મુખ્ય સમાચાર
News of Thursday, 20th September 2018

પાક ત્રાસવાદીઓ ભારતમાં કરે છે હુમલાઃ જૈશ-તોઈબા ઉપમહાદ્વીપમાં ખતરારૂપ

પાકિસ્‍તાન ત્રાસવાદ મામલે અમેરિકાની ચિંતાઓ ઉપર ધ્‍યાન નહિ આપતું હોવાનો આરોપઃ હક્કાની નેટવર્ક સહિત અન્‍ય ત્રાસવાદી જુથો પાકિસ્‍તાનમાં સક્રીય હોવાનો રીપોર્ટમાં દાવો : અમેરિકાનો રીપોર્ટઃ ટ્રમ્‍પ વહીવટી તંત્રએ આતંક વિરોધી પગલાઓ માટે ભારતને વખાણ્‍યુ તો પાકિસ્‍તાન ઉપર તૂટી પડયું: ત્રાસવાદી સંગઠનો વિરૂદ્ધ કોઈ કાર્યવાહી ન કરતુ હોવાનો આરોપ

નવી દિલ્‍હી, તા. ૨૦ : ટ્રમ્‍પ વહીવટી તંત્રએ મહત્‍વના આતંક વિરોધી પગલા માટે ભારતના વખાણ કર્યા છે અને કહ્યુ છે કે પાકિસ્‍તાનના ત્રાસવાદી સમુહોએ ભારતમાં પોતાના હુમલા ચાલુ રાખ્‍યા છે. અમેરિકી વિદેશ વિભાગના વાર્ષિક રીપોર્ટ ‘કન્‍ટ્રી રીપોર્ટ ઓન ટેરરીઝમ'માં કહ્યુ છે કે, ભારતીય નેતૃત્‍વએ ઘરેલુ સ્‍તર પર ત્રાસવાદી હુમલાઓને રોકવા અને અમેરિકા તથા સમાન વિચારધારાવાળા દેશો સાથે મળીને આતંકના ષડયંત્રકારીઓને સિકંજામાં લેવાનો સંકલ્‍પ વ્‍યકત કર્યો છે.

રીપોર્ટ અનુસાર ભારત સતત હુમલાઓનો સામનો કરી રહ્યુ છે. જેમાં પાકિસ્‍તાની ત્રાસવાદીઓ તરફથી અને આદિવાસી તથા માઓવાદીઓ તરફથી પણ. ભારતીય અધિકારીઓએ પાકિસ્‍તાન ઉપર આરોપ મુકયો છે કે તે જમ્‍મુ કાશ્‍મીરમાં ત્રાસવાદ ફેલાવે છે.

અમેરિકાએ વધુમાં જણાવ્‍યુ છે કે જૈસ અને તોઈબા લગાતાર પ્રદેશમાં ખતરો પેદા કરી રહ્યા છે અને પાકિસ્‍તાને ત્રાસવાદ અંગે અમેરિકાની ચિંતાઓ ઉપર ધ્‍યાન આપ્‍યુ નથી. રીપોર્ટ અનુસાર અફઘાનિસ્‍તાન અને પાકિસ્‍તાનમાં અલકાયદા નબળુ પડયુ છે પરંતુ ભારતીય ઉપમહાદ્વિપમાં તેના પ્રાદેશિક સંગઠનો પોતાની ગતિવીધિ ચાલુ રાખી રહ્યા છે. પાકિસ્‍તાન સ્‍થિતિ જૈસ અને તોઈબા ભારતીય ઉપમહાદ્વીપમાં હજુ પણ ખતરારૂપ છે.

સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે આ રીપોર્ટ ઓગષ્‍ટથી ડીસેમ્‍બર ૨૦૧૭ વચ્‍ચે તૈયાર કરવામાં આવ્‍યો હતો. અમેરિકાનું માનવુ છે કે, હક્કાની નેટવર્ક સહિત અન્‍ય ત્રાસવાદી જુથો પાકિસ્‍તાનમાં હજુ સક્રીય છે. જો કે પાકિસ્‍તાને પોતાના નેશનલ એકશન પ્‍લાનમાં કહ્યુ હતુ કે તે પોતાના દેશમાં કોઈપણ ત્રાસવાદી જુથોને ફાવવા નહીં દયે આમ છતા પાકિસ્‍તાની ધરતી ઉપરથી ત્રાસવાદી સંગઠનોએ બીજા દેશમાં હુમલા કર્યા હતા. અમેરિકાનું કહેવુ છે કે પાકિસ્‍તાને જૈસ અને તોઈબા સામે સંતોષજનક કાર્યવાહી કરી નથી. તોઈબાના હાફીઝ સઈદની ધરપકડ કરી હતી પરંતુ બાદમાં તે છૂટી ગયો હતો

(10:35 am IST)