મુખ્ય સમાચાર
News of Sunday, 20th June 2021

ખેડૂતો સાથે અડધી રાત્રે પણ વાતચીત કરવા તૈયાર પણ કૃષિ કાયદાઓ પાછા નહીં લઈએ : કૃષિ મંત્રીની સાફ વાત

કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરના નિવેદન પર રાકેશ ટિકૈતનો પલટવાર : કહ્યું 'સરકાર આરોપો શોધે છે સમાધાન નથી શોધતી. આ કઈ લોકશાહી છે!

નવી દિલ્હી :મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર એ કહ્યું હતું કે જો કોઈ પણ ખેડૂત યુનિયન ત્રણ ખેડૂત કાયદાઓ  સાથે સંબંધિત જોગવાઈઓ અંગે અડધી રાત્રે પણ વાતચીત કરવા તૈયાર છે, તો હું તેમનું સ્વાગત કરું છું. તેમણે કહ્યું કે ભારત સરકાર ખેડૂતો સાથે વાતચીત કરવા તૈયાર છે. જો કે, તેમણે ફરીથી સ્પષ્ટ કર્યું કે આ વાતચીત દરમિયાન પણ ત્રણ ખેડૂત કાયદાઓ પાછા ખેંચવાની વાત કરવામાં આવશે નહીં.કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ નિવેદનનો વિડીયો પણ શેર કર્યો છે.

   કેન્દ્ર સરકારના ત્રણ નવા ખેડૂત કાયદાઓનો  વિરોધ કરી રહેલા ખેડૂત આંદોલનકારીઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે છેલ્લા 7 મહિનાથી ખેડૂત કાયદાઓ અંગે વિવાદ ચાલી રહ્યો છે. આગામી 26 જૂનથી આ આંદોલનકારી ખેડૂતો વધુ એક આંદોલન શરૂ કરવાના છે. આવા સમયે કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરનું આ નિવેદન ઘણું સૂચક બની જાય છે.

   ત્રણ ખેડૂત કાયદાઓ અંગેનાકેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરના નિવેદનનો જવાબ આપતા ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટીકૈત એ ટ્વીટ કરીને સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, 'સરકાર આરોપો શોધે છે સમાધાન નથી શોધતી. આ કઈ લોકશાહી છે! દેશભરનાં ખેડુતો સાત મહિનાથી રાજધાનીમાં ધરણા પર બેઠા છે અને કેન્દ્ર સરકાર સરમુખત્યારશાહી વલણ અપનાવી રહી છે.'

(11:45 pm IST)