મુખ્ય સમાચાર
News of Tuesday, 20th August 2019

પાકની સાથે સેના પરંપરાગત યુદ્ધ માટે તૈયાર હતી :

બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ સેના આક્રમક હતી : સેના પાકિસ્તાનના કોઇપણ જમીની હુમલાઓને પહોંચી વળવા, દુશ્મનની જમીન ઉપર લડવા તૈયાર હતી : હેવાલ

નવી દિલ્હી, તા. ૧૯ : બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ ભારતીય સેના પાકિસ્તાન સાથે કોઇપણ પ્રકારના યુદ્ધ સાથે સંપૂર્ણપણે તૈયાર હતી. એટલું જ નહીં સેના યુદ્ધને પાકિસ્તાનની જમીન પર લડવા માટે પણ તૈયાર હતી. આ અંગેની માહિતી ગુપ્તરીતે સપાટી ઉપર આવી છે. સેના સાથે જોડાયેલા સુત્રોએ કહ્યું છે કે, બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ સેના પ્રમુખ જનરલ બિપીન રાવતે સાફ શબ્દોમાં સરકારને કહી દીધું હતું ેકે તેમની સેના પાકિસ્તાનના કોઇપણ જમીની હુમલાનો સામનો કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે. યુદ્ધને દુશ્મનની જમીન ઉપર લઇ જવા માટે પણતૈયાર છે. ભારતીય સેના પાકિસ્તાન સાથે પરંપરાગત યુદ્ધ માટે પણ તૈયાર છે જેમાં પાકિસ્તાનની સરહદ પાર કરવાની બાબત પણ સામેલ છે.

     આર્મી ચીફે સરકારને પોતાની સેનાની તૈયારી અંગે માહિતી આપી હતી. મામલો એ વખતનો છે જ્યારે પાકિસ્તાનને પુલવામા પર બોધપાઠ ભણાવવા માટે અનેક પ્રકારના વિકલ્પો ઉપર કામ ચાલી રહ્યું હતું. આર્મી ચીફે સેનાના રિટાયર્ડ થનાર અધિકારી સાથે બંધ બારણે રુમમાં કહ્યું હતું કે, બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ સેના પાકિસ્તાન સાથે કોઇપણ પ્રકારના યુદ્ધ માટે તૈયાર હતી. આર્મી ચીફના નિવેદનને મતલબ એ હતો કે, ભારતીય સેના યુદ્ધને પાકિસ્તાનના ક્ષેત્રમાં લઇ જવા માટે પણ તૈયાર હતી. ઉરી હુમલા બાદ ભારતીય સેનાએ આશરે ૧૧૦૦૦ કરોડ રૂપિયાના હથિયારો ખરીદવાની મંજુરી આપી હતી જે પૈકી ૯૫ ટકા હિસ્સો મેળવી લેવામાં આવ્યો છે. જરૂરી હથિયારોની ખરીદી માટે ૭૦૦૦ કરોડની કિંમતના ૩૩ કોન્ટ્રાક્ટ ફાઇનલ થઇ ચુક્યા છે. ૯૦૦૦ કરોડ રૂપિયાની એક વધારાની ખરીદી પણ એડવાન્સ તબક્કામાં છે. પુલવામા હુમલા બાદ ભારતે બાલાકોટમાં ઘુસીને ત્રાસવાદી અડ્ડાઓને હવાઈ હુમલા મારફતે ફૂંકી માર્યા હતા. ત્યારબાદ પાકિસ્તાને હુમલાના પ્રયાસ કર્યાહતા પરંતુ સફળતા મળી ન હતી.

(12:00 am IST)