મુખ્ય સમાચાર
News of Monday, 20th May 2019

એકઝીટ પોલ

વિપક્ષો ચિંતામાં : માયા - અખિલેશ મળ્યા

નાયડુ આજે મમતાને મળશે : પવાર પણ વિપક્ષોના સંપર્કમાં

નવી દિલ્હી તા. ૨૦ : એકિઝટ પોલ્સમાં એનડીએને બમ્પર જીત મળતી દેખાઈ રહી છે ત્યારે વિપક્ષોનું ટેન્શન વધી ગયું છે. તેવામાં ૨૩મીએ જાહેર થનારૃં પરિણામ એકિઝટ પોલથી અલગ હશે તેવી વિપક્ષો આશા રાખીને બેઠા છે. વિપક્ષી નેતાઓની કોશીશ છે કે જો વાસ્તવિક આંકડાં કંઈક અલગ રહે તો યુપીએ સહિત ત્રીજા મોરચાની સંભાવના પર પણ વિચાર કરવામાં આવે.

એકિઝટ પોલથી સૌથી વધુ ટેન્શનમાં યુપીમાં મહાગઠબંધન કરનારા અખિલેશ અને માયાવતી છે. આજે સવારે અખિલેશ માયાવતીને મળવા પહોંચ્યા હતા, અને બંને નેતાઓ વચ્ચે ૧ કલાક સુધી વાતચીત ચાલી હતી. મહત્વનું છે કે, યુપીમાં મહાગઠબંધન ભાજપને ખાસ નુકસાન પહોંચાડવામાં નિષ્ફળ રહ્યું હોવાનું એકિઝટ પોલ્સ જણાવી રહ્યા છે.

લોકસભા ચૂંટણીનું છેલ્લા તબક્કાનું વોટિંગ પૂરું થાય તે પહેલા જ વિવિધ પક્ષના નેતાઓ સાથે મુલાકાતોનો દોર શરૂ કરી દેનારા ચંદ્રાબાબુ નાયડૂ આજે મમતા બેનર્જીને મળવના છે. શરદ પવાર પણ વિપક્ષી નેતાઓને સાધવા માટે એકિટવ થઈ ચૂકયા છે. જયારે કોંગ્રેસ પરિણામ બાદની સ્થિતિ પર મંથન કરવામાં લાગી છે. સ્થાનિક પક્ષો સાથે સંપર્ક સાધી રહેલા પવાર અને નાયડૂ જો ભાજપને એકિઝટ પોલની સરખામણીએ વાસ્તવિક પરિણામમાં થોડું પણ નુકસાન જાય તો તેને સરકાર બનાવવાથી દૂર રાખવાની રણનીતિ બનાવી રહ્યા છે. ટીએમસીના સૂત્રોનું માનીએ તો નાયડૂ આજે સાંજે સાત વાગ્યે મમતા બેનર્જીને મળશે અને બેઠકમાં પરિણામ બાદની ભાવિ યોજના પર વાતચીત થઈ શકે છે. એનસીપીના વડા શરદ પવાર પણ ઓડિશાના નવીન પટનાયક અને આંધ્રના જગન મોહન રેડ્ડીના સંપર્કમાં છે.

(4:34 pm IST)