મુખ્ય સમાચાર
News of Thursday, 20th September 2018

૨૦૨૦ની સાલમાં અમેરિકાના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર તરીકે ભારતીય મૂળના મહિલા સુશ્રી કમલા હેરિસની પસંદગી થવાની શકયતાઃ સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ આ પદ માટે ચર્ચાઇ રહેલા ૧૦ અગ્રણી ડેમોક્રેટ ઉમેદવારોમાં સુશ્રી કમલા બીજા ક્રમે

કેલિફોર્નિયાઃ ૨૦૧૮ની સાલના નવે. માસમાં વચગાળાની ચૂંટણીઓ પૂરી થયા બાદ અમેરિકામાં ૨૦૨૦ની સાલમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીઓમાં વર્તમાન પ્રેસિડેન્ટ રિપબ્લીકન ડોનાલ્ડ ટ્રમ્પને હરાવવા માટે ૨૦૧૯ની સાલમાં જ ડેમોક્રેટ પાર્ટીના પ્રેસિડન્ટ પદ માટેના ઉમેદવારોની પસંદગી કરવાની કવાયત શરૃ થઇ જશે.

આ પદ માટે ચર્ચામાં આવેલા ૧૦ અગ્રણી ડેમોક્રેટ ઉમેદવારોના નામ પૈકી ભારતીય મૂળના મહિલા સુશ્રી કમલા હેરિસ બીજા ક્રમે છે.

કેલિફોર્નિયામાંથી સેનેટર તરીકે પ્રતિનિધિત્વ કરી રહેલા સુશ્રી કમલા હેરિસથી એક ક્રમ આગળ એટલે કે પ્રથમ ક્રમે મેસ્સેચ્યુએટ્સના સેનેટર એલિઝાબેથ વોરેેન છે.

જો કે કમલા હેરિસએ પોતે આ પદ માટેની રેસમાં છે તેવું જણાવ્યું નથી. પરંતુ તેમણે તે માટેનો ઇન્કાર પણ કર્યો નથી. એટલું જ નહીં તેમની વાણી, વર્તન તથા વહેવાર આડકતરી રીતે પદ માટે ઉત્સુક હોવાનું સૂચવે છે. તેવો અભિપ્રાય CNN સહિત જુદા-જુદા મીડિયા માધ્યમનો છે.

સુશ્રી કમલા બીજા ક્રમના ઉમેદવાર તરીકે ઉભરી રહ્યા હોવાના કારણોમાં તેમની ઉજ્જવળ કામગીરી તથા કારર્કિદી છે. જેમાં નાગરિકો માટેના હક્કો માટેની લડત, સાન ફ્રાન્સિસ્કો ડીસ્ટ્રીકટ એટર્ની તરીકેની બે ટર્મની યશસ્વી કામગીરી, કેલિફોર્નિયામાં એટર્ની જનરલ તરીકે મેળવેલી નિમણુંક, કામદારોને પૂરતુ વેતન અપાવવા માટેનો પુરૃષાર્થ, હેલ્થકેર સુવિધા તમામ નાગરિકોને મળે તે માટેની ઝુંબેશ, ચાઇલ્ડ કેર સહિતની જુદી-જુદી કામગીરીઓ સમાવેશ થાય છે.

(10:36 pm IST)