મુખ્ય સમાચાર
News of Tuesday, 20th August 2019

ગુરૂ પૂ.શામજીબાપુની આજ્ઞાથી પૂ. જીવરાજબાપુએ ૧૯૭૯માં ગુરૂગાદી સંભાળી'તી

સતાધારમાં મીની કુંભ મેળા સમાન સર્જાયેલ કાર્યક્રમમાં સંતો-મહંતો સહિત ૧૦ લાખ ભાવિકો ઉમટયા'તા

વિસાવદર, તા. ર૦ : કાઠિયાવાડનું આતિથ્ય અને દિલની અમીરાતતો સર્વત્ર સુવિખ્યાત છે. સૌરાષ્ટ્રના ગામડે ગામડે અને ટીંબે-ટીંબે હરિ અને હર તથા હરિહરની ઝાંખી કરાવતા દેવમંદિરો અને ગૃહમંદિરો છે. જયાં પૂ. આપાગીગાથી માંડીને યુવા સંત પૂ. જગદીશબાપુના સતના અંશોથી કણકણ દૈદીપ્યમાન છે એવી સતાધારની ભૂમિ જાણે કે સંત્, સંત સેવા અને સુશ્રુષાના સુરોથી માધર્યુયુકત બની છે. સતાધારની ગાદી સંભાળવી એ તો ખાંડાના ખેલ છે. સંભાળ્યા પછી તેનું પાવિત્ર્ય, ગરિમા અને સદાવ્રત જાળવી રાખવા એ તો એનાથી પણ મુશ્કેલ છે. આવી સતની ગાદીને શોભાવતા હાલના સંત અને ભકત ભુષણ પૂ. જીવરાજબાપુ સતાધારની ગાદી-પરંપરાના એક વિશિષ્ટ અને વિરલ મહંત છે. અત્યંત નિષ્પાપ, પવિત્ર, ભકત વત્સલ અને ચોખ્ખા નિર્મળ હૈયાના ધારક, ગહન ભકિત સાગરમાં તરબોળ, ગુરૂ પરંપરાને ઉજાગર કરનારા ઓલિયા તથા બાળ સહજ પ્રસન્ન મુખમુદ્રા વાળા પૂ. જીવરાજબાપુએ તા. ર૬-૬-૧૯૭૯ના રોજ સંપૂર્ણ વિધિ વિધાન સાથે ગાદી સંભાળી અને પોતાના ગુરૂ પૂ. શામજીબાપુનો ભાર ખૂબજ હળવો કરી દીધો. પૂ. ગુરૂજીની નાદુરસ્ત તબિયતના કારણે જ કોચવાતા અને પૂ. જીવરાજબાપુને ના છૂટકે આ નિર્ણયનો સ્વીકાર કરવો પડયો હતો. પૂ. જીવરાજબાપુને સતાધારની ગાદી નહીં, પરંતુ ગુરૂ પૂ. શામજીબાપુની ગોદ (પ્રેમ) વ્હાલી હતી, પણ ગુરૂ આજ્ઞા થતાં આ મહંત પદ સંભાળવું પડયું ગુરૂ પૂ. શ્રી શામજીબાપુ જયારે ઉતર ભારતની યાત્રાએ તથા અલ્હાબાદ કુંભ મેળામાં ગયા ત્યારે પૂ. જીવરાજબાપુએ ગાયના શુકન જોઇને વહેલી સવારે અમૃત ચોઘડીયામાં પૂ. ગુરૂજીને વિદાય આપેલી. આમ પૂ. શામજીબાપુની પ્રત્યેક બાબતને લક્ષ્યમાં રાખીને તથા પોતાના ગુરૂજીને કોઇ વાતની અગવડતા ન પડે એ બાબતની સતત કાળજી રાખનાર પૂ. જીવરાજબાપુ મહાન શિષ્ય, નમ્ર ગુરૂભકત અને મૃદુ મહંત બની રહ્યા. ઇ.સ. ૧૯૮૩ના અંતમાં પૂ. શામજીબાપુ ભગવદભકિતમાં લીન થઇને પોતાના જીવનને સાર્થક કરીને પોતાના કાર્યો પૂ. જીવરાજબાપુને સોંપીને, જીવ-જગતનો મોહ છોડીને જગદીશ્વરમાં લીન થઇ ગયા. એક દિવ્ય જયોતિ મહાજયોતમાં ભળી ગઇ પોતાના ગુરૂ પૂ. શામજીબાપુ પાછળ ભકત ભૂષણ શ્રી જીવરાજબાપુએ સૌરાષ્ટ્રના સંતોમાં અનોખા સંભારણા રૂપ મોટો ભંડારો કર્યો.

પૂ. શામજીબાપુ પ્રત્યેની લોકલાગણીને લીધે આ પ્રસંગે સતાધારમાં મીની કુંભ મેળા સમાન વાતાવરણ સર્જાયું. માનવમેદની એકત્રીત થઇ. આશરે ૮થી ૧૦ લાખ ભાવિકોએ આ ભકિતસાગરમાં સ્નાન કરીને ભોજન, ભજન અને ભકિતનો મહાપ્રસાદ લઇને પ્રસન્નતા તથા ધન્યતા અનુભવી. આ મહાપર્વની તૈયારીમાં પૂ. જીવરાજબાપુ, ચલાલાના ગાદીપતિ શ્રી વલકુબાપુ, શ્રી ભીમભાઇ ગીડા વગેરે અનેક નામી, અનામી ભકતો-સેવકોએ દિનરાત તનતોડ પરિશ્રમ કરીને લાઇટ, પાણી, ભોજન, આવાસ અને ઉતારા વ્યવસ્થાનું સુંદર આયોજન કરેલું. આ સંપ્રદાયની પરંપરાના પૂ. શ્રી વલકુબાપુ, પૂ. શ્રી અમરાબાપુ, પૂ. શ્રી લાલ બાપુ વગેરે સંતોએ આવો સારો ભંડારો કરવા બદલ પૂ. જીવરાજબાપુનું સન્માન કરીને સુંદર સન્માનપત્ર અર્પણ કરેલુ. પૂ. જીવરાજબાપુએ પોતાના ગુરૂ પૂ. શામજી બાપુની હયાતિમાં જ તેમના માર્ગદર્શન અને દોરવણી હેઠળ ઝડપી વિકાસ કર્યો આરંભી જ દીધેલા, તેમણે ગુરૂ ઇચ્છા મુજબ આંબાજર નદી પર ગુરૂની સ્મૃતિરૂપ 'શ્યામઘાટ' બનાવ્યો. નવી ગૌશાળા, આવાસોમાં સુધારા-વધારા અને નવા નવા આયોજનો કરીને ગુરૂજીની કલ્પનાઓ સાકાર કરવા લાગ્યા તીર્થક્ષેત્રોમાં જઇને પોતાના ગુરૂજી પાછળ શ્રાદ્ધ કર્મો પણ સંપન્ન કર્યા. પૂ. જીવરાજબાપુનું જીવન કોરી કિતાબ સમાન છે. ખૂબજ સરળ, નિખાલસ, નિષ્કપટ, દર્શનીય, ભાવપૂર્ણ, ભકિતમય, સાધુ સંતો સાથે સુમેળયુકત, આપ્તજનોના આર્તનાદો સાંભળીને તેમના દુઃખ મટાડવા  પૂ. આપાગીગાને પ્રાર્થના કરતું પૂ. જીવરાજબાપુનું જીવન પારસમણિ સમાન છે.

પૂ. જીવરાજબાપુ પોતાના દાદા ગુરૂ પૂ. લક્ષ્મણબાપુના સમયથી જ સેવા-ભકિતકાર્યમાં લાગી ગયા હતા. ગુરૂ આજ્ઞા તથા પદ્ધતિ મુજબ જ અતિથિ સેવા, ગૌસેવા, આરતી-પૂજા તથા શિવ ઉપાસના કરતા પૂ. બાપુ ભકિત માર્ગે ખૂબજ અગ્રેસર છે. સંસારના મોહમાયા અને દુનિયાદારી કરતા તેઓ ઇશ્વર સમીપ રહેવામાં વધુ પ્રવૃત હોય છે. તેમના પૂર્વાશ્રમના સ્નેહીજનોને પણ અન્ય મહેમાનોની માફક જ પૂછપરછ કરીને તેમની સાથે પણ સરળ નિખાલસ વહેવાર સૌને નવાઇ પમાડે છે.  ખુશામતખોરોથી સતત દૂર રહેતા અને સ્પષ્ટ વકતા એવા પૂ. જીવરાજબાપુ ખૂબજ કાર્યકુશળ, મૃદુ અને મિતભાષી, આતિથ્ય, ભાવનાવાળા, મિલનસાર સ્વભાવના સંત છે. સતાધારનો મીઠો આવકારો અને વિદાયવેળાના 'આવજો' જાણે કે જનજનના હૈયાને શાંતિ અને ટાઢક આપે છે. સંસારીઓ માટે મોટા વરા-પ્રસંગો પાર પાડવા એટલે પગે પાણી ઉતરી આવે એવું બનતું હોય, ત્યારે અહીં સતાધારમાં તો બારેમાસ પ્રસંગ અને ઉત્સવ જ હોય, આ પૂ. આપાગીગા તથા અન્ય સંતોના ચમત્કાર અને પૂ. જીવરાજબાપુ તથા લઘુ મહંત પૂ. જગદીશબાપુના સદપ્રયત્નોનું જ પરિણામ ગણી શકાય. સુવર્ણને તાપો-ટીપો કે ભાંગો તો પણ એ કંચન જ રહે છે. એમ પૂ. જીવરાજબાપુએ પોતાના પૂ. ગુરૂજી શામજીબાપુની વિદાય તો જોઇ અને સાથે સાથે તા. ૯-૭-ર૦૦૪ના રોજ પરમ પ્રિય શિષ્ય યુવા લઘુ મહંત પૂ. જગદીશબાપુને કંધોતર રૂપે વિદાય આપીને પુત્ર રત્ન ગુમાવ્યાનો વસવસો અને અફસોસ રહ્યા, છતાંય હૈયે 'હામ' અને 'શામ' રાખીને હાલમાં સતાધારની ગાદી શોભાવી રહ્યા છે.

(11:48 am IST)