મુખ્ય સમાચાર
News of Monday, 20th May 2019

મત ગણતરી ખંડમાં 'સપ્તરંગી' વ્યવસ્થાઃ પરિણામ પહેલા કોઈ ઉમેદવાર અવસાન પામે તો ચૂંટણી રદ્દ

વિધાનસભા દિઠ અલગ અલગ કલર કોડઃ દરેક ગણતરી ખંડમાં જવાના રસ્તા અલગ

રાજકોટ, તા. ૨૦ :. લોકસભાની ચૂંટણીની મત ગણતરી ગુરૂવારે થનાર છે. રાજ્યની ચાર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીનું પરિણામ પણ તે જ દિવસે આવનાર છે. ૨૬ લોકસભા બેઠકો માટે રાજ્યમાં ૨૭ સ્થાનો પર મત ગણતરી કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચની રૂપરેખા મુજબ અમદાવાદ પૂર્વની મત ગણતરી જ્યાં થનાર છે તે ગુજરાત કોલેજમાં મોડેલ મત ગણતરી કેન્દ્ર બનાવી સમગ્ર રાજ્યના કલેકટરો અને ચૂંટણી સાથે સંકળાયેલા મુખ્ય અધિકારીઓને નિદર્શન અને તાલીમ માટે બોલાવવામાં આવેલ. દરેક લોકસભા વિસ્તારના મત ગણતરી સ્થળને મોડેલ સ્થળ જેવુ બનાવવા ચૂંટણી પંચે જણાવ્યુ છે.

દરેક મત ગણતરી કેન્દ્ર પર સપ્તરંગી વ્યવસ્થા રહેશે. એક લોકસભા ક્ષેત્રમાં ૭ વિધાનસભા ક્ષેત્રનો સમાવેશ થાય છે. તે દરેકના કલર કોડ અલગ રહેશે. ફરજ પરના કર્મચારીઓના બીલા તેમજ અન્ય શકય તેટલી સાધન સામગ્રી નિયત કલરમાં જ હોય તેવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એક મત ગણતરીના સ્થળ પર જુદા જુદા ૭ રંગ જોવા મળશે. સ્ટ્રોંગ રૂમથી ઈવીએમ લઈ જવા અને પાછા લઈ આવવા તેમજ સ્ટાફને ગણતરી કેન્દ્રમાં પ્રવેશવા માટે જુદા જુદા રસ્તા બનાવવામાં આવ્યા છે. નિર્ધારીત રસ્તાની આડસ ઓળંગીને કોઈ જઈ શકશે નહિં. ઉમેદવારના માન્ય એજન્ટ અને ગણતરીની કાર્યવાહીમાં ભાગ લેવા આવેલ પ્રતિનિધિઓને જાળીની બહાર બેસાડવામાં આવશે. મોબાઈલ જેવા ઉપકરણો સ્થળ પર પ્રતિબંધીત છે. ચૂંટણી પંચના નિરીક્ષક માટે તેમજ મીડીયા માટે અલગ રૂમ ફાળવવામાં આવ્યા છે. સમગ્ર પ્રક્રિયાનું પુરેપુરૂ કવરેજ થાય તે પ્રકારે સીસીટીવી કેમેરા ગોઠવવા ચૂંટણી પંચે સૂચના આપી છે.  ચૂંટણી પંચના સૂત્રો એવુ જણાવે છે કે, મત ગણતરી પ્રક્રિયા પુરી થાય ત્યારે જ ચૂંટણી પુરી થયેલી ગણાશે. કોઈ મતક્ષેત્રમાં મતદાન અને મત ગણતરી વચ્ચેના સમયગાળામાં કોઈપણ ઉમેદવારનું અવસાન થાય તો તે ચૂંટણી રદ્દ ગણાય અને નવેસરથી મતદાન સહિતની પ્રક્રિયા કરવાપાત્ર બને છે.

(4:35 pm IST)