મુખ્ય સમાચાર
News of Thursday, 20th September 2018

બ્રિટનમાં ભારતીય પરિવારના ઘરને આગ લગાડી 4 યુવકો નાસી છૂટ્યા : પડોશીઓની સતર્કતાને કારણે પરિવારનો બચાવ : વંશીય હુમલા સમી ઘટનાની પોલીસ તપાસ ચાલુ

લંડન :બ્રિટનમાં રહેતા ભારતીય પરિવારના ઘરને આગ લગાડવાની વંશીય હુમલા સમી ઘટના શનિવારે બનવા પામી છે.જે મુજબ  મૂંબઇથી બ્રિટન સ્થાયી થયેલા મયુર કારલેકર તેમની પત્ની અને બાળકો સાથે ઘરમાં સૂતા હતા. આ દરમિયાન પાડોશીઓએ પરિવારને ઘરમાં આગ લાગી હોવાની જાણકારી આપી. સાથે જ તેઓએ ફાયર બ્રિગેડને ફોન કરી દીધો. ત્યારબાદ ફાયર વિભાગની ટીમે લાંબા સમય સુધી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કર્યા. પોલીસ આ ઘટનાને વંશીય હિંસા ગણાવીને તપાસ કરી રહી છે.

 પોલીસ હાલ ઘરની બહાર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરી રહી છે. તેમાં ચારથી પાંચ યુવકો ઘરમાં આગ લગાવવાની કોશિશ કરતાં જોવા મળી રહ્યા છે.

 આ તમામના ચહેરા ઢાંકેલા હતા, હજુ સુધી કોઇની ધરપકડ નથી કરવામાં આવી.

 ઘટના અંગે મયૂરનું કહેવું છે કે, પાડોશીઓની તકેદારીના કારણે તેઓ સહીસલામત બહાર નિકળી ગયા, પરંતુ તેમની સંપત્તિને ઘણું નુકસાન થયું છે.મયૂરે સોશિયલ મીડિયા પર લોકોને હુમલાખોરને પકડવામાં મદદની અપીલ કરી રહ્યા છે. મયૂર મૂળ મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ડોમ્બીવલીના રહેવાસી છે.

(6:20 pm IST)