મુખ્ય સમાચાર
News of Sunday, 20th June 2021

દેશમાં રેલવેના 6 હજારથી વધુ સ્ટેશનો પર ફ્રી-વાઇફાઇની સુવિધા:જમ્મુ કાશ્મીરના તમામ સ્ટેશનોને પણ મળ્યો લાભ

ભારતીય રેલવે ડિજિટલ ઇન્ડિયા પહેલમાં સતત ભાગીદાર: ભારતના જુદા જુદા ભાગને હાઈસ્પીડ ઇન્ટરનેટ અને ફ્રી વાઇફાઇ સુવિધા: મંત્રી પિયુષ ગોયલ

નવી દિલ્હી : ભારતીય રેલવે મુસાફરોની સુવિધા માટે અનેક સ્ટેશનો પર ફ્રી ઇન્ટરનેટની સુવિધા આપી રહ્યું છે. રેલવે મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે દેશભરના 6 હજારથી વધુ રેલવે સ્ટેશનો સુધી ફ્રી વાઈફાઈની સુવિધા પહોંચાડી દેવામાં આવી છે.

રેલવે મંત્રીના જણાવ્યા અનુસાર ભારતીય રેલવે ડિજિટલ ઇન્ડિયા પહેલમાં સતત ભાગીદારી આપી રહ્યું છે. ભારતના જુદા જુદા ભાગને હાઈસ્પીડ ઇન્ટરનેટ અને ફ્રી વાઇફાઇ સુવિધા સાથે જોડી રહ્યું છે

પિયુષ ગોયલે એક ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે કાશ્મીરના તમામ 15 સ્ટેશનો પર હવે વાઈફાઈની સુવિધા ઉપલબ્ધ છે. જેમાં, બારામુલા, પટ્ટન, મઝોમ, બડગામ, શ્રીનગર, પંપોર, કાકાપોર, અવંતિપુરા, પંજગામ, બિજબેહરાં, અનંતનાગ, સદુરા, કાજીગુંડ અને બનિહાલ સામેલ છે. આ સ્ટેશન કાશ્મીરના ચાર જિલ્લા મુખ્યમથકો શ્રીનગર, બડગામ, બનિહાલ અને કાજીગુંડમાં ફેલાયેલા છે

રેલવે મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે વાઇફાઇ લોકોને જોડવાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વિશ્વ વાઇફાઇ દિવસ પર આ જાહેરાત કરતા ખુશી અનુભવુ છું કે શ્રીનગર અને કાશ્મીર વેલી વિસ્તારના પણ તમામ રેલવે સ્ટેશન દેશભરમાં 6021 સ્ટેશનોને જોડતા દુનિયાના સૌથી મોટા વાઇફાઇ નેટવર્કમાં સામેલ છે.

(5:28 pm IST)