મુખ્ય સમાચાર
News of Saturday, 20th July 2019

સુપ્રીમે માગ્યો સરકારનો મત

છુટાછેડા બાદ પતિ-પત્ની સાથે જ બાળકનો ઉછેર કરી શકે?

નવી દિલ્હીઃ દેશમાં ડિવોર્સના કેસ દિવસે ને દિવસે વધતા જાય છે. મા-બાપ છૂટા પડે તેમાં સૌથી વધુ નુકસાન બાળકને ભોગવવું પડે છે. ઘણીવાર બાળકની કસ્ટડી માટે પણ અદાલતમાં લાંબો સમય સુધી કેસ ચાલ્યા કરતા હોય છે. આવામાં ડિવોર્સ પછી બાળકની કસ્ટડી કોઈ એક વાલીને આપવા કરતા બંને વાલી ભેગા મળીને બાળકનો ઉછેર કરી શકે તેવી કોઈ વ્યવસ્થા ઊભી કરી શકાય ખરી? સુપ્રીમ કોર્ટે શુક્રવારે આ અંગે સરકારનો મત માંગ્યો હતો. કોર્ટે પણ સ્વીકાર્યું કે આ મામલાનો ઉકેલ લાવવામાં આવે તો પેરેન્ટ્સ વચ્ચે કસ્ટડી માટે ચાલતી લડાઈમાં બાળકને માનસિક યાતનાનો ભોગ ન બનવું પડે.

જજ એસ.એ બોબડે અને બી.આર ગવઈની બેન્ચ શરૂઆતમાં જોઈન્ટ પેરેન્ટિંગ માટેની PIL અંગે ખચકાટ અનુભવતા હતા. તેમણે જણાવ્યું કે આ કાયદો પાર્લામેન્ટ દ્વારા ઘડાવો જોઈએ, જયુડિશિયરી દ્વારા નહિ. પરંતુ તેમણે છેવટે કેસની સુનવણી કરવાનો નિર્ણય કર્યો હતો. તેમણે જોઈન્ટ પેરેન્ટિંગ અંગે ગાઈડલાઈન્સ અથવા તો કાયદામાં સુધારો સૂચવતી પીટિશન પર સરકારનો પ્રતિભાવ માંગ્યો છે.

જણાવી દઈએ કે આ પીટિશન સેવ ચાઈલ્ડ ઈન્ડિયા ફાઉન્ડેશન NGO દ્વારા દાખલ કરવામાં આવી છે. તેમનું માનવું છે કે લગ્નજીવનમાં ભંગાણ પડે તો તેમાં સૌથી વધુ બાળક હેરાન થાય છે અને બાળકને માનસિક યાતનામાંથી બચાવવા માટે કોઈ ઉકેલ શોધવો જરૂરી છે. NGOએ સંયુકત રાષ્ટ્રસંધના કન્વેન્શનનો દાખલો આપી જણાવ્યું હતું કે પોતાના કોઈપણ વાલીથી છૂટા પાડી દેવાયેલા બાળકને વાલી સાથે નિયમિત ધોરણે અંગત સંબંધો, સીધો સંપર્ક રાખવાનો પૂરેપૂરો અધિકાર છે. ભારતમાં મા-બાપ વચ્ચે તલાક થાય પછી આ શકય બનતુ નથી. ભારતમાં અનેક કોર્ટમાં થયેલા સંશોધનમાં એ બહાર આવ્યું છે કે મેરેજ તૂટવાથી વાલીની બાળક પ્રત્યેની જવાબદારી પૂરી નથી થતી.

પીટિશનમાં જણાવાયું કે બાળકને માતા અને પિતા બંનેના પ્રેમ અને હૂંફ મેળવવાનો અધિકાર છે. તેના સંપૂર્ણ વિકાસ માટે તેને માતા-પિતા બંનેનો સાથ મળવો જોઈએ. પીટિશનમાં જણાવાયું છે, ચાઈલ્ડ કસ્ટડીના બદલે બાળકનું પેરેન્ટિંગ શબ્દ વાપરો. ફ્રાન્સમાં પણ આવો જ અભિગમ અપનાવાતા પેરેન્ટિંગમાં ખાસ્સો ફરક જોવા મળ્યો છે. દેશમાં અત્યારે જે કાયદા છે તે બાળકના ઉછેર કરતા તેની કસ્ટડી પર વધારે ધ્યાન કેન્દ્રિત કરે છે.

પીટિશનમાં સ્પષ્ટ જણાવાયું, જોઈન્ટ પેરેન્ટિંગ અંગે સ્પષ્ટ માર્ગદર્શિકા ગહોવી જોઈએ જેથી બાળક બંને વાલી સાથે સીધા સંપર્કમાં રહી શકે. ભલે વાલીઓમાં મતભેદ હોય તો પણ બાળક ફ્રેન્ડલી અને પારિવારિક માહોલમાં ઉછરી શકે અને તેના વિકાસ પર અસર ન પડે. બાળકના ઈમોશનલ, સામાજિક અને શારીરિક વિકાસની તેના ઉછેર પર સીધી અસર પડે છે. ડિવોર્સ કેસ વધી જતા આ મુદ્દે સરકારે ગંભીરતાથી વિચારણા કરવી જોઈએ એમ પીટિશનમાં જણાવાયુ હતુ.

(3:53 pm IST)