મુખ્ય સમાચાર
News of Monday, 20th May 2019

કેન્દ્રમાં પુનરાવર્તન કે પરિવર્તન ? હાર-જીતના સંભવિત કારણો ચર્ચામાં

ગઇકાલના એકિઝટ પોલે પરિણામની દિશા દેખાડી, ગુરૂવારનું પરિણામ દેશની દિશા નક્કી કરશે : મોદીની પ્રતિભા, પ વર્ષની કામગીરી, સતત પ્રચાર-પ્રસાર, સર્જીકલ અને એરસ્ટ્રાઇક, વિપક્ષોમાં પૂરતી એકતાનો અભાવ વગેરે ભાજપની જીતના કારણો : લોકોમાં જણાવેલી આશા પૂરી કરવામાં નિષ્ફળ, નોટબંધી અને જી.એસ.ટી.થી. પ્રજાની હેરાનગતિ, રામમંદિર જેવા મુદ્દાઓ અણઉકેલ, બેરોજગારી, ખેડૂતોની નારાજગી વગેરે ભાજપની સંભવિત હારના કારણો

રાજકોટ, તા., ર૦ : લોકસભાની ચૂંટણીના સાતેય તબકકા ગઇકાલે પૂરા થતા એકિઝટ પોલ સામે આવ્યા છે.એકિઝટ પોલ જાહેર કરનારી તમામ એજન્સીઓએ કોંગ્રેસના દેખાવમાં ર૦૧૪ મી સરખામણીએ ધરખમ સુધારો દર્શાવ્યો છે પણ ફરી સરકાર એન. ડી. એની જ બની રહ્યાનું તારણ આપ્યુ છે. ભૂતકાળમાં અનેક વખત ઓપીનીયન પોલ અને એકિઝટ પોલ સાચા કે ખોટા સાબીત થયાના દાખલા છે. આ વખતના એકઝીટ પોલમાં કેટલો દમ છે તે ગુરૂવારે ખબર પડી જશે. હાલ તો કેન્દ્રમાં પુનરાવર્તન કે પરિવર્તન ? તેવા સવાલ સાથે મોદી સરકારની સંભવિત હાર-જીતના કારણોનું વિશ્લેષણ થવા લાગ્યું છે. જો ફરી મોદી સરકાર આવે તો તેના માટે કયા કારણો જવાબદાર હશે ? અને સરકાર બદલાય તો પરિવર્તનના કારણો કયાં કયાં હોય શકે તેની ચર્ચા થઇ રહી છે.

જો કેન્દ્રમાં ફરી મોદી સરકાર આવે તો તેના માટે સૌથી વધુ જશ વ્યકિતગત રીતે મોદીને જ જશે. ભાજપે મોદીની પ્રતિભા પર મત માંગ્યા હતા. કોંગ્રેસ સહીતના વિપક્ષોએ મોદીને જ નિશાન બનાવ્યા હતા. પુનરાવર્તનનો મતલબ મોદી સરકારની પાંચ વર્ષની કામગીરીને મતદારોની સ્વીકૃતીનો એવો મતલબ થાય છે. સરકારે સતત પાંચ વર્ષ યોજનાઓનો અને સરકારની કામગીરીનો પ્રચાર કરેલ તેની પણ એક અસર ઉભી થઇ છે. પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે સરકારે સર્જીકલ અને એર સ્ટ્રાઇક કરાવી તે ચુંટણી પ્રચારનો મુખ્ય મુદ્દો હતો. નોટબંધી, જીએસટીનો અમલ, ત્રિપલ તલ્લાક, ખેડુતોના ખાતામાં ૬-૬ હજાર જમા કરાવવા, જન ધન યોજના, ઉજ્જવલા અને આયુષ્માન ભારત યોજના તેમજ કરવેરામાં  મુકિત મર્યાદામાં વધારા સહીતની બાબતો મોદી સરકારને ફાયદો કરાવી શકે છે.

વિપક્ષો પાસે મોદીની બરોબરી કરી શકે તેવું કોઇ નેતૃત્વ ન હોવાનો ભાજપે જોરશોર પ્રચાર કર્યો હતો. વિપક્ષોએ કોઇને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરેલ નહિ તેથી પ્રજાને વિકલ્પ પસંદગીની તક મળી ન હતી. વિપક્ષોની પુરતી એકતાનો અભાવ કેન્દ્રમાં મોદી સરકારના પુનરાવર્તન માટે નિમિત બની શકે છે.

જો એકઝીટ પોલથી વિરૂધ્ધ કેન્દ્રમાં પરીણામ આવે તો મોદી સરકાર બની શકશે નહિ. મોદી સરકારની સંભવિત હારના કારણોમાં સૌથી મોટુ કારણ લોકોની અપેક્ષા પુરી કરવામાં મોદી સરકારની નિષ્ફળતા હોવાનું ગણાશે તેમ સમીક્ષકોનું માનવું છે. ર૦૧૪ માં જેવચનો આપેલા તે મુજબ કામ નહિ થઇ શકયાનું લોકોએ માન્યું હશે તો ભાજપને મોટો ફટકો પડશે. બેરોજગારી, ભ્રષ્ટાચાર, નોટબંધીની નિષ્ફળતા, રાફેલ પ્રકરણ વગેરેને વિપક્ષોએ ચગાવ્યા હતા. અયોધ્યામાં રામમંદિર નિર્માણ સહિતના મુદ્દા અણઉકેલ રહયા હતા તે બાબત પણ લોકોની નારાજગીનું નિમિત બની શકે છે.  ખેડુતોમાં વ્યાપક નારાજગી હોવાનું અને તેની સીધી અસર પરીણામ આવશે તેમ ભાજપ વિરોધીઓનું કહેવું છે. વિપક્ષોએ મોદી પર એકહથ્થુ શાસનના પણ આક્ષેપો કર્યા હતા. ભાજપ કાર્યકરોની છુપી નારાજગી  પરીણામમાં અસર કર્યા વગર રહે તો આશ્ચર્ય ગણાશે.

આમ ગુરૂવારના પરીણામને અનુલક્ષીને ઉલ્ટી-સુલ્ટી વાતો અને સમીક્ષા થઇ રહી છે. હાલ તુર્ત તો એકઝીટ પોલના તારણોને લઇને ભાજપ છાવણીમાં ખુશાલી છે. કોંગ્રેસ સહીતના વિપક્ષો આ તારણો સાથે સહમત થતા નથી. મત મશીનમાં શું છુપાયેલું છે? તે તો ગુરૂવારે જ ખબર પડશે. એકઝીટ પોલના તારણોએ સંભવિત પરીણામની દિશા બતાવી છે. ગુરૂવારનું પરીણામ દેશની દિશા નક્કી કરશે.

(4:36 pm IST)