મુખ્ય સમાચાર
News of Thursday, 20th June 2019

ભારતીય સેના સરહદ પર તૈનાત કરશે ઇન્ટીગ્રેટેડ વોર ગ્રૃપ

યુધ્ધ થશે તો પાક.-ચીનને મળશે જડબાતોડ જવાબ

નવી દિલ્હીઃ ભારતીય સેના પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદ પર નવા IBG (ઈન્ટિગ્રેટેડ બેટલ્સ ગ્રુપ) અથવા વોર ગ્રુપની સ્થાપના કરશે. જેનો હેતું યુદ્ઘ દરમિયાન સેનાની ક્ષમતાને વધારે મજબૂત કરવાનો છે. યોજના પ્રમાણે, ઓકટોબર સુધી આ પ્રક્રિયા પુરી કરાશે. ત્યારબાદ ચીનની સરહદ પર પણ વોર ગ્રુપ્સ બનાવવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પશ્વિમી કમાંડમાં ઈન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપ્સની ક્ષમતાને તપાસવા માટે એક સ્ટડી પણ કરવામાં આવી હતી. આ અંગે સેનાના ઉચ્ચ અધિકારીઓનો ફીડબેક સકારાત્મક રહ્યો હતો. આ જ કારણે ઝડપથી 2થી 3 IBG ની નિર્માણ કરવામાં આવશે.

સૂત્રો પ્રમાણે , છેલ્લા સપ્તાહે 7 સેના કમાંડરો વચ્ચે આ પ્રક્રિયા અને ફીડબેક માટે ચર્ચા કરાઈ હતી. ત્યારબાદ કમાંડર-ઈન-ચીફે વિશેષ વિસ્તારમાં IBGની શકિતઓને વધારવાના આદેશ આપ્યા હતા. પહેલા બનાનારા 3 IBG પશ્વિમી કમાંડથી થોડા જુદા હશે.

IBG માટે બે પ્રકારના સમુહોનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. એક ગ્રુપને હુમલા દરમિયાન સીમા પર થનારી ગતિવિધિઓ ઉપરાંત યુદ્ઘ સાથે સંબંધિત કાર્યોની જવાબદારી સોંપવામાં આવી છે, જયારે બીજા ગ્રુપને દુશ્મનના હુમલાનો સામનો કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ સ્ટડીમાં બ્રિગેડની જગ્યાએ IBGનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે એક બ્રિગેડમાં ત્રણ-ચાર યુનિટ હોય છે. દરેક યુનિટમાં અંદાજે 800 જવાન હોય છે. IBGની યોજના પ્રમાણે, આ યુનિટ્સને મેજર જનરલ રેન્કનો અધિકારી લીડ કરશે. દરેક IBGમાં  5 હજાર જવાન સામેલ હશે. તેના સફળ પરીક્ષણને જોતા લાગે છે કે, IBG સેના માટે ગેમ ચેન્જર સાબિત થશે.

સૂત્રો પ્રમાણે, IBG સેના પ્રમુખ જનરલ બિપીન રાવતના પ્રયાસોનો જ એક ભાગ છે. તેમના કહ્યાં પ્રમાણે યુદ્ઘ દરમિયાન સેનાના ઓપરેશન સ્ટ્રકચરની યોગ્ય સંખ્યા તેને વધુ સારી રીતે કામ કરવામાં મદદગાર સાબિત થઈ શકે છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ સેનાના આધુનિકીકરણમાં પુરો સહયોગ આપવાનો વાયદો કર્યો છે.

(3:38 pm IST)