મુખ્ય સમાચાર
News of Friday, 20th July 2018

ટીડીપી વિકાસ યોજના પર ધ્યાન આપે : રાજનાથસિંહ

ખાસ દરજ્જાને લઇને હોબાળો ન મચાવે : રાજનાથ : એનસીપીના તારીખ અનવર, એલજેપીના પાસવાન તેમજ સીપીઆઈના મોહમ્મદ સલીમ દ્વારા પણ નિવેદન કરાયું

નવીદિલ્હી,તા. ૨૦ : લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ વેળા ઉગ્ર ચર્ચા થઇ હતી.  જુદા જુદા પક્ષોના નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. સીપીઆઈના સાંસદ મોહમ્મદ સલીમે લોકસભામાં કહ્યું હતું કે, સરકાર સ્વદેશી એજન્ડા સાથે સત્તામાં આવી હતી પરંતુ હવે દરેક ક્ષેત્રમાં ૧૦૦ ટકા એફડીઆઈ અને દરેક ક્ષેત્રમાં ખાનગીકરણને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. બીજી બાજુ એનસીપીના સાંસદ તારીક અનવરે કહ્યું હતું કે દેશની જનતા આ બાબતને લઇને ઇંતજાર કરી રહી છે કે, આગામી ચૂંટણીમાં ભાજપને હરાવવું જ છે. તારીક અનવરે કહ્યું હતું કે, મોબ લિંચિંગ પર રાજનાથ સિંહનું નિવેદન મુખસમર્થન છે. આજ કારણસર સુપ્રીમ કોર્ટને આ મુદ્દે દરમિયાનગીરી કરવી પડી છે. બીજી બાજુ એલજેપીના નેતા રામવિલાસ પાસવાને કહ્યું હતું કે, સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની બાબત દેશના લોકોને સમજાઈ રહી નથી. સ્વચ્છ ભારત અભિયાન, વિજળીકરણ પર સરકારની નીતિઓને પાસવાને રજૂ કરી હતી. આ ઉપરાંત ભાજપ તરફથી કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહે પણ નિવેદન કર્યું હતું. રાજનાથ સિંહે કહ્યું હતું કે, અવિશ્વાસ દરખાસ્ત લાવવાની બાબત યોગ્ય દેખાતી નથી. પ્રચંડ બહુમતિ સાથે સરકાર આવેલી છે. સૌથી લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદી રહેલા છે. તેમના એક ઇશારા પર દેશના લોકો સબસિડી છોડી રહ્યા છે અને અન્ય બાબતો પણ માની રહ્યા છે ત્યારે આવા લોકપ્રિય નેતાના નેતૃત્વમાં સરકાર સામે અવિશ્વાસ દરખાસ્ત લાવવાની બાબત સમજાઈ રહી નથી. રાજનાથસિંહે એમ પણ કહ્યું હતું કે, આંધ્રપ્રદેશને ૧૫૦૦ કરોડ રૂપિયા અમરાવતી માટે આપવામાં આવ્યા છે. આના માટે કહેવામાં આવ્યું છે કે, આ રકમ ઓછી છે. વિજયવાડા માટે અલગથી રકમ આપવામાં આવી છે. ખાસ સહાય પેકેજ પણ આપવામાં આવ્યું છે. આંધ્ર માટે અનેક યોજનાઓ કેન્દ્ર દ્વાર ાઆપવામાં આવી છે. રાજનાથસિંહે શશી થરુર ઉપર પ્રહાર કરતા કહ્યું હતુ ંકે કેટલાક સાંસદ કંઇપણ બોલી કાઢે છે. હિન્દુ તાલિબાન, હિન્દુ પાકિસ્તાનની વાત કરે છે. આ લોકો દેશને કઇ જગ્યા ઉપર મુકવા માંગે છે તે બાબત સમજાતી નથી.  રાજનાથસિંહે એમ પણ કહ્યું હતું કે, સરકાર એજન્ડા સાથે આગળ વધી રહી છે.

અન્ય રાજકીય પક્ષોએ પણ પોતપોતાની પ્રતિક્રિયાઓ આપી હતી. લોકસભામાં બિહારમાંથી સાંસદ તારીક અનવરે કહ્યું હતું કે, ભાજપ હવે બે વ્યક્તિની પાર્ટી રહી ગઈ છે. શત્રુઘ્ન સિંહાએ ટ્વિટ કર્યું હતું કે, બીજેપી હવે ટુ મેન શો છે જેથી સાથી પક્ષો પણ સાથ છોડી રહ્યા છે. તેલુગુદેશમ પાર્ટી અનેશિવસેના જેવી પાર્ટી સાથે દેખાઈ રહી નથી. રાજનાથસિંહે કહ્યું હતું કે, ખાસ દરજ્જા ઉપર હોબાળો મચાવવાના બદલે નવી જાહેર કરવામાં આવેલી યોજનાઓ ઉપર ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે.

(7:37 pm IST)