મુખ્ય સમાચાર
News of Saturday, 20th July 2019

ઈ-વાહનો માટે ટોલ અને પાર્કિંગ ચાર્જ ફ્રી

ઈલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા સરકારનો નિર્ણય ગ્રામ્ય વિસ્તારોમાં શરૂ કરાશે ઈ-બાઈક ટેક્ષી સેવા

નવી દિલ્હી, તા. ૨૦ :. બે પૈડા, ત્રણ પૈડા અને ચાર પૈડાના ઈલેકટ્રીક વાહનોએ પાર્કિંગ અને ટોલ ટેક્ષ નહીં આપવો પડે. કેન્દ્ર સરકારે દેશમાં ઈલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા આ નિર્ણય કર્યો છે. ઈ-વાહનોને રજીસ્ટ્રેશનમાં પહેલાથી જ છૂટ અપાઈ ચુકી છે.

રોડ અને હાઈવે મંત્રાલયના સંયુકત સચિવ અભય દામલેએ રાજ્ય સરકારોને પત્ર લખ્યો છે. જેમાં રાજ્યોના મુખ્ય સચિવોને કહેવામાં આવ્યુ છે કે ઈ-વાહનોને પ્રોત્સાહન આપવા માટે આ છૂટ આપવી અનિવાર્ય છે અને તેના માટે રાજ્ય સ્તરે નવી નીતિ બનાવવી જરૂરી છે.

રાજ્યોને કહેવામાં આવ્યુ છે કે ઓફિસો, મોલ, શોપીંગ કોમ્પ્લેક્ષ, રેસીડેન્સીયલ કોલોનીમાં ઈ-વાહનો માટે ૧૦ ટકા પાર્કિંગ અનામત રાખવામાં આવે. કેન્દ્ર અને રાજ્યના ટોલ બુથ પર ઈ-વાહનો પાસેથી ટોલ ન લેવામાં આવે. ચાર્જીંગ પોઈન્ટ માટે જમીન આપવામાં પ્રાથમિકતા આપવામાં આવે.

સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં ઈ-બાઈક ટેક્ષી સેવા શરૂ કરવા જઈ રહી છે. સૂત્રોએ જણાવ્યુ કે આ બાઈકની કિંમત લગભગ ૬૫ હજાર રૂપિયા હશે. એકવાર ચાર્જ કર્યા પછી તે ૨૨૫ કિલોમીટર ચાલશે અને મહિને ફકત ૪૦૦ રૂ.નો ખર્ચ થશે.

(11:31 am IST)