંગમાં નકકી થયું છે કે ભાજપા ૧૬ર બેઠકો પર અને શિવસેના બાકી રહેલી ૧ર૬ બેઠકો પર ચૂંટણી લડશે ર૦૧૪ ની વિધાનસભા ચુંટણીમાં બેઠકોના ભાગ બાબતે બન્ને પક્ષો વચ્ચે સહમતિ ન થતા બન્ને પક્ષો અલગ અલગ રહીને ચૂંટણી લડયા હતા.

મહારાષ્ટ્રમાં બીજા સહયોગી અનેનાના પક્ષોને ભાજપા ૧૬ર બેઠકોના પોતાના કવોટામાંથી બેઠકો આપશે. એવી પણ ચર્ચા છે કે ભાજપા કમળના ચિન્હ પર લડવા નાના સહયોગીઓને મનાવવા પ્રયત્ન કરશે એક સીનીયર કેબિનેટ પ્રધાને નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું કે બેઠકોના ભાગ બાબતે ઓફીશ્યલ જાહેરાત એક બે દિવસમ)ં થઇ જશે.

આ પહેલા શિવસેના પ૦-પ૦ ટકાના ફોર્મ્યુલા પર ભાર મુકી રહી હતી. શિવસેના પ્રવકતા સંજય રાઉતે ગઇકાલે કહ્યું હતું કે, ભાજપાએ પ૦-પ૦ ની ફોર્મ્યુલાને માન આપવું જોઇએ. ભાજપાને શિખામણ આપતા શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું હતું, ''અમિત શાહ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં જે પ૦-પ૦ ની ફોર્મ્યુલા નકકી થઇ હતી, ભાજપાએ તેનું માન જાળવવું જોઇએ.''

આ પહેલા એવી પણ ચર્ચા હતી કે ભાજપા શિવસેનાને ૧ર૦થી વધારે બેઠકો આપવા રાજી નથી. જયારે શિવસેના ૧૩પ બેઠકો પર લડવા માંગે છે અને ભાજપાને પણ એટલીજ બેઠકો આપવા માંગે છે. જયારે બાકીની ૧૮ બેઠકો તે સહયોગીઓને આપવા માંગે છે. પણ ભાજપાએ તેનો સ્વીકાર નહોતો કર્યો.

સુત્રો અનુસાર ભાજપાનો તર્ક એવો છે કે ર૦૧૪ની ચુંટણી કરતા આ વર્ષની લોકસભા ચુંટણીમાં ભાજપાનો વોટ શેર વધી ગયો છે અને વડાપ્રધાન મોદીની છબીના કારણેજ લોકસભામાં શિવસેનાને ૧૮ બેઠકો મળી છે. એટલે ભાજપાને શિવસેના કરતા વધારે બેઠકો મળવી જોઇએ તેવો ભાજપાનો દાવો છે.

(3:36 pm IST)