મુખ્ય સમાચાર
News of Tuesday, 20th August 2019

રામલલ્લાના અસ્થાયી મંદિરના પૂજારીઓ અને કર્મચારીઓના વેતનમાં સરકાર દ્વારા વધારો

યોગીજીની ભેટઃ ર૩ વર્ષે માંગણી સંતોષાઇઃ ૯૩ હજારનો માસીક ખર્ચઃ અયોધ્યામાં બદલી રહેલો માહોલઃ મંદિર માટે કોતરાયેલા પથ્થરોની થયેલી સફાઇઃ મુસ્લીમો દ્વારા શ્રમદાન કાર્યક્રમ યોજાયો

અયોધ્યા, તા., ર૦: ભગવાન રામ નગરી અયોધ્યામાં રામલલ્લાના અસ્થાયી મંદિરના પૂજારીઓ અને કર્મચારીઓને યોગી સરકારે ર૩ વર્ષ બાદ માંગણી પુરી કરતા ભેટ સ્વરૂપે વાર્ષિક ભથ્થામાં વધારો કરી દીધો છે. મંદિરના મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્રદાસ અયોધ્યામાં થોડા દિ' પહેલા જ મંડલાયુકતથી મળ્યા હતા અને મનોજ મિશ્રાએ આ બાબતે આશ્વાસન પણ આપ્યું હતું.

જેના લીધે હવે પુજારીને ૧૩ હજાર દર મહિને મળશે અને અન્ય પુજારીઓને ૭પ૦૦ થી ૧૦ હજાર વચ્ચેનું મહિને વેતન મળશે.

રિસીવર મનોજ મિશ્રાએ કહયું કે પ્રસાદ માટેનો વાર્ષિક ભથ્થા પણ વધારાશે હવે મંદિરના અને ખર્ચ પ્રતિમાસ ૩૦ હજાર કરી દેવાયો છે અને રામલલ્લાના ભોગ, કપડા વગેરેના રોજના ખર્ચ માટે રૂ. ૧ હજાર અપાશે.

સત્યેન્દ્ર દાસના જણાવ્યા પ્રમાણે શ્રધ્ધાળુઓ દ્વારા દર મહિને ૬ લાખનો ચઢાવો આવે છે પણ મંદિરની વ્યવસ્થા માટે માત્ર દર મહિનો ૯૩ હજાર જ ખર્ચાય છે જો કે રિસીવર કહે છેકે, કોર્ટના આદેશની મર્યાદામાં રહીને જ ખર્ચમાં વધારો કરવાનો અધિકાર છે આથી ૪ હજારથી વધુ વાર્ષિક વધારો નથી કરી શકતા.

બીજી તરફ અયોધ્યામાં ભાઇચારાનો ઉતમ નમુનો જોવા મળ્યો છે. રામ મંદિર સમર્થક મુસ્લીમોએ કાર સેવક પુરમમાં આવેલી રામમંદિર નિર્માણ કાર્યશાળામાં જઇને તૈયાર થયેલા પથ્થરોની સાફસુફી કરી છે. તેઓની સાથે મહંતો પણ જોડાયા હતા અને મુસ્લીમોએ કાર્યશાળામાં ત્રિરંગો પણ લહેરાવ્યો હતો.

દરમિયાન મંદિર સમર્થક બબલુખાને કહ્યુ કે જેટલો રામ ઉપર હિન્દુઓનો અધિકાર છે તેટલો જ મુસ્લિમોનો છે. કેટલાક કટ્ટરપંથી લોકોએ સમાજને ભડકાવવાનુ કામ કર્યુ છે.

જ્યારે મોહમદ અશ્ફાક અહેમદે કહ્યું કે, અમો રામને માનનારા છીએ અને અયોધ્યામાં જરૂરથી રામ મંદિર બનશે જ તેવો વિશ્વાસ છે.

આ કાર્યક્રમ સોમવારે યોજાયો હતો અને તેમા ૬ ડઝન મુસ્લિમો જોડાયા હતા જે શ્રમદાનથી લાગે છે કે હવે અયોધ્યામાં માહોલ બદલી રહ્યો છે.

જ્યારે સુપ્રિમ કોર્ટમાં મંદિર-મસ્જિદ મામલાની સુનાવણી વખતે પણ મંદિર સમર્થકોમાં ઘણો ઉત્સાહ પ્રવર્તે છે.

(4:04 pm IST)