મુખ્ય સમાચાર
News of Thursday, 20th September 2018

લાખોની છેતરપીંડી કરનાર દિલ્હીની ૬ મહિલા સહિત ૧૧ની ગેંગ ઝડપાઇ : અમદાવાદ લાવ્યા

ગુજરાતમાં ૬૦૦ ફોન કરી ક્રેડિટ કાર્ડ અને ઓટીપી નંબરો મેળવી : તમારુ ક્રેડિટ કાર્ડ બંધ થઇ ગયું છે, બીગ બજારના વાઉચર મળે છે, કહી નંબરો મેળવતા : ૧૧ આરોપીઓની ટોળકીને અમદાવાદ લાવવામાં આવ્યા :૪૮૧ સીમકાર્ડ કબ્જે લેવાયાઃ ૬૭ મોબાઇલ અને ૨૯ ડેબિટ કાર્ડ કબ્જે લેવાયાઃ હજારો ફોન કર્યાનું ખુલ્યું

રાજકોટ તા.૨૦: બેંકના અધિકારી હોવાનું જણાવી લોકોને ફોન કરી તેમના ક્રેડિટ કાર્ડની માહિતી મેળવીને છેતરપીંડી કરતી ૧૧ જણાની ટોળકીને ક્રાઇમ બ્રાંચે દિલ્હીમાં ધરપકડ કરીને અમદાવાદ લાવવામાં આવી હતી. પોલીસ આરોપીઓનાં દિલ્હીના કોલસેન્ટર પર દરોડો પાડીને વિવિધ મોબાઇલ કંપનીના ૪૮૧ સીમ કાર્ડ, ૬૭ મોબાઇલ તથા ૨૯ ડેબિટ કાર્ડ કબજે કર્યા હતા. આ ટોળકીએ ગુજરાત સહિત અન્ય રાજયોમાં લોકો સાથે મોટી રકમની છેતરપીંડી કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે માહિતીેને આધારે દિલ્હીના વિકાસપુરી વિસ્તારમાં ચાલતા કોલ સેન્ટર પર દરોડો પાડીને ૧૧ જણાની ધરપકડ કરી હતી. જેમાં સમીર અહેમદ અહાદ (ર૦), રાજકુમાર શર્મા (૨૯), બલજીન્દ બજાર (૨૮), અમીત ધનવર (૩૨), અનિલ ડાંગર (૪૦), પ્રિન્સી કષ્યપ (૧૮), રિતીકા રાજપુર (૨૧), મારીયા અરોરા (૨૩), મનીષા બજાજ (૨૧), રજની ચોૈધરી (૨૯) અને સાક્ષી ગીલ(૨૨) નો સમાવેશ થાય છે.

આરોપીઓ જુદા-જુદા રાજયોમાં લોકોને બેંક અધિકારીના સ્વાંગમાં ફોન કરીને તમારૂ ક્રેડિટ કાર્ડ બંધ થઇ ગયેલું છે, બીગ બજારમાં વાઊચર મળે છે, એમ કહીને તેમની પાસેથી ક્રેડિટ કાર્ડની માહિતી અને ઓટીપી નંબર મેળવી લેતા હતા. બાદમાં ક્રેડિટ કાર્ડ મારફતે પૈસા મેળવીને ઇ-વોલેટમાં ટ્રાન્સફર કરતા હતા. બાદમાં જુદા-જુદા બેન્ક એકાઊન્ટમાં નાણાં જમા કરીને કેશમાં કન્વર્ટ કરી લેતા હતા.

એકલા ગુજરાતમાં જે તેમણે ૬૦૦ ફોન કર્યા હોવાનું બહાર આવ્યું છે. ઊપરાંત મહારાષ્ટ્રમાં પ૦૦ ફોન, બિહારમાં ૫૪૩, ઉત્તર પ્રદેશમાં ૨૨૮, રાજસ્થાનમાં ૧૫૦ અને દિલ્હીમાં ૭૧૭ ફોન કર્યા હોવાનું બહાર આવ્યું હતું.

આરોપી અમિત આ કોલ સેન્ટરમાં મેનેજર તરીકે કામ કરતો હતો. તે લોકોના ઓટીપી નંબર ઇ-વોલેટમાં નાંખી ટ્રાન્ઝેકશનનું કામ કરતો હતો. અનિલ ડેટા તથા સીમકાર્ડ લાવવાનું અને એકાઊન્ટમાં જમા થયેલી રકમ વીથડ્રો કરવાનું કામ કરતો હતો. જયારે અન્ય આરોપીઓ ડેટાને આધારે લોકોને કોલ કરવાનું કામ કરતા હતા.

(1:39 pm IST)