મુખ્ય સમાચાર
News of Thursday, 20th June 2019

બંગાળમાં ફરી હિંસા : એકનું મોત, ઘણા લોકો ઘાયલ થયા

બે જૂથના લોકો આમને સામને આવતા હિંસા : એકબીજા જૂથ ઉપર બોંબ ઝીંકાયા અને ગોળીબાર કરાતા તંગ સ્થિતિ : મોટી સંખ્યામાં આરએએફના જવાનો તૈનાત

કોલકાતા, તા. ૨૦  : પશ્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગના જિલ્લામાં ભાટપારા વિસ્તારમાં ફરી એકવાર હિંસા ભડકી ઉઠી છે જેમાં એકનું મોત થયું છે. અથડામણમાં અન્ય ત્રણ લોકો ઘાયલ થયા છે. બે જૂથ વચ્ચે આજે અથડામણ થયા બાદ તંગ સ્થિતિ જોવા મળી હતી. પોલીસ અધિકારીઓના કહેવા મુજબ મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખ રામબાબુ તરીકે થઇ છે. ઘાયલ થયેલા લોકોની ઓળખ હજુ સુધી થઇ શકી નથી. રિપોર્ટમાં જણાવ્યા મુજબ બે લડી રહેલા જૂથના સભ્યો દ્વારા હવામાં ગોળીબાર કરવામાં આવ્યા હતા. સાથે સાથે એકબીજા ઉપર બોંબ ઝીંકવામાં આવ્યા હતા. નવા બનાવવામાં આવેલા પોલીસ સ્ટેશન નજીક આ હિંસક અથડામણ થઇ હતી. નવા બનાવવામાં આવેલા પોલીસ સ્ટેશનનું આજે જ ઉદ્ઘાટન કરવા માટેની તૈયારી હતી પરંતુ હિંસા ભડકી ઉઠી હતી. હિંસા ભડકી ઉઠવાની સાથે જ આસપાસના વિસ્તારોની તમામ દુકાનો, માર્કેટ અને વેપારી પેઢીઓ અંધાધૂંધી વચ્ચે બંધ થઇ ગઇ હતી. રેપિડ એક્શન ફોર્સના જવાનોની સાથે તરત જ પોલીસ ટુકડી પણ ગોઠવી દેવામાં આવી હતી. ભાટપારામાં ૧૯મી મે બાદથી શ્રેણીબદ્ધ અથડામણ થઇ ચુકી છે. ૧૯મી મેના દિવસે આ વિધાનસભા ક્ષેત્રમાં પેટાચૂંટણી યોજાઈ હતી ત્યારબાદ લોકસભાની ચૂંટણી વેળા પણ વ્યાપક હિંસા બંગાળના જુદા જુદા ભાગોમાં થઇ હતી. લોકસભામાં તમામ સાત તબક્કાની ચૂંટણી દરમિયાન હિંસા થતાં મોટી સંખ્યામાં લોકોના મોત પણ થયા હતા. બંગાળની ચૂંટણી રક્તરંજિત બની હતી. અંતે પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ જોરદાર દેખાવ કરીને ૧૮ બેઠકો જીતી હતી જ્યારે મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીને મોટો ફટકો પડ્યો હતો. ટીએમસી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ચૂંટણી દરમિયાન મુખ્યરીતે હિંસા થઇ હતી. એકબીજાના કાર્યકરોની હત્યા કરવાના આરોપ થયા હતા.

(8:41 pm IST)