મુખ્ય સમાચાર
News of Sunday, 20th June 2021

અમેરિકાના આલ્બામા, લ્યુસિયાના અને મિસિસિપીમાં ભારે તોફાન અને વરસાદ: ઠેર -ઠેર પાણી ભરાયા :રેડ એલર્ટ જાહેર

ત્રણેય રાજ્યોમાં ૩,૦૦૦ ઘરોમાં વીજળી ગૂલ થઈ જતાં અંધારપટ્ટ :લ્યુસિયાનામાં ૫૦ જેટલી કાર અને ટ્રક પાણી ભરાવાના કારણે ફસાઈ: દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતાં લોકોને સલામત સ્થળે ખસેડવાની પ્રક્રિયા શરૃ

અમેરિકાના ત્રણ રાજ્યોમાં ભારે તોફાન અને  વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ જતાં ઘણાં વાહનો રસ્તા પર ફસાઈ ગયા હતા. નેશનલ હેરિકેન સેન્ટરે ત્રણેય રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર કરીને લોકોને બહાર ન નીકળવાની સલાહ આપી હતી.

અમેરિકના મિઆમી સ્થિત નેશનલ હેરિકેન સેન્ટરે એડવાઈઝરી બહાર પાડીને ચેતવણી આપી હતી. નેશનલ હેરિકેન સેન્ટરના કહેવા પ્રમાણે આ ૭૫ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે તોફાની પવન ફૂંકાયો હતો. તે સિવાય ઠેર-ઠેર પાંચથી ૧૦ ઈંચ જેટલો વરસાદ પડતાં પાણી ભરાઈ ગયા હતા. મિસિસિપી અને આલ્બામામાં ભારે વરસાદ પડયો હતો. મુખ્ય હાઈવે પર પાણી ભરાઈ જતાં વાહન-વ્યવહાર ઠપ થઈ ગયો હતો. દરિયાકાંઠાના ઘણાં વિસ્તારમાં તીવ્ર દબાણના કારણે ૧૫ સુધી વરસાદ હજુ પણ ખાબકે તેવી ચેતવણી હવામાન વિભાગે આપી હતી. લ્યુસિયાનામાં ૫૦ જેટલી કાર અને ટ્રક પાણી ભરાવાના કારણે ફસાઈ ગયાનું નોંધાયું હતું. રસ્તામાં વાહનોમાં ફસાઈ ગયેલા લોકોને સલામત રીતે બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જોકે, કોઈને ઈજા થયાનું જણાયું ન હતું.
અલગ અલગ કાઉન્ટીના સ્થાનિક સરકારી તંત્રએ ફેસબુક પોસ્ટમાં લોકોને ચેતવણી આપી હતી અને બહાર ન નીકળવાની ખાસ તાકીદ કરી હતી. દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતાં લોકોને સલામત સ્થળે ખસેડવાની પ્રક્રિયા પણ શરૃ કરવામાં આવી હતી. દરિયાકાંઠે ચાલતી રેસ્ટોરન્ટ્સને તાકીદની અસરથી બંધ કરાઈ હતી.
મિસિસિપી, આલ્બામા અને લ્યુસિયાનામાં ૧૩,૦૦૦ ઘરોમાં વીજળી ગૂલ થઈ જતાં અંધારપટ્ટ થઈ ગયો હતો. આ પરિવારોએ અંધારામાં રાત વીતાવવી પડી હતી. એટલાન્ટિક સમુદ્રમાં ડિપ્રેશન સર્જાવાના કારણે હવાનું આ તોફાન અને ભારે વરસાદ થયો હતો. આગામી બે દિવસ સુધી વરસાદ અને વાવાઝોડાંની સ્થિતિ રહેશે અને અન્ય રાજ્યોમાં પણ તેની અસર થાય તેવી શક્યતા છે.
વીક એન્ડમાં સામાન્ય રીતે બહાર નીકળતા લોકોને ઘરમાં રહેવાની તાકીદ રાજ્યોના ગવર્નરોએ કરી હતી. આગામી દિવસોમાં અમુક વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહીના પગલે બચાવ ટૂકડીઓને તૈનાત રહેવાનો હુકમ કરાયો હતો

(11:22 pm IST)