મુખ્ય સમાચાર
News of Thursday, 20th September 2018

માતા-પિતા દ્વારા તરછોડાયેલ નવજાત બાળક ગટરમાંથી મળ્યું : તબીબો-નર્સ અને સ્‍તનપાન કરાવનાર માતાઓને કારણે જીવતદાન મળ્યું

ચેન્નાઈ: 15મી ઓગસ્ટના રોજ ચેન્નાઈમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અહીં એક ગટરમાંથી નવજાત બાળક મળી આવ્યુ હતુ. પોતાના માતા-પિતા દ્વારા તરછોડી દેવામાં આવેલું આ બાળક આજે જીવિત છે તેનો શ્રેય તે માતાઓને જાય છે જેમણે પોતાનુ બ્રેસ્ટ મિલ્ક આ બાળક માટે ડોનેટ કર્યું.

ગીતા નામની મહિલાએ જ્યારે આ બાળકે ગટરમાં જોયું તો તે તાત્કાલિક તેને સરકારી હોસ્પિટલમાં લઈ ગઈ. બાળકનું વજન માત્ર 1.9 કિલો જ હતું. રાજીવ ગાંધી ગવર્નમેન્ટ જનરલ હોસ્પિટલના ડીન ડોક્ટર આર.જયંતી જણાવે છે કે, બાળકને સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓ છે. તે બેક્ટેરિયલ ઈન્ફેક્શનનો પણ શિકાર બન્યો છે. તેને વધુ સારવાર માટે ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખીય છે કે હોસ્પિટલમાં દાખલ કર્યા પછી બે અઠવાડિયા સુધી તેને ડોકટર્સ અને નર્સની રેગ્યુલર દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો. હોસ્પિટલની મિલ્ક બેન્કમાંથી તેને દૂધ પીવડાવવામાં આતુ હતુ. ડોક્ટર્સનું કહેવું છે કે ઈન્ફેક્શનને કારણે તેનું વજન ઝડપથી નથી વધી રહ્યું.

હોસ્પિટલના ડિરેક્ટર ડોક્ટર એ.ટી.અરસાર જણાવે છે કે, ડિસ્ચાર્જ સમયે તેનું વજન 2.17 કિલો હતું. જો તેને આ રીતે બ્રેસ્ટ મિલ્ક મળતું રહેશે તો તે ટુંક સમયમાં સ્વસ્થ થઈ જશે. અમે તેને જરુરી દૂધ દરરોજ મોકલીએ છીએ. મંગળવારના રોજ હેલ્થ મિનિસ્ટર સી.વિજય ભાસ્કરે બાળકને સોશિયલ વેલફેર મિનિસ્ટર વી.સરોજાને સોંપ્યુ.

બાળકનું ધ્યાન રાખનારી નર્સો અને હોસ્પિટલનો અન્ય સ્ટાફ આ સમયે હાજર હતો. એક નર્સે જણાવ્યું કે, અમે આશા રાખીએ કે આ બાળકને એક સારો પરિવાર મળે અને અમે જે રીતે તેનું ધ્યાન રાખ્યું તે રીતે તેનું ધ્યાન રાખે. બાળકને બચાવનાર ગીતાએ તેનું નામ સુદંતીરમણ રાખ્યું છે.

(5:07 pm IST)