મુખ્ય સમાચાર
News of Friday, 20th July 2018

TDP પોતે કોંગ્રેસ સાથે જઇને શ્રાપિત થઇ ચૂકી છે : કોંગ્રેસના ગોટાળાથી દેશનું માથું વિશ્વમાં શરમથી ઝુકયું છે

ટીડીપી સાંસદના ચાબખા બાદ ભાજપના રાકેશસિંહનો પલટવાર : જેડીએસ - કોંગ્રેસના ગઠબંધન પર નિશાન તાકયુ : ટીડીપીનું કોંગ્રેસની સાથે જવું દુર્ભાગ્યપૂર્ણ જણાવ્યું : દેશના કરોડો લોકોની આશાઓ સાથે હાલની કેન્દ્ર સરકાર બની છે

નવી દિલ્હી તા. ૨૦ : ટીડીપી સાંસદ જૈદેવ ગલ્લાના ભાષણ બાદ કેન્દ્રીય પ્રધાન રાકેશ સિંહે સરકાર તરફથી જવાબ આપ્યો હતો. રાકેશ સિંહે કહ્યુ છે કે કોઈપણ નક્કર કારણો વગર વિપક્ષ દ્વારા અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. કારણ વગર વિશ્વસનીય સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. ટીડીપીના સાંસદે શ્રાપની વાત કરી.. પણ ટીડીપી ખુદ કોંગ્રેસ સાથે જઈને શ્રાપિત થઈ ચુકી છે. રાકેશ સિંહે કર્ણાટકમાં જેડીએસ અને કોંગ્રેસના ગઠબંધનને નિશાને લેતા કહ્યુ હતુ કે કુમારસ્વામીને દેશે રોતા જોયા છે. કુમારસ્વામીએ ગઠબંધનનું ઝેર પીતા હોવાનું જણાવ્યું છે.રાકેશ સિંહે કહ્યુ છે કે દેશમાં ઘણાં અવિશ્વાસના પ્રસ્તાવો આવ્યા છે. કારણ વગર અવિશ્વાસ પ્રસ્તાવના મામલે દેશની જનતા કોંગ્રેસને જવાબ આપશે. કોંગ્રેસને એક જ પરિવારની સરકાર જોઈતી હોવાનું જોઈને રાકેશ સિંહે કહ્યુ છે કે ૨૦૧૯ની વિજયયાત્રાને રોકવાની કોશિશ થઈ રહી છે. દેશના હિતમાં કામ કરનારાઓ વિરુદ્ઘ અવિશ્વાસ પ્રસ્તાવ શા માટે? દેશના કરોડો લોકોની આશાઓ સાથે હાલની કેન્દ્ર સરકાર બની છે. કોંગ્રેસે ૪૮ વર્ષ ગોટાળાની રાજનીતિ આપી અને ૪૮ માસમાં મોદી સરકારે યોજનાઓનું સુશાસન આપ્યું છે. કેન્દ્રીય પ્રધાન રાકેશ સિંહે ટીડીપીના કોંગ્રેસની સાથે જવાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે. કોંગ્રેસ પર નિશાન સાધતા રાકેશ સિંહે કહયું છે કે કોંગ્રેસે દેશને ગોટાળાનું શાસન આપ્યું અને દરેક ગોટાળાથી દેશનું માથું દુનિયામાં શરમતથી ઝુકયું છે. ગરીબી નહીં પણ દેશમાંથી ગરીબો હટવા લાગ્યા..

કોંગ્રેસે દેશના લોકોનું ભાવનાત્મક શોષણ કર્યું હોવાનું જણાવીને કેન્દરીય પ્રધાન રાકેશ સિંહે કહ્યુ છે કે કોંગ્રેસે ડો. બી. આર. આંબેડકર સામે ષડયંત્ર કર્યા અને તેમનો તિરસ્કાર કર્યો છે. કોંગ્રેસ પર દેશને વોટબેંકમાં વિભાજીત કરવાનો પણ કેન્દ્રીય પ્રધાન રાકેશ સિંહ દ્વારા લગાવવામાં આવ્યો છે. મોદી સરકારમાં પરિવર્તન જોવા મળ્યું હોવાનું જણાવીને રાકેશ સિંહે કહ્યુ છે કે મોદી સરકાર કહે છે કે દેશના સંસાધનો પર પહેલો અધિકાર દેશના ગરીબોનો છે. જયારે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યુ હતુ કે દેશના સંસાધનો પર મુસ્લિમોનો પહેલો અધિકાર છે.

મોદી સરકારની યોજનાઓથી ગરીબોના ચહેરા ખિલી ઉઠયા છે અને દેશભરમાં યોજનાઓની ગુંજ સંભળાઈ રહી છે. જાતિ-ધર્મના ભેદભાવ વગર સરકારે ગરીબોને તેમનો અધિકાર આપ્યો છે. કોંગ્રેસે દેશને દાગદાર સરકાર આપી છે. જયારે મોદી સરકારે ગરીબોને તેમનો હક આપતી દમદાર અને સ્વચ્છ સરકાર આપી છે.

૨૦૨૨માં ગરીબોને પાક્કા મકાનો ઉપલબ્ધ કરાવવાનો વાયદો દોહરાવતા જબલપુરથી ભાજપના સાંસદે કહ્યુ છે કે ૧૮ હજાર ગામડા સુધી વીજળી પહોંચડવામાં આવી છે. મોદી સરકારની વિકાસલક્ષી યોજનાઓના પણ રાકેશ સિંહે ખાસા ગુણગાન કર્યા છે. તેમણે કહ્યુ હતુ કે કોંગ્રેસના શાસનમાં ફાઈલો અટકતી, લટકતી હતી.. તેની પાછળના કારણો ઘણાં ખાસ રહેતા હતા. ભારતની અર્થવ્યવસ્થા દુનિયાની છઠ્ઠી સૌથી મોટી ઈકોનોમી બની હોવાનું જણાવીને દેશ વૈશ્વિક નેતૃત્વ માટે તૈયાર હોવાનું પણ તેમણે જણાવ્યું છે. રાકેશ સિંહે મોદી સરકારની વિદેશ નીતિને અસરકારક ગણાવીને ઈસ્લામિક દેશમાં યુએઈમાં મંદિર નિર્માણ થયું હોવાનું પણ જણાવ્યું છે. ડોકલામ અને સર્જિકલ સ્ટ્રાઈકનો ઉલ્લેખ કરીને દુશ્મનને સબક શિખવાડયો હોવાનો પણ કેન્દ્રીય પ્રધાન રાકેશ સિંહાએ પોતાના ભાષણમાં ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન મોદી માટે વિદેશના નેતાઓ પ્રોટોકોલ તોડતા હોવાનો પણ રાકેશ સિંહે પોતાના સંબોધનમાં ઉલ્લેખ કર્યો છે.

ઙ્ગહતાશા, સંકુચિતતા અને અવિશ્વાસ પ્રસ્તાવનો પાયો હોવાનું જણાવીને મોદી સરકારે ખેડૂતોના હિતના ઘણાં કામ કર્યા હોવાનો ઉલ્લેખ પણ રાકેશ સિંહે પોતાના ભાષણમાં કર્યો છે. ચાર વર્ષના મોદી સરકારના કાર્યકાળમાં ખેડૂતોની આવકમાં વધારો થયો હોવાનું પણ જમાવ્યું છે. ઉપજનો દોઢ ગણો ભાવ આપવામાં આવ્યો હતો. ૪૦ ટકા ખેડૂતો પાક વીમા યોજના હેઠળ હોવાનું પણ તેમણે જણાવ્યું છે. લાલબહાદૂર શા સ્ત્રીના જય જવાન – જય કિસાનના સૂત્રને વડાપ્રધાન મોદી સાકાર કરી રહ્યા હોવાનો પણ કેન્દ્રીય પ્રધાન રાકેશ સિંહે દાવો કર્યો છે. દેશના ૧૯ રાજયોમાં ભાજપ અને તેના સાથીપક્ષોની સરકાર હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે. પૂર્વોત્તર ભારતમાં વિકાસની ધારા પ્રવાહીત થઈ રહી હોવાનું પણ તેમણે જણાવ્યું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપની સરકારો દ્વારા વિકાસ જ વિકાસ થયો હોવાનો પણ રાકેશ સિંહે દાવો કર્યો છે.(૨૧.૩૬)

(3:45 pm IST)