મુખ્ય સમાચાર
News of Saturday, 20th July 2019

સોનભદ્ર હત્યાકાંડ પર દીદી બોલ્યા- ભાજપ બંગાળમાં આવી શકે:અમને યુપીમાં રોક્યા

ટીએમસીનું પ્રતિનિધિ મંડળને અટકાવતા મમતા આકરાપાણીએ

નવી દિલ્હી :પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ સોનભદ્ર હત્યાકાંડ મામલે ભાજપ પર નિશાન તાક્યું છે. મમતા બેનરજીએ કહ્યું કે, જ્યારે બંગાળમાં સાંપ્રદાયિક હિંસક ઘટનાઓ બને તો ભાજપ પોતાનું પ્રતિનિધી મંડળ મોકલે છે. તેમજ ભાજપનું પ્રતિનિધી મંડળ કોઇ પણ પ્રકારની મંજૂરી વગર ઘટનાસ્થળે પહોંચી જાય છે. તેઓ અમારી એક વાત સાંભળતા નથી, પરંતુ ટીએમસીનું પ્રતિનિધી મંડળને ઉત્તર પ્રદેશમાં જવા દેવાતો નથી. તેમને એરપોર્ટ પર રોકી દેવાઇ છે. મને લાગે છે કે નિયમોનું પાલન થવું જોઇએ, પ્રિયંકા ગાંધીએ જે કાંઇ કર્યુ તે ખોટું નથી કર્યું.

મીડિયા સાથે વાત કરતા મમતા દીદી બોલ્યા કે, ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી છે. એન્કાઉન્ટર અને મોબ લિન્ચિંગમાં 1100થી વધુ લોકોની હત્યા કરાવમાં આવી છે. મારૂ માનવું છે કે, દરેક સ્થિતિ પર નિરીક્ષણ કરવું જોઇએ.

ઉત્તર પ્રદેશનાં સોનભદ્રમાં હત્યાકાંડ મામલે વિપક્ષ પાર્ટીઓ યોગી સરકાર પર આકરા હુમલા કરી રહી છે. હત્યાકાંડમાં મોતને શરણ થયેલા 10 લોકોનાં પરિવારજનો સાથે મુલાકાત કરવા માટે તૃણમૂલ કોંગ્રેસનાં 3 સાંસદોનું એક પ્રતિનિધી મંડળ આજે સોનભદ્ર જઇ રહ્યું હતું. જો કે વારાણસી જિલ્લા પ્રશાસન દ્વારા તે તમામ ચારેય સાંસદોને એરપોર્ટ પર જ અટકાવી દેવાયા હતાં.

(11:51 pm IST)