મુખ્ય સમાચાર
News of Saturday, 20th July 2019

વાઈ-ફાઈ રેડીયેશનની આરોગ્ય પર માઠી અસરો

ગંભીર બીમારી ધરાવતા, સગર્ભા સ્ત્રીઓ અને નાના બાળકોએ તેનાથી દૂર રહેવું જ જોઈએઃ વિજ્ઞાનીઓની તાકીદ

ઘરમાં હોય કે કામ પર, આપણા શરીર પર જાતજાતના અદ્રશ્ય રેડીયો વેવ્ઝ અથડાતા જ રહેતા હોય છે. જેમાં મોબાઈલ, કોમ્પ્યુટર, બ્લુ ટ્રુથ સ્પીકર્સ અને બીજા સાધનો પણ આવી જાય છે. તેની આપણા આરોગ્ય પર શું અસરો થાય છે તે આશ્ચર્ય અને ચિંતાનો વિષય છે.

વીસ્કોન્સીન મેડીકલ કોલેજના રેડીએશન ઓન્કોલોજીના પ્રોફેસર જોહન મોલ્ડર કહે છે વિજ્ઞાનીઓ માટે દાયકાઓથી આ વિષય રસનો રહ્યો છે પણ હવે તેનુ કદ અને સર્વવ્યાપકતા વધી ગઈ હોવાથી તેના અંગે જાણવુ જરૂરી છે.

૨૦૧૩માં મોલ્ડરે વાઈ-ફાઈની આરોગ્ય પર અસર અંગે એક અભ્યાસ કર્યો હતો. તે કહે છે કે તમારા મોબાઈલ ફોનની જેમ જ વાઈ-ફાઈ રાઉટર રેડીયો વેવ્ઝ દ્વારા માહિતીની આપ-લે કરે છે જે ઈલેકટ્રોમેગ્નેટીક રેડીયેશનનું એક સ્વરૂપ છે.

રેડીયો વેવ્ઝની આરોગ્ય પર અસરો અંગે સંશોધન તો ૧૯૫૦થી શરૂ થઈ ગયુ હતું. જહાજ પર કામ કરતા નેવીના માણસો પર રડારના કિરણોની અસર અંગે આ સંશોધન થયુ હતું.

પેન્સીલવેનીયા યુનિવર્સિટીના બાયો એન્જીનીયરીંગના પ્રોફેસર કેનેથ ફોસ્ટર કહે છે અત્યાર સુધીમાં થયેલા બધા રીસર્ચો દ્વારા જાણવા મળ્યુ છે કે હાઈ ફ્રીકવન્સીવાળા ઈલેકટ્રોમેગ્નેટીક રેડીએશન કેન્સર ઉત્પન્ન કરી શકે છે. સુર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી સ્કીન કેન્સર થાય છે તે તેનુ ઉદાહરણ છે.

૨૦૧૩ના મોલ્ડરના અભ્યાસમાં ફોસ્ટર સહલેખક હતા તે કહે છે કે, વિશ્વના આરોગ્ય સત્તાવાળાઓએ ઈલેકટ્રોમેગ્નેટીક રેડીયો વેવ્ઝ ઉત્પન્ન કરતા સાધનો માટે માપદંડ નક્કી કરી દીધા છે. જેમાં તમારા ફોનથી માંડીને તમારા કારની ચાવી વગર દરવાજો ખોલવાની ડીવાઈસ પણ આવી જાય છે.

વાઈ-ફાઈ કેવી રીતે કામ કરે છે તેવા પ્રશ્નના જવાબમાં ફોસ્ટરે કહ્યું મોટા ભાગના લોકો એવુ માને છે કે વાયરલેસ રાઉટર સતત માહિતીઓનું આદાન પ્રદાન કરતુ રહે છે પણ હકીકતમાં જ્યારે તમે કોઈ વિડીયો જોતા હો ત્યારે પણ તે ૦.૧ ટકા રેડીયો વેવ ટ્રાન્સમીટ કરે છે અને બાકીના સમયે તે નિષ્ક્રીય હોય છે.

આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યુ કે તમારા અને રાઉટર વચ્ચે જેમ જેમ અંતર વધતુ જાય છે તેમ રેડીએશનની શકિત ઘટતી જાય છે. ફોસ્ટરના કહેવા અનુસાર જ્યારે તમે મોબાઈલ ફોનમાં વાત કરો છો ત્યારે રેડીએશન ઉત્પન્ન થાય છે. વાઈ-ફાઈ કરતા ૧૦૦ ગણુ શકિતશાળી હોય છે અને તે વાત કરો ત્યાં સુધી સતત આવતુ રહે છે. ઉપરાંત તમે તેને તમારા માથા પાસે રાખ્યો હોય છે અને છતા આપણને તે આરોગ્ય માટે નુકસાનકારક નથી લાગતો.

આ કદાચ સાચુ હોય શકે પણ અમુક નિષ્ણાતો અનુસાર ઓછા શકિતશાળી રેડીયો વેવ્ઝથી પણ નુકસાન તો થાય જ છે એવું કેલીફોર્નીયા યુનિવર્સિટીના ફેમીલી એન્ડ કોમ્યુનીટી હેલ્થ સેન્ટરના ડાયરેકટર જોએલ મોસ્કોવીત્ઝ કહે છે. તેમના અનુસાર અમે પ્રાણીઓ પર આ અંગેના પ્રયોગો કર્યા હતા જેમાં આ બાબત સામે આવી હતી.

તે જણાવે છે કે રેડીયો વેવ્ઝના કારણે ન્યુરોડેવલમેન્ટલ ઈસ્યુઝ, કેન્સર અને રી-પ્રોડકટીવ નુકસાનની શકયતા પુરૂષ અને સ્ત્રીઓમાં રહે છે. તેમાય જેમને ગંભીર બિમારીઓ હોય, સગર્ભા સ્ત્રીઓ અને નાના બાળકો પર તેની અસરો થાય છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા અને ઈન્ટરનેશનલ એજન્સી ફોર રીસર્ચ ઓન કેન્સર દ્વારા મોબાઈલ ફોનને કેન્સર ઉત્પન્ન કરવાની શકયતા ધરાવતા સાધન તરીકે વર્ગીકૃત કરેલો છે. (ટાઈમ હેલ્થમાંથી સાભાર)

(2:33 pm IST)