મુખ્ય સમાચાર
News of Friday, 20th September 2019

બિહાર-ઉતરાખંડમાં પીયુસી લેનારની સંખ્યામાં ૯ ગણો વધારો

પીયુસી લેવામાં હરિયાણા સૌથી પાછળ

નવી દિલ્હી,તા.૨૦: નવા ટ્રાફિક દંડ અમલી બન્યા પછી દેશભરમાં પીયુસી લેનારા લોકોની સંખ્યામાં જોરદાર વધારો જોવા મળ્યો છે. સુધારેલ મોટર વ્હીકલ એકટ લાગુ થયા પછી ૧૮ દિવસોમાં દેશમાં પીયુસી લેનારાની સંખ્યામાં ૯ ગણો વધારો થયો છે ૧૧ રાજ્યોમાંથી મળેલા આંકડાઓ અનુસાર પીયુસી લેવામાં આટલો વધારો આ પહેલા કયારેય નથી જોવા મળ્યો

૧૧ રાજ્યો ઙ્ગઆંકડાઓ અનુસાર, સૌથી મોટો વધારો બિહાર અને ઉતરાખંડમાં જોવા મળ્યો છે. ઓગસ્ટ મહિનામાં જેટલી ગાડીઓના પીયુસી લેવાયા હતા તેની સરખામણીમાં ૧૮ દિવસોમાં આ રાજ્યોમાં પીયુસી લેનારાઓનસ સંખ્યામાં સૌથી મોટો ઉછાળો આવ્યો છે . ઉતરપ્રદેશ અને ગુજરાતમાં પીયુસી લેનારાઓની સંખ્યામાં ૩ ગણો વધારો જોવા મળ્યો હતો.

દિલ્હીમાં પીયુસી લેનારાઓની સંખ્યામાં કેટલો વધારો થયો તેનો ઓફિશ્યલ આંકડો બહાર નથી પડાયો પણ આરટીઓ વિભાગનું કહેવું છે કે અત્યાર સુધીના આંકડાઓ જોતા પીયુસી લેનારાઓની સંખ્યામાં ૩ ગણા જેટલો વધારો થયો છે.

કેન્દ્રિય પરિવહન પ્રધાન ગડકરીએ સંખ્યામાં આવેલા આ ઉછાળાનું શ્રેય ટ્રાફિકના નવા નિયમોને આપતા કહ્યું કે પીયુસી લેનારાઓ તથા ડીએલની અરજીમાં થયેલ વધારાનું કારણ પણ આ જ છે. તેમણે કહ્યું 'મેં પહેલા પણ કહ્યું હતું કે ભારે દંડ પાછળ સરકારનો ઉદેશ આવક મેળવવાનો નથી.અમે આ પગલાઓ રોડને સુરક્ષિત બનાવવા માટે લીધા છે.

સરકારી અધિકારીઓનું કહેવું છે કે છેલ્લા ત્રણ અઠવાડીયામાં જે રીતે પીયુસી સેવામાં ઉછાળો આવ્યો છે તે જોતા એવું લાગે છે કે તેમાં હજુ પણ વધારો થશે. અત્યાર સુધી હરિયાણામાં આ આંકડો સૌથી ઓછો રહ્યો છે. ત્યાં ફકત ૫૩૨ પીયુસી લેવાયા છે.

(3:36 pm IST)