મુખ્ય સમાચાર
News of Tuesday, 20th August 2019

ટેબલેટથી અપાશે કીમોથેરાપીઃ પ્રયોગમાં સકારાત્મક પરિણામ

કેન્સરના દર્દીઓને પીડા ઓછી થશેઃ કાનપુરમાં ફેફસાના કેન્સરના દર્દીઓને બે ભાગમાં વહેંચી ટ્રાયલ કરાઈ : ટેબલેટનો ઉપયોગ લાંબા સમય સુધી શકયઃ ઈન્જેકશન થેરાપીથી સરળઃ ટયુમરનો વિકાસ અટકાવે છે

કાનપુરઃ કેન્સરના ઉપચાર માટે આપવામાં આવતા કેમોથેરાપીની સાઈડ ઈફેકટસમાંથી દર્દીને રાહત આપવવાની દિશામાં કાનપુરના ડોકટરોએ પગલુ ભર્યુ છે. કાનપુરની મુરાલીલાલ ચેસ્ટ હોસ્પિટલ અને જેકે કેન્સર સંસ્થાનના વિશેષજ્ઞોએ ફેફસાના કેન્સરના દર્દીઓને કીમો ટેબલેટ આપવાની ટ્રાયલ શરૂ કરી છે. દર્દીઓને બે સમુહમાં ભાગ પડાયા છે.

ટ્રાયલ દરમિયાન એક સમુહને પરંપરાગત કિમો ટ્રીટમેન્ટ જયારે બીજા સમુહને ટેબલેટથી કીમોથેરાપી અપાઈ રહી છે. પરિણામ ખુબ જ સકારાત્મક છે. ટેબલેટથી પણ કેન્સર વાળી કોશીકાઓ આગળ વધતી અટકી છે. ટ્રાયલનો વિસ્તૃત રિપોર્ટ નવેમ્બર આવનાર છે.

શોધકર્તા અને ચેસ્ટ હોસ્પીટલના એસોસીએટ પ્રોફેસર ડો.અવધેશ કુમાર અને જેકે કેન્સર સંસ્થાના કેન્સર રોગ વિશેષજ્ઞ ડો.જીતેન્દ્ર વર્માના જણાવ્યા મુજબ બંને સમુહોની કેમોથેરાપીના તુલનાત્મક અધ્યયનથી એટલું સ્પષ્ટ થયુ છે કે દર્દીઓને તેનો અપેક્ષીત ફાયદો થઈ રહ્યો છે. લાંબા સમય સુધી કીમો દેવા માટે ટેબલેટ ખુબ જ કારગત છે.

ડોકટરોના જણાવ્યા મુજબ કેન્સર પીડીત દર્દી ઈન્જેકશનથી કીમોથેરાપી લાંબા સમય સુધી નથી કરાવી શકતો. ઈન્જેકશનમાં એક- બે કોર્ષ કર્યા બાદ દર્દી આગળ થેરાપી લેવા સક્ષમ નથી રહેતો, જયારે ૨૫૦ મીલીગ્રામની કીમો ટેબલેટ જીવનભર અથવા લાંબા સમય સુધી લઈ શકાય છે.

કીમો ટેબલેટ ફેફસાના કેન્સરની કોશીકાઓના વિકાસને પુરી રીતે રોકી દે છે. જેથી એપીડર્મલ ગ્રોથ ફેકટર (ઈજીએફ) નામનું એક પ્રોટીન હોય છે. જે કોશીકાઓનો વિકાસ કરે છે. ટયુમર કોશીકાઓ આ પ્રોટીનના નિર્માણને ઝડપી કરી છે અને કેન્સર ફેલાવા લાગે છે. કીમો ટેબલેટમાં ઈજીએફ અને અન્ય તત્વ છે. આ લોહીમાં ભળીને પ્રતિરોધી તંત્ર, ઈજીએફના વધતા અસરને રોકવા માટે એન્ટીબોડીઝ બનાવવા લાગે છે. જેથી ટયુમરનો વિકાસ બંધ થઈ જાય છે.

(1:16 pm IST)