મુખ્ય સમાચાર
News of Thursday, 20th September 2018

મોદીરાજમાં બેંકોની ‘બેડ લોન' ત્રણ ગણી વધી

સરકારી બેંકોનું એનપીએ ૩૦ જૂન ર૦૧૪ સુધી રૂા. ર,ર૪,પ૪ર કરોડ હતું જે ડિસેમ્‍બર ર૦૧૭ સુધીમાં વધીને રૂા. ૭,ર૩,પ૧૩ કરોડ થયું : એપ્રિલ ર૦૧૪થી લઇને ૩૧ માર્ચ ર૦૧૮ સુધીમાં બેંકોએ રૂા. ૧,૭૭,૯૩૧ કરોડની વસુલાત કરીઃ RTI હેઠળ બહાર આવી માહિતી

મુંબઇ તા. ર૦ : રીઝર્વ બેંકે આરટીઆઇ હેઠળ જાણકારી આપી છે કે નરેન્‍દ્ર મોદીના કાર્યકાળમાં સરકારી બેંકોની એનપીએ એટલે કે બેડ લોન ત્રણ ગણી થઇ ગઇ છે. ઇન્‍ડીયા ટૂ ડે ટીવીના સવાલોના જવાબ આપતા આરબીઆઇએ કહ્યું છે કે ૩૦ જુન ર૦૧૪ થી ડીસેમ્‍બર ર૦૧૭ ના અંત સુધીમાં સરકારી બેંકોની એનપીએ વધીને ૩ ગણી થઇ ગઇ છે. ૩૦ જૂન ર૦૧૪ સુધી સરકારી બેંકોની કુલ એનપીએ ર,ર૪,પ૪ર કરોડ રૂપિયા હતી જે સાડા ત્રણ વર્ષ એટલે કે ડીસેમ્‍બર ર૦૧૭ સુધીમાં વધીને ૭,ર૩,પ૧૩ કરોડે પહોંચી હતી. રીઝર્વ બેંકે સરકારી બેંકોના રીપોર્ટોના આધારે આ આંકડા બહાર પાડયા છે.

આરટીઆઇમાં ૩૦ જૂન ર૦૧૮ સુધીના બેડ લોનના આંકડા માગવામાં આવ્‍યા હતાં. પણ રીઝર્વ બેંકે આંકડા નહીં હોવાનું કહીને આગળની જાણકારી આપવામાં અસમર્થતા જાહેર કરી હતી. રીઝર્વ બેંકે એમ પણ જણાવ્‍યું છે કે એપ્રિલ ર૦૧૪ થી માર્ચ ર૦૧૮ સુધીમાં આ બેંકો દ્વારા ૧,૭૭,૯૩૧ કરોડની લોન રીકવરી થઇ છે. આ આંકડો ડીસેમ્‍બર ર૦૧૭ સુધીમાં આપવામાં આવેલ બેડ લોનથી ઘણો નાનો છે. જણાવી દઇએ કે થોડા દિવસ પહેલા રીઝર્વ બેંકના ભુતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને સંસદીય સમિતિને લેખીત જવાબમાં કહ્યું હતું કે તેમણે મોટા બેંક કૌભાંડીઓનું એક લીસ્‍ટ વડાપ્રધાન કાર્યાલયને મોકલીને ચેતવ્‍યા હતા પણ તેમાંથી એક પણની સામે કાર્યવાહી નહોતી થઇ. રાજનના  બયાન પછી નરેન્‍દ્ર મોદીની સરકાર વિરોધ પક્ષોના નિશાના પર છે. કૌભાંડકારોને બચાવવાનો આક્ષેપ વિરોધ પક્ષો મોદી સરકાર પર કરી રહ્યા છે.

કેન્‍દ્ર સરકાર એક મોટા કૌભાંડી અને ભાગેડુ વિજય માલ્‍યાના બયાનથી પણ નિશાન પર છે. ગયા સપ્તાહે માલ્‍યાએ આક્ષેપ કર્યો હતો કે તેણે લંડન આવતા પહેલા નાણામંત્રી અરૂણ જેટલી સાથે મુલાકાત કરી હતી અને સેટલમેન્‍ટની વાત કરી હતી. જો કે જેટલીએ સંસદમાં માલ્‍યા સાથે અનૌપચારિક મુલાકાત થઇ હોવાનું કબૂલ્‍યું હતું પણ સેટલમેન્‍ટની વાત થઇ હોવાની બાબતે ઇન્‍કાર કર્યો હતો.  સાથે જ તેમણે એમ પણ કહયું હતું કે માલ્‍યા સાથે કોઇ ઔપચારિક મુલાકાત નહોતી થઇ. વિરોધ પક્ષો આ મામલે જેટલીનું રાજીનામું માગી રહ્યા છે અને માલ્‍યાને વિદેશ ભગાડવાનો આરોપ લગાવી રહ્યા છે.

(11:19 am IST)