મુખ્ય સમાચાર
News of Tuesday, 20th August 2019

જમ્મુ કાશ્મીર : અંકુશરેખા ઉપર પાકે કરેલો ગોળીબાર

પાકિસ્તાની ગોળીબારમાં એક જવાન શહીદ : નાગરિક વિસ્તારો અને સેનાની અગ્રિમ ચોકીઓ પર ફરી પાકિસ્તાનનો ગોળીબાર : ભારત દ્વારા આક્રમક કાર્યવાહી

જમ્મુ, તા. ૨૦ : જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં પાકિસ્તાને ગયા સપ્તાહમાં અનેક વખત યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર કર્યા બાદ ફરીવાર અંકુશરેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર ઉશ્કેરણીજનક કૃત્યો જારી રાખ્યા છે. અંકુશરેખા ઉપર યુદ્ધવિરામનો ભંગ કરીને પાકિસ્તાને ફરીવાર રાજૌરીમાં ગોળીબાર કર્યો છે. રજૌરી સાથે જોડાયેલા એલઓસીના વિસ્તારમાં ગોળીબારમાં એક ભારતીય જવાન શહીદ થયા છે.  સેનાની અગ્રિમ ચોકીઓ સહિત તમામ નિવાસી વિસ્તારોમાં પાકિસ્તાન દ્વારા ભીષણ ગોળીબાર કરવામાં આવ્યો છે. અંકુશરેખા ઉપર વિસ્ફોટક સ્થિતિ પ્રવર્તી રહી છે.

      જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનને પણ ભારે નુકસાન થયું છે. ગયા સપ્તાહમાં જ પાકિસ્તાને અનેક વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. ૧૫મી ઓગસ્ટના દિવસે ભારતીય સેનાએ આક્રમક કાર્યવાહી કરી હતી. અત્રે નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ નાબુદ કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન ત્રાસવાદીઓને ભારતમાં ઘુસાડવા માટે  તમામ પ્રયાસ કરી રહ્યું છે. અંકુશ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવી રહ્યોછે. જો કે ભારત દ્વારા પાકિસ્તાનની તમામ હરકતનો યોગ્ય જવાબમાં આપવામાં આવી રહ્યો છે.

      ૧૭મી ઓગસ્ટના દિવસે ભારતીય સેનાએ જમ્મુ કાશ્મીરના રાજૌરી સેક્ટરની પાસે યુદ્ધ વિરામનો ભંગ કરીને ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાનની સેનાના ગોળીબારમાં એક જવાનો પ્રાણની આહુતી આપી હતી. બીજી બાજુ પાકિસ્તાન તરફથી સરહદને સળગતી રાખવાનો પ્રયાસ થઈ રહ્યા છે. ગયા ગુરુવારના દિવસે કેરન સેક્ટરમાં ઘુસરખોળીનો એક મોટો પ્રયાસ નિષ્ફળ કરવામાં આવ્યો હતો. સરહદ પાર પાકિસ્તાનની અનેક ચોકીઓને ફુકી દેવામાં આવી હતી. અનેક પાકિસ્તાની સૈનિકો પણ માર્યા ગયા હતા.જો કે પાકિસ્તાનની સેનાએ હજુ સુધી તેના ચાર જવાનોના મોત થયા હોવાની કબુલાત કરી છે.

(7:56 pm IST)