મુખ્ય સમાચાર
News of Tuesday, 20th August 2019

૩૧ ડિસેમ્બર પૂર્વે ભાજપને નવા અધ્યક્ષ મળશે

ચંદ્રબાબુના ટીડીપીમાં મોટું ગાબડું પાડી ૫૦ નેતાને ખેડવ્યા બાદ જે.પી.નડ્ડાની મોટી જાહેરાત

નવીદિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીમાં હાલ પ્રાથમિક સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. બૂથ લેવલનાં કાર્યકરોથી લઇને રાષ્ટ્રીય નેતા સુધી તમામ અનેક વિસ્તારોમાં ફરીને તેમજ અનેક લોકોને મળીને પોતાની પાર્ટીની વિચારધારાથી અવગત કરાવી રહ્યા છે. તેમજ અનેક લોકોને પોતાની પાર્ટી સાથે જોડી રહ્યા છે.

ભાજપનાં વર્કિંગ પ્રેસિડેન્ટ જેપી નડ્ડા આજકાલ સદસ્યતા અભિયાનને વેગવાન બનાવવા માટે દક્ષિણનાં રાજયોનાં પ્રવાસે છે. તેમજ પાટનગર હૈદરાબાદ સહિતનાં વિસ્તારોમાં ભ્રમણ કરીને લોકોને ભાજપ સાથે જોડી રહ્યા છે.

જો કે એક ચર્ચા એવી પણચાલી રહી છે કે ભાજપનાં નેતાઓ અન્ય પાર્ટીનાં નેતાઓને પોતાની પાર્ટીમાં શામેલ કરવામાં પાવરધા છે. આંધ્ર પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટીનાં વડા ચંદ્રાબાબુને મોટો આંચકો આપ્યો હોય તેમ ટીડિપીનાં ૬૦થી વધુ નેતાઓને ભાજપનો ખેસ પહેરાવીને પોતાની પાર્ટીમાં શામેલ કર્યા છે. તેલંગાણામાં ભાજપ કાર્યકરોની સભાને સંબોધતા જેપી નડ્ડાએ જણાંવ્યું હતું કે, અહિનાં મુખ્યમંત્રીને જનતાની કોઇ દરકાર નથી. તેમજ ભારત સરકારની અનેક યોજનાઓ તેમજ આયુષ્યમાન ભારત યોજના લાગુ કરતી નથી. જેનાં કારણે કરોડો પરિવારો કેન્દ્ર સરકારની આ યોજનાનાં લાભ થી વંચિત છે.

આ તકે ભાજપનાં કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ જણાંવ્યું કે, સપ્ટેમ્બર મહિનામાં દેશભરના ૮ લાખ બૂથ પર ચૂંટણી કરવામાં આવશે. ત્યારબાદ ઓકટોબર મહિનામાં તાલુકા લેવલનાં પ્રતિનિધિઓની ચૂંટણી કરવામાં આવશે.

તે પછી નવેમ્બરમાં જિલ્લા સ્તરે ચૂંટણી યોજાશે. ૧૫ ડિસેમ્બર સુધી તમામ રાજયોમાં સંગઠનની ચૂંટણી પ્રક્રિયા પુરી થઈ જશે. ત્યારબાદ ભાજપને ૩૧ ડિસેમ્બર પહેલા નવા રાષ્ટ્રીય અધ્યક્ષ પણ મળી જશે.

(12:06 pm IST)