મુખ્ય સમાચાર
News of Monday, 20th August 2018

હવે માત્ર ચિઠ્ઠી નહીં, બેંકને ઘરે લઇને આવશે પોસ્ટમેન

પોસ્ટમેન બનશે બેંકર : સરકાર લાવશે IPPB સેવા : ૧૧ હજાર પોસ્ટમેન કામે લાગશે

નવી દિલ્હી તા. ૨૦ : ઈન્ટરનેટના આ યુગમાં તમને લાગતું હશે કે, પોસ્ટમેન કયાંક પાછળ છૂટી ગયો છે. પણ ઈન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB)ના લોન્ચિંગ બાદ પોસ્ટમેન ડિજિટલ બેંકિંગને તમારા સુધી પહોંચાડશે.

૨૧ ઓગસ્ટના રોજ સરકાર IPPB લોન્ચ કરવાની છે. આ સેવા સંપૂર્ણ રીતે પોસ્ટ વિભાગ અંતર્ગત હશે. સામાન્ય નાગરિકો માટે બેંકિંગ સુવિધાને સુગમ બનાવવા માટે સરકારે આ પહેલ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

આ સર્વિસ ૬૫૦ શાખાઓ અને ૩૨૫૦ એકસેસ પોઈન્ટ પર શરૂ કરવામાં આવશે. આની સાથે ૧૧ હજાર પોસ્ટમેન જોડાશે. આ સર્વિસ અંતર્ગત ૧૭ કરોડ પોસ્ટલ સેવિંગ એકાઉન્ટને લિંક કરવાની પરવાનગી હશે, સરકાર વર્ષના અંત સુધી ૧.૫૫ લાખ પોસ્ટ ઓફિસને IPPB સાથે જોડવા માગે છે.

આ અન્ય બેંકોની જેમ જ છે પણ તેમાં ક્રેડિટ રિસ્કવાળી કોઈ સેવા નથી હોતી એટલે કે ક્રેડિટ કાર્ડ અથવા એડવાન્સ લોન્ચ નથી આપી શકતી. આમાં એક સાથે ૧ લાખ રૂપિયા જમા કરાવી શકાય છે અને મોબાઈલ પેમેન્ટ/ટ્રાન્સફર/ખરીદદારીની સાથે ATMની સુવિધાનો પણ ઉપયોગ કરી શકાય છે.

આનો હેતુ નવી બેંકિંગ સેવાઓનો વિસ્તાર કરવાનો છે. IPPB અંતર્ગત પોસ્ટમેન આ સેવા તમારા ઘર સુધી પહોંચાડશે. એકાઉન્ટ ખોલવા, કેશ જમા કરાવવા અથવા કાઢવા, મની ટ્રાન્સફર, રિચાર્જ, બિલ પેમેન્ટ, ઈન્શ્યોરન્સ અને રોકાણની સુવિધા ઘર પર જ આપવામાં આવશે.

મોબાઈલ અને SMS બેંકિંગ ઉપરાંત IPPB અંતર્ગત QR કાર્ડની સુવિધા પણ આપવામાં આવશે. આની મદદથી તમે બેકિંગ કરી શકશો. તમામ ટ્રાન્ઝેકશન બાયોમેટ્રિક વેરિફિકેશન બાદ થશે. જો તમે કાર્ડ ગુમાવી દેશો તો પણ તમારું એકાઉન્ટ સેફ રહેશે.(૨૧.૫)

 

(9:40 am IST)