મુખ્ય સમાચાર
News of Tuesday, 20th August 2019

પૂ.શામજીબાપુની સમાધીની બાજુમાં જ શાસ્ત્રોકતવિધી મુજબ પૂ. જગદીશબાપુને સમાધી અપાઇ'તી

વિસાવદર તા. ર૦ :.. જયાં સંતનો આધાર છે. કરોડો ભાવિકો મસ્તક નમાવીને દિવ્યાનુભુતિ મેળવે છે. એવા સતાધારના તેજસ્વી અને ઓજસ્વી સંત એટલે પૂ. જગદીશબાપુ જગ 'દીશ' અર્થાત કે જગતને નવી દિશા અને નૂતન વિચારધારા આપનારા. પરમજ્ઞાની, ધરગંભીર, પ્રસનનચિત, પ્રાતઃસ્મરણીય, લઘુ મહંત હાથમાં ધર્મની મશાલ લઇ, આરતી લઇ દૈદીપ્યમાન ચહેરે આપા ગીગાના સાન્નિધ્યમાં દર્શન દેતી વિરલ વિભૂતિ તે જગદીશબાપુ. ગયા ભવનાં પુણ્યોનું ભાથું ભેગું થયું હોય ત્યારે જ આવા અવતારી પુરૂષો આ ધરા પર જન્મ ધારણ કરે છે. ધારી વિસ્તારના સરસિયા ગામ પુણ્યાત્મા પૂ. બાબુભાઇ માળવી અને પુણ્યશાળી માતા પૂ. શારદાબેનને ત્યાં અવતરેલ દિવ્યાત્મા એટલે જગદીશબાપુ જુનાગઢ જિલ્લાના ચાંપરડા ગામે અષાઢ વદ ત્રીજને મંગળવારના દિવસે આ પુણ્યાત્મા અવતરેલ. પૂ. દાદા ડાહયાભાઇ માળવીના વખતમાં પૂ. શામજીબાપુ સરસિયામાં તેમને ઘેરે પધારતા. સઘળા પરિવારને સતાધારના સ્થાનકમાં સંપૂર્ણ શ્રધ્ધા હતી. પૂ. આપા ગીગાની કૃપાથી શારદાબેનને ત્યાં પારણું બંધાયેલ. બાળક આઠેક માસનો થતા માતા-પિતા તેને સતાધાર પૂ. શામજીબાપુના દર્શને લાવેલ ત્યારે આ દૈદીપ્યમાન તેજસ્વી બાળકને જોતાં જ પૂ. બાપુએ તેનું નામ 'જગદીશ' પાડયું અને જણાવ્યું કે મોટો થતાં તે અલગારી જીવ બનીને 'જગદીશ' રૂપે જગતની સેવા કરશે. સંતની વાણીની કેટલી સચ્ચાઇ. શાળામાં સમુહ પ્રાર્થના કે ધુન વખતે બાળ જગદીશનો સ્વર અને કંઠમાધુર્ય ભલભાલને ડોલાવી દેતા જગદીશની આવી ધ્યાનભકિત અને સેવાવૃતિ જોઇને એક શ્રાવણ માસમાં તેમને સતાધાર મોકલવામાં આવતા પૂ. શામજીબાપુએ  તેમને ભકતોને પ્રસાદ વિતરણનું કાર્ય સોંપ્યું. ગમતું કાર્ય મળી જતાં તેઓ બે માસ સુધી ત્યાં જ રોકાઇ ગયા. જગદીશના પરિવારજનો ચિંતામાં પડી ગયા. પિતાજીને મનમાં થયું કે જગદીશ કયાંય સાધુ તો નથી બની ગયોને?

આ દરમ્યાન પિતાશ્રી બાબુભાઇના સાળા અને જગદીશના મામા પુરૂષોતમભાઇ ચોટલીયા મુંબઇથી સરસિયા આવેલા અને  જગદીશને મોહમયી નગરી મુંબઇ કામકાજ અર્થે લઇ ગયા. સાત મહિના બોરીવલીમાં કડીયા કામ કર્યુ. સંસારની માયાથી અલિપ્ત રહેવા સર્જાયેલા આ જીવને આવા સાંસારિક કાર્યોમાં રસરુચિ કયાંથી હોય ? કડીયા કામ દરમ્યાન ઇંટો જોડવાનું કામ કરતા જાણે પોતાના જીવને પણ જગદીશ (ઇશ્વર) સાથે જોડવાના ખ્યાલો મનમાં સતત આવ્યા કરતાં.  ચણતર કામ કરતાં કરતાં ઇશ્વર ભકિત અને સેવાકાર્યની જ લગન લાગેલી રહેતી. ઇ.સ. ૧૯૮૩ માં પૂ. શામજીબાપુએ આ સાંસારિક શરીરને ત્યાગ કરીને સ્વધામ પ્રયાણ કર્યુે ખુબ જ મનોમંથન અને આત્મચિંતન બાદ પૂ. શામજીબાપુના અનુગામી એવા પૂ. જીવરાજબાપુમાં જ શામજીબાપુના દર્શન કરીને સેવાકાર્યમાં લાગી ગયા. હવે તેમણે સેવાની ધુણી ધખાવીને કર્તવ્યપરાયણ, નિર્મોહી અને નિઃસ્વાર્થી બનીને દીનદુખિયાઓ, ગાયો અને અભ્યાગતોની સેવા કરતા રહ્યા. દાયકા સુધી સંતો અને સાધનોની સેવામાં તલ્લીન રહેનાર સેવા વ્રતધારી જગદીશને હવે લોકો જગદીશબાપુ તરીકે ઓળખવા લાગ્યા. આ વિરલ વિભુતિને ભાવુક નજરે ભાવિકો નમન કરવા લાગ્યા. નાની વયે સાદું જીવન અને ઉચ્ચ વિચારનો મર્મ જાણનાર તથા આ સિધ્ધાંતને જીવનમાં આત્મસાત કરનાર લઘુ મહંત જગદીશબાપુ પાસે અદભુત કાર્ય રચના, દીર્ઘદ્રષ્ટિ અને વિચાર શકિત હતાં. પૂ. જગદીશબાપુ ઉચ્ચ વિચારના આરાધક, સરલ સ્વભાવના, સ્પષ્ટવકતા, યુવાનપ્રિય, શ્વેત વસ્ત્રધારી સન્યાસી, ચંદનસમ સુવાસિત કાયા અને બબાળસહજ સ્મિત ધરાવતા મહાન સાધક. અલખના ઓલિયા પીર સમા આપા ગીગાના જીવંત સમાધિસ્થાન સામે હાથમાં ધૂપિયું - આરતી લઇને ઉભા રહેવું એ ખાંડાના ખેલ સમાન છે. ભગવાન શિવજીની, રામદેવપીર બાબાની, આપા ગીગાની તથા અન્ય ભુતપૂર્વ ગાદીપતિ સંતોની આરતી ઉતરતા જગદીશબાપુ કોઇ જટાળા જોગી જેવા અને અલખના આરાધક જણાતાં. તેમને આ મહત્વપૂર્ણ કાર્ય કરતાં નિહાળવા એ પણ એક લ્હાવો હતો. આરતીનો વિશાળ અગ્ની લઇને સતાધારના પરિસરમાં ઘુમતા જગદીશબાપુ અલૌકિક જણાતાં.

પૂ. શામજીબાપુના મહાપ્રયાણ બાદ પૂ. જીવરાજબાપુએ પોતાની અવસ્થાને કારણે તથા ઇશભકિતમાં વધુ ધ્યાન આપી શકાય એ હેતુથી હજારો સંતો-મહંતોની ઉપસ્થિતીમાં લઘુ મહંત તરીકે પૂ. જગદીશબાપુનો તિલકવિધી કર્યો. સમર્થ સદ્ગુરૂએ આખરે સમર્થ શિષ્યને શોધી જ લીધો આવા સમર્થ ગુરૂના શિષ્ય બનવાનું સદભાગ્ય પણ ભાગ્યશાળી આત્માને જ સાંપડે છે. આવી વિશિષ્ટ જવાબદારી સંભાળવાનું સામર્થ્ય પૂ. જીવરાજબાપપુને જગદીશબાપુમાં જ નજર આવ્યું. તા. ર૬-૬-૧૯૮૭ ના રોજ શાસ્ત્રોકતવિધી મુજબ આ કાર્ય સંપન્ન થયું. આવું કઠીન ઉતરદાયિત્વ સંભાળ્યા બાદ પૂ. જગદીશબાપુએ વિવિધ વિકાસ કાર્યો કરીને સતત સતાધારનો વિકાસ કર્યે જ રાખ્યો. તેમણે અન્નપુર્ણા ભંડાર, લઘુ રૂદ્રયજ્ઞ, રામદેવપીરનો ૬પ ફુટનો સ્તંભ, રામદેવપીર મંડપ, જીવરાજભવનનું નિર્માણ, ઉતારાની સગવડતાઓમાં સુધારા-વધારા જેવા અનેક સેવાકીય કાર્યો કર્યા. આપણા સમાજના મોટા ભાગના ધાર્મિક, સામાજિક, શૈક્ષણીક અને સેવાકીય કાર્યક્રમો અને સમારંભોમાં ઉપસ્થિત રહીને તેમણે આપણા સમાજને અને ખાસ કરીને યુવાનોને પોતાની તેજાબી, જોશીલી અને ક્રાંતિકારી વાણીમાં દિવ્ય સંદેશા આપ્યા છે. કહેવાય છે કે દર ત્રીજી પેઢીએ ગુણો સંક્રાંત થાય છે એ મુજબ દાદા ડાહયાભાઇ માળવીનું ખોરડું સરસિયામાં સાધુ સંતોના વિસામા તરીકે જાણીતુ હતું. આ ખોરડે મહાત્માઓને રોટલો અને ઓટલો મળી રહેતાં. સંસારમાં રહીને પણ સંતના સંસ્કારો ધરાવતા ડાહયાભાઇને ચાર પુત્ર રત્નો હતાં. સંતચરણોની સેવા કરીને  શુભાશિષને નફો માનતા ડાહયાભાઇ પાસે માસિકા ગામે થોડીક જ જમીન હતી. જેનાથી જીવનનિર્વાહ બરાબર ચાલે તેમ ન હતો. તેથી પરિવારના ગુજરાન માટે અમદાવાદની જ્યુબિલી મીલમાં મુકાદમ તરીકે નોકરી સ્વીકારી. દાદાનો જીવ ભકિતનો તેથી દિવસે કાળી મજુરી કરે, પરસેવે ન્હાય અને રાત્રે દરિયાપુરમાં દેવમંદિરમાં અલખના ભજનો લલકારી શ્રોતાજનોને ભકિતરસથી ભીંજવે. આમ, ત્રણ દાયકા અમદાવાદમાં ગાળ્યા બાદ ફરી માદરે વતન સાસરીયામાં આવ્યા. ભાગ્યમાં હતી એટલી જમીન સંભાળીને પરિશ્રમ આદર્યો. આવા જ પરિશ્રમ, સેવા, ભકિતના દાદાના આ ગુણો જગદીશમાં સંક્રાત થતા જગદીશ મહાન સેવાભાવી સંત  થયા. પૂ. જગદીશબાપુના તિલકવિધિમાં ચલાલાની જગ્યાના પ્રર્વતમાન મહંત પ.પૂ. વલ્કુબાપુ તથા પ.પૂ. વિસામણ બાપુ, પાળિયાદની જગ્યા મહંત પૂ. અમરાબાપુ અને પૂ. ભીમબાપુ ગીડા વગેરેએ ઉપસ્થિત રહીને આશીર્વાદ વરસાવ્યા હતા.

માત્ર ૪૨ વર્ષની વયે તા. ૮/૭/૨૦૦૪ ગુરૂવારે રાત્રે ૨:૩૦ વાગે મહાનિર્માણ પામેલા, અચાનક આપણને સોને આઘાત આપી ગયેલા પૂ. જગદીશબાપુને તા. ૯/૭/૨૦૦૪ શુક્રવારે સાંજે પ વાગ્યે સાધુ-સંતોની ઉપસ્થિતીમાં અને ૫૦ હજાર ભાવિક ભકતજનોની હાજરીમાં અશ્રુભર નયને પૂ. શામજીબાપુની સમાધીની બાજુમાં શાસ્ત્રોકતવિધિ મુજબ સમાધિ અપાઇ ત્યારે આંસુઓનો જાણે મહાસાગર ઉમટયો હતો. શ્રી પૂ. જીવરાજબાપુએ ૨૫૦ વર્ષના ઈતિહાસમાં જ ભાગ્યે ગુરૂએ શષ્યને સમાધી આપી હશે. એમ કહીને પોતાનો કંધોતર ગુમાવ્યાના વસવસો કર્યો હતો.

(11:47 am IST)