મુખ્ય સમાચાર
News of Monday, 20th May 2019

પરિણામ ગમે તે આવે, સંગઠિત રહેવાનો વિપક્ષી એજન્ડા

એકિઝટ પોલ સાચા પડે તો ભાજપના વિરોધી પક્ષો માટે અભૂતપૂર્વ કપરો કાળ, પોલ ખોટા પડે તો ભાજપ માટે બૂરે દિન : ફરી મોદીની સરકાર બને તો તેના પર નિયંત્રણ રાખવા માટે પદ્ધતિસરની વિપક્ષી એકતા માટે સોનિયા-ચંદ્રાબાબુની મહત્વની ભૂમિકા

રાજકોટ, તા. ૨૦ :. ભારતની નવી લોકસભાની રચના માટે મતદાનના સાત તબક્કા પુરા થઈ ગયા છે. ગઈકાલે સાંજથી એકિઝટ પોલ આવ્યા છે. તમામ પોલ કેન્દ્રમાં ફરી ભાજપ પ્રેરીત એનડીએ સરકાર બનવાનો વર્તારો આપે છે. એકિઝટ પોલ સાચા પડશે કે નહિ ? તેના માટે પરિણામના દિવસ ગુરૂવાર સુધી રાહ જોવી પડશે. ભૂતકાળમાં અનેક વખત એકિઝટ પોલ સત્ય - અસત્ય કે અર્ધસત્ય સાબિત થયાના દાખલા છે. પરિણામ ગમે તે આવે પરંતુ કોંગ્રેસ સહિતના વિપક્ષોએ મોદી સામે પડકાર ઉભો કરવા સંગઠિત રહેવાનો એજન્ડા નક્કી કર્યો છે. એકિઝટ પોલ મુજબ વિપક્ષોની વિરૂદ્ધમાં જનાદેશ આવે તો પણ આવતા દિવસોમાં રાજકીય અસ્તિત્વ ટકાવવા મોટાભાગના વિપક્ષો એક રહે તે માટે અત્યારથી જ પ્રયાસો ચાલી રહ્યા છે. વિપક્ષી એકતાને ગુંથવા માટે સોનિયા ગાંધી અને ચંદ્રબાબુ નાયડુ સહિતના નેતાઓએ પ્રયાસો આગળ વધાર્યા છે.

એકિઝટ પોલના તારણોથી ભાજપ છાવણીમાં ખુશી છે. ભાજપ વિરોધી વિપક્ષો આ તારણો સાથે સહમત થતા નથી. જો વિપક્ષોની અપેક્ષા મુજબ પરિણામ આવે તો કેન્દ્રમાં કોંગ્રેસના વડપણમાં અથવા કોંગ્રેસના ટેકાથી નવી સરકાર બની શકે છે. વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ હશે ? તેની જાહેરાત વિના અત્યારથી વિપક્ષી નેતાઓ એકબીજાની નજીક જવા લાગ્યા છે. જો ભાજપને અને સાથી પક્ષોને સરકાર રચવામાં કેટલીક બેઠકો ખુટે તો હાલના વિપક્ષોમાંથી કોઈને પણ સાથી પક્ષ બનાવી શકે છે. માયાવતીએ વિપક્ષી એકતામાં અડચણ આવે તે પ્રકારનો ઈશારો આજે કરી દીધો છે. તે ભાજપ વિરોધી મહાગઠબંધનથી દૂર સરકતા દેખાય છે. ગુરૂવારના પરિણામના આંકડાઓ નવા સમીકરણોનો રસ્તો ખોલશે.

એકિઝટ પોલના વર્તારા મુજબ પરિણામ આવે અને ભાજપના વિરોધી દળોનું ધોવાણ થઈ જાય તો પણ વિરોધ પક્ષો નવી મોદી સરકાર સામે એક થઈને રહેવા માગે છે. જો ફરી કેન્દ્રમાં મોદી સરકાર આવે તો કોંગ્રેસ સહિતના પક્ષો માટે અભૂતપૂર્વ કપરો કાળ આવશે. સંભવિત નવી એનડીએ સરકાર પર અસરકારક નિયંત્રણ રાખવા માટે વિપક્ષો સંગઠિત રહેવામાં જ હિત માને છે. સરકાર બનવાની અને નહિ બનવાની બન્ને સંભાવના ધ્યાને રાખી અત્યારે ટોચના કેટલાક નેતાઓએ લાંબાગાળા માટેની પદ્ધતિસરની વિપક્ષી એકતા માટે એજન્ડા તૈયાર કર્યો છે. જેમ મિશ્ર સરકારમાં મીનીમમ કોમન એજન્ડા હોય છે તે રીતે ભાજપ સામે વિપક્ષો પણ કોમન એજન્ડા અમલમાં મુકવાના મિજાજમાં છે. પરિણામ કેવુ આવે છે ? તેના પર દેશના રાજકીય ભાવિનો મોટો આધાર રહેશે. ગમે ત્યારે ગમે તે પાસા પલ્ટાઈ શકે છે તે ભારતની લોકશાહીની વિશેષતા છે.

(4:35 pm IST)