મુખ્ય સમાચાર
News of Thursday, 20th September 2018

૧૦ લાખ બૂથથી રૂપિયા ૫૦૦ કરોડ એકત્ર કરવાની કોંગ્રેસની યોજના

ફંડની અછતથી પરેશાન કોંગ્રેસ હવે દેશની સામાન્‍ય જનતા પાસેથી નાણા અને સમર્થન માગશે

નવી દિલ્‍હી તા. ૨૦ : ફંડની અછતથી પરેશાન કોંગ્રેસ પાર્ટી હવે દેશની સામાન્‍ય જનતા પાસેથી નાણાં અને સમર્થન બન્ને માગશે. પાર્ટીની યોજના મુજબ કોંગ્રેસ આગામી ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલાં ૧૦ લાખ બૂથથી ૫૦૦ કરોડ રૂપિયા એકત્ર કરશે. જેના માટે કોંગ્રેસ પર્ટીએ તેના કાર્યકરોને દરેક બૂથ પરથી રૂપિયા ૫ હજાર એકત્ર કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્‍યો છે.આગામી લોકસભા ચૂંટણી પહેલાં પોતાનો ખાલી ખજાનો ભરવા માટે કોંગ્રેસ પાર્ટી દરરોજ નવી યોજના લઈને આવે છે. આપને જણાવી દઈએ કે, પાર્ટીએ ટ્‍વીટરના માધ્‍યમથી દેશની સામાન્‍ય જનતાને આર્થિક મદદ કરવાની અપીલ કરી છે.

આ ઉપરાંત પાર્ટી દ્વારા ધારાસભ્‍યો અને સાંસદોને તેમનો એક મહિનાનો પગાર પાર્ટી ફંડમાં જમા કરવા માટે કહેવામાં આવ્‍યું છે. એટલું જ નહીં નેતાઓને તેમનો શાહી ખર્ચ ઓછો કરવા પણ જણાવવામાં આવ્‍યું છે.

આમ છતાં પાર્ટી ખજાનાની હાલત દયનીય છે. હવે પાર્ટીએ ફંડ ભેગું કરવા નવી યોજના બનાવી છે. આ યોજના અનુસાર દરેક બૂથ પરથી લગભગ પાંચ હજાર રૂપિયા એકત્રિત કરવામાં આવશે અને આ રીતે સમગ્ર દેશના ૧૦ લાખ બૂથમાંથી કોંગ્રેસ પાર્ટી કુલ રૂપિયા ૫૦૦ કરોડ એકત્રિત કરવા માગે છે.

(11:01 am IST)