મુખ્ય સમાચાર
News of Sunday, 20th June 2021

પશુપતિ પારસ આકરા પાણીએ : ચિરાગ પાસવાનની બેઠકમાં ભાગ લેનાર તમામને કરશે પાર્ટીમાંથી સસ્પેન્ડ

અમે પણ પટનામાં રામવિલાસ જીના જન્મદિવસ પર મોટો કાર્યક્રમ કરીશું

નવી દિલ્હી : લોક જનશક્તિ પાર્ટી (LJP)માં ચાલી રહેલા વિવાદ વચ્ચે ચિરાગ પાસવાને રવિવારે રાષ્ટ્રીય કારોબારીની બેઠક બોલાવી હતી. પરંતુ ચિરાગના કાકા પશુપતિ પારસ આકરા પાણીએ છે તેમણે કહ્યું હતું કે જે લોકોએ આજે ચિરાગ પાસવાન સાથેની બેઠકમાં ભાગ લીધો છે તે તમામ લોકોને નોટિસ ફટકારશે અને સસ્પેન્ડ કરશે.

પશુપતિએ કહ્યું કે ચિરાગ પાસવાનના અધ્યક્ષ બન્યા પછી નવી કારોબારીની જાહેરાત કરવામાં આવી નથી. 2015માં કાર્યકારિણી પછી કોઈ નવી જાહેરાત કરવામાં આવી નથી. 2015ની સૂચિમાં ઘણા લોકો કાં તો પાર્ટી છોડી ગયા છે અથવા મૃત્યુ પામ્યા છે. પક્ષ વતી નવા અધ્યક્ષની ચૂંટણી માટેના તમામ દસ્તાવેજો ચૂંટણી પંચને મોકલવામાં આવ્યા છે. હવે ચૂંટણી પંચ જેની માંગ કરશે તે દસ્તાવેજ અમે આપીશું.

પશુપતિ પારસે વધુમાં કહ્યું કે તે સારી વાત છે કે તે(ચિરાગ) આશીર્વાદ યાત્રા કાઢી રહ્યો છે, તે પણ રામવિલાસ પાસવાનના જન્મદિવસ પર. જો તેઓ મને બોલાવે તો હું પણ તેમનો સાથ આપીશ. અમે પણ પટનામાં રામવિલાસ જીના જન્મદિવસ પર મોટો કાર્યક્રમ કરીશું અને દેશભરમાં પણ કાર્યક્રમ કરીશું.

તેમણે કહ્યું કે મારા આશીર્વાદ હંમેશાં ચિરાગ સાથે છે, પરંતુ તે આશીર્વાદ લેવા માંગતો નથી. પાર્ટીને સૌરવ પાંડેએ તોડી નાખી છે. સૌરવ પક્ષના નેતાઓને ચિરાગને મળવા દેતો નહોતો. ચિરાગને કહો કે જો મારી ઉંમરને કારણે મને બિહારના પ્રદેશ અધ્યક્ષથી હટાવવામાં આવ્યો હતો, તો પછી સૌરવ પાંડેના પિતા મણિશંકર પાંડેને ઉત્તર પ્રદેશના અધ્યક્ષ કેમ બનાવવામાં આવ્યા? તેમની ઉંમર પણ વધુ છે, તેઓ તો લાકડીના ટેકે ચાલે છે

(11:04 pm IST)