મુખ્ય સમાચાર
News of Tuesday, 20th August 2019

પૂ.જીવરાજબાપુનું સમગ્ર જીવન સેવારત હતું : નરેન્દ્રબાપુ

દરેક સેવકગણનું ધ્યાન રાખતા, સત્તાધારની પવિત્ર જગ્યામાં ભજન, ગૌસેવા જેવા સેવાકાર્યોમાં પોતાનું જીવન સમર્પિત કરી દીધુ હતું : સર્વે સેવકગણને આ દુઃખની ઘડીને સહન કરવાની શકિત આપે તેવી પ્રાર્થના

પૂ.જીવરાજબાપુના અનન્ય સેવક પૂ.નરેન્દ્રબાપુ સાથેની યાદગાર તસ્વીરો.

 

રાજકોટ, તા. ૨૦ : સતાધારની પાવન - તીર્થધામ એવા આપાગીગાની  જગ્યાના સંત પૂ.જીવરાજબાપુનો દેહવિલય થયો છે. સંતસમુદાય અને ભકતોમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. પૂ.જીવરાજબાપુનું સમગ્ર જીવન સેવારત હતું. તેઓ નાનાથી મોટા દરેક સેવકોનું કાળજીપૂર્વક ધ્યાન રાખતા. તેઓએ પોતાનું જીવન ગૌસેવા, ભજન સહિતના કાર્યોમાં સમર્પિત કરી દીધાનું આપાગીગાનો ઓટલો - ચોટીલાના મહંત પૂ.નરેન્દ્રબાપુએ 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું. પૂ.જીવરાજબાપુનો દેહવિલય થતાં દુનિયાભરમાં એક મોટામાં મોટા સંતની ખોટ પડી છે. તેઓ સાતેક દાયકાથી વધુ સમયથી સેવાકીય પ્રવૃતિઓમાં સેવારત હતા. માનવતાવાદી પ્રવૃતિઓમાં તેઓનું નામ સદાય યાદ રહેશે. પૂ.બાપુના દેહવિલયથી ભકતગણ અને સાધુ સમાજમાં સૌથી મોટી ખોટ પડી છે.

પૂ.નરેન્દ્રબાપુએ વધુમાં જણાવેલ કે તેઓ એકદમ ભોળા હતા. નાનામાં નાના સેવકથી માંડી મોટામાં મોટા સેવકનું તેઓ બખૂબી ધ્યાન રાખતા. દરેક ભકતને મીઠો આવકાર આપતા. ભજનથી માંડી ભોજન સુધીનું ધ્યાન રાખતા. આશરે ૨૨૫ વર્ષથી જૂની પાવન એવી સતાધારની આ જગ્યામાં પૂ.જીવરાજબાપુએ સેવામયથી પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધુ હતું.

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સત્તાધાર જઈ પૂ.જીવરાજબાપુના દર્શનનો લાભ લીધો હતો. તેઓના દુઃખદ નિધનના સમાચાર મળતાની સાથે જ શ્રી રૂપાણીએ દુઃખની લાગણી વ્યકત કરી હતી.

પૂ.નરેન્દ્રબાપુએ જણાવેલ હતું કે પૂ.બાપુની તબિયત છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત હતી. તેઓની વિદાયથી ભકતગણ અને સેવકસમુદાયમાં દુઃખની લાગણી પ્રસરી ગઈ છે. સર્વ સેવકગણને આ દુઃખ સહન કરવાની શકિત આપે તેમ અંતમાં જણાવાયુ હતું.

(11:40 am IST)