મુખ્ય સમાચાર
News of Sunday, 20th June 2021

ર૪ મી જુને નવી દિલ્હીમાં વડાપ્રધાનની જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથે બેઠક

બેઠકમાં ૧૪ પક્ષના નેતાઓને આમંત્રિત કરાયા : ચાર રાજયોના પૂર્વ મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ અપાયું છે

શ્રીનગર: જમ્મુ અનેક કાશ્મીરના રાજકીય પક્ષોને પીએમ નરેન્દ્ર મોદી સાથે 24 જૂનની બેઠકમાં સામેલ થવા માટે આમંત્રણ અપાયું છે. રિપોર્ટ મુજબ જમ્મુ અને કાશ્મીરના 14 રાજકીય પક્ષોના નેતાઓને આમંત્રિત કરાયા છે. જેમાં રાજ્યના ચાર પૂર્વ મુખ્યમંત્રી પણ સામેલ છે. રાજધાની દિલ્હીમાં આ બેઠક યોજાશે.

અધિકારીઓએ કહ્યું કે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ કેન્દ્રશાસિત પ્રદેશ માટે ભવિષ્યના પગલા પર ચર્ચા કરવા માટે પ્રધાનમંત્રી નિવાસસ્થાન પર બેઠકમાં આમંત્રિત કરવા નેતાઓનો સંપર્ક કર્યો. આમંત્રિત કરાયેલા નેતાઓમાં ચાર પૂર્વ મુખ્યમંત્રી- નેશનલ કોન્ફરન્સના ફારૂક અબ્દુલ્લા, તેમના પુત્ર ઉમર અબ્દુલ્લા, કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ અને પીડીપીના પ્રમુખ મહેબુબા મુફ્તી સામેલ છે.

રાજ્યના ચાર પૂર્વ ડેપ્યુટી સીએમ કોંગ્રેસ નેતા તારાચંદ, પીપલ્સ પાર્ટીના નેતા મુઝફ્ફર હુસૈન બેગ અને ભાજપના નેતાઓ નિર્મલ સિંહ અને કવીન્દ્ર ગુપ્તાને પણ બેઠકમાં આમંત્રિત કરાયા છે. આ ઉપરાંત માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા મોહમ્મદ યુસુફ તારિગામી, જમ્મુ કાશ્મીર અપની પાર્ટી (JKAP) પ્રમુખ અલ્તાફ બુખારી, પીપલ્સ કોન્ફરન્સના સજ્જાદ લોન, જમ્મુ કાશ્મીર કોંગ્રેસ પ્રમુખ જી એ મીર, ભાજપના રવિન્દ્ર રૈના અને પેન્થર્સ પાર્ટીના નેતા ભીમ સિંહને પણ બેઠક માટે આમંત્રણ અપાયું છે.

આ બેઠક કેન્દ્ર દ્વારા ઓગસ્ટ 2019માં જમ્મુ અને કાશ્મીરના વિશેષ દરજ્જાને રદ કરવાની જાહેરાત અને તેને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેચણી કર્યા બાદ આ પ્રકારની પહેલી કવાયત હશે. બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય નેતાઓ પણ ભાગ લે તેવી સંભાવના છે. ઉમર અબ્દુલ્લાએ આ અંગે કહ્યું કે તેમને નિમંત્રણ મળ્યું છે અને તેઓ પાર્ટી પ્રમુખના નિર્દેશ પર ચાલશે.

એન્જિનિયર રશીદની અવામી ઈતિહાસ પાર્ટી (AIP) એ 24 જૂનના રોજ પીએમ મોદી સાથે થનારી બેઠકમાં ભાગ લેવાની ના પાડી છે. અવામી ઈતિહાસ પાર્ટી (AIP) ના નેતા શીબન આશાએ કહ્યું કે સરકારે પાર્ટીના નેતા એન્જિનિયર રશીદને લગભગ અઢી વર્ષથી કેદ કરીને રાખ્યા છે. આથી તેમની પાર્ટી બેઠકમાં ભાગ લેવાની નથી. જ્યારે નેશનલ કોન્ફરન્સના સૂત્રોએ કહ્યું કે આગામી દિવસોમાં ફારુક અબ્દુલ્લા પાર્ટી નેતાઓ સાથે વિચાર વિમર્શ કરશે. પીડીપીના રાજકીય મામલાઓની સમિતિની પણ આજે બેઠક થશે જેમાં આ અંગે નિર્ણય લેવાશે.

(12:28 pm IST)