મુખ્ય સમાચાર
News of Saturday, 20th July 2019

નોકરી બહાર પાડતી બધી એજન્સીઓનું થશે એકીકરણઃ પરિક્ષા પધ્ધતિમાં ફેરફાર થશે

ઓપ્શનલની જગ્યાએ પ્રેકટીકલ ઉપર વધુ ભાર મૂકાશેઃ વર્ષ દરમ્યાન લેવાનાર પરીક્ષાઓ માટે એક સાથે કરી શકાશે અરજી

નવી દિલ્હી તા.૨૦: સરકારી નોકરીઓ મેળવવાની આખી સીસ્ટમ આગામી વરસોમાં બદલાઇ શકે છે. એક જ એજન્સી બધા પદો માટેની પરિક્ષા લે તેવી વ્યવસ્થાની તૈયારી સરકાર કરી રહી છે. તે જ એજન્સી આખા વર્ષ દરમ્યાન લેવાનાર પરિક્ષાઓનું કેલેન્ડર પણ બહાર પાડશે. સરકાર નોકરીઓ માટે લેવાતી પરિક્ષા સીસ્ટમમાં ફેરફારની સમીક્ષા કરી રહી છે. તેનું એવું માનવું છે કે અત્યારે લેવાતી પરિક્ષા સીસ્ટમમાં યોગ્ય અને સક્ષમ કર્મચારીઓ નથી મળતા.

૨૦૧૦માં નક્કી કરાયું હતું કે દર પાંચ વર્ષે કેન્દ્ર સરકાર આખી પ્રક્રિયાની સમીક્ષા કરશે. જેમાં કુલ પદોની સંખ્યા, કેટલી જગ્યાઓ ખાલી છે, તેમાં કેટલી જરૂરી છે અને કેટલી નવી ઉમેરવાની જરૂર છે વગેરે બાબતો હતી. ત્યાર પછી તે જગ્યાઓ ભરવા માટેની પ્રક્રિયામાં શું ફેરફાર થઇ શકે તે બાબતનું વિશ્લેષણ પણ સામેલ હતું. કેલેન્ડર પ્રમાણે ૨૦૧૫માં આ સમીક્ષા કરવાની હતી પણ ત્યારે તે નહોતી કરાઇ. હવે તેમાં તેજી આવી છે અને સુત્રો અનુસારઆ વર્ષના અંત સુધીમાં આખી નવી સિસ્ટમ લાગુ થઇ જશે.

સરકારની યોજના છે કે આખા વર્ષમાં થનારી પરીક્ષાની સુચના એક જ જગ્યાએથી આપવામાં આવે. તેના માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા સેન્ટ્રલાઇઝ થાય. વિદ્યાર્થી આ બધી પરિક્ષાઓ માટે એક સાથે ફોર્મ ભરી શકે  અથવા પોતાની યોગ્યતા અનુસાર પોતાની પંસદગીની જગ્યા નક્કી કરી શકે. પરિક્ષા લેનાર બધી એજન્સીઓને આને અનુરૂપ કેલેન્ડર બનાવવાનું કહેવાયું છે.

પરિક્ષા માટે સિંગલ વીન્ડો  એપ પણ તૈયાર કરાશે. બધા વિદ્યાર્થીઓ પોતાના મોબાઇલથી પણ તેની સાથે જોડાઇ શકશે. તેમને સરકારી પરિક્ષા અંગેની દરેક સૂચનાનું અપડેટ મળતું રહેશે. સુત્રો અનુસાર, યુપીએસસી, સ્ટાફ સીલેકશન કમીશન, રેલ્વે બોર્ડ અથવા આવી તમામ એજન્સીઓને ભેગી કરીને એક મોટું ગ્રુપ બનાવાશે.

સરકારનું માનવું છે કે આનાથી કરોડો વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ દુર થશે જ સાથે સરકારી નોકરીઓની પરિક્ષા પ્રક્રિયામાં વધારે પારદર્શકતા આવશે. પરિક્ષામાં ઓપ્શનલ વિષયોને પણ હટાવીને તેમના બદલે પ્રેકટીકલ એકઝામ પર ભાર મુકવાનું પણ કહેવાયું છે.

(11:30 am IST)