મુખ્ય સમાચાર
News of Monday, 20th May 2019

એકઝીટ પોલના તારણો

૮ રાજયોમાં મોદીની સુનામીમાં વિપક્ષ તણાયા

મધ્ય પ્રદેશ-રાજસ્થાન-છત્તીસગઢમાં ભાજપની વાપસીના સંકેતો

નવી દિલ્હી તા. ર૦ :.. લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા આજતક-એકસીસ માય ઇન્ડીયાના એકઝીટ પોલમાં એનડીએ ૮ મોટા રાજયોમાં કલીન સ્વીપ કરે તેવું જણાય છે. એકઝીટ પોલ અનુસાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છતીસગઢ, ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, અને બિહારના કારણે ભાજપાના નેતૃત્વ વાળી એનડીએ સરકાર ફરીથી બને તેવું દેખાઇ રહ્યું છે. આ ઉપરાંત દિલ્હી અને હરિયાણામાં પણ ભાજપાના સારા પ્રદર્શનની આશા છે.

દેશના સૌથી વિશ્વસનીય એવા આજતક -એકસીસ માય ઇન્ડીયા, એકઝીટ પોલ એનડીએ સરકાર ફરીથી આવે તેવાં સંકેત આપે છે. એકઝીટ પોલમાં મધ્ય પ્રદેશની ર૯ માંથી ર૬ જયારે રાજસ્થાનની રપ માંથી ર૩ થી રપ બેઠકો ભાજપાને મળે તેવા અણસાર છે. આ રાજયોમાં કોંગ્રેસને અનુક્રમે ૧-૩ અને ર બેઠકો મળવાની શકયતા છે. છતીસગઢની વાત કરીએ તો ૧૧ માંથી ૭-૮ બેઠકો ભાજપાને અને ૧-૩ બેઠકો કોંગ્રેસને મળી શકે છે.

એકઝીટ પોલ અનુસાર, ગુજરાતમાં ભાજપાને રપ-ર૬ બેઠકો મળવાનું અનુમાન છે જયારે કોંગ્રેસને ૦-૧ બેઠકો મળી શકે. આ વખતે ગુજરાતમાં ભાજપાને ૬૧ ટકા કોંગ્રેસને ૩ર ટકા મતો મળવાનું અનુમાન છે. ૭ ટકા મત અન્યને મળશે.

મહારાષ્ટ્રમાં એનડીએને ૩૮ થી ૪ર અને યુપીએને ૬ થી ૧૦ બેઠકો મળવાની શકયતા છે. વોટ શેરની વાત કરીએ તો ભાજપાને ૪૮, કોંગ્રેસને ૩૩, વીબીએને ૧૩ અને અન્યને ૬ ટકા મત મળી શકે છે.

લોકસભા ચૂંટણીમાં યુપીથી વધારે બંગાળ ચર્ચામાં રહ્યું. અહીંયા દીદીના ટીએમસીને ફટકો પડી શકે છે. એકઝીટ પોલ અનુસાર ૪ર માંથી ભાજપાને ૧૯ થી ર૩ જયારે ટીએમસીને ૧૯ થી રર બેઠકો મળશે. કોંગ્રેસના ખાતે ૧ બેઠક જઇ શકે છે. સીપીએમ અને સીપીઆઇ ખાતું નહીં ખોલાવી શકે. સર્વે અનુસાર અહીં વોટ શેર ભાજપા અને ટીએમસી ૪૧-૪૧ ટકા, યુપીએ ૭ ટકા જયારે સીપીએમ-સીપીઆઇ અને અન્ય પ અને ૬ ટકા રહેશે.

દેશના સૌથી મોટા રાજય યુપીમાં એકઝીટ પોલ અનુસાર સપા-બસપા-આર. એલ. ડી. ગઠબંધન પર મોદી-શાહની જોડી ભારે પડે તેવા અણસાર છે. ૮૦ માંથી ભાજપા ગઠબંધનને ૬ર-૬૮, જયારે સપા-બસપા ગઠબંધનને ૧૦-૧૬ અને કોંગ્રેસને ૧-ર બેઠકો મળી શકે છે. ભાજપાને એકલાને ૬૦ થી ૬૬ અને આપના દળને ર બેઠકો મળવાનું અનુમાન છે. સપા ૪ થી ૭ અને બસપા ૩ થી ૭ બેઠકો મેળવી શકે. વોટ રેશ જોઇએ તો ભાજપા-ગઠબંધનને ૪૮, સપા-બસપા-ગઠબંધનને ૩૯, કોંગ્રેસને ૮ અને અન્યને પ ટકા મળશે.

બિહારમાં મોદી અને નીતિશકુમારની જોડી રેકોર્ડ બ્રેક જીત મેળવે તેવું એકઝીટ પોલ કહે છે. જયારે તેજસ્વી યાદવના નેતૃત્વ વાળુ ગઠબંધન તદન નિષ્ફળ જણાવાય રહ્યું છે. આ વખતે ૪૦ માંથી ૩૮ બેઠકો એનડીએને આરજેડીને -૦-૧ અને કોંગ્રસને ૦-૧ બેઠકો મળી શકે છે. એકઝીટ પોલ અનુસાર, ઉપેન્દ્ર કુશવાહા, જીતનરામ માંઝીના પક્ષો સહિત મહાગઠબંધન ના અન્ય સહયોગી પક્ષો ખાતુ પણ નહીં ખોલી શકે.

હરિયાણામાં ભાજપા ગઠબંધન ૮ થી ૧૦ બેઠકો મળતી દેખાય છે. જયારે કોંગ્રેસને એક પણ બેઠક ન મળવાના અણસાર છે જો કે તેના ઘટક પક્ષોને ર બેઠકો મળી શકે છે. દિલ્હીમાં ભાજપાને એક બેઠકના નુકસાન સાથે ૬ થી ૭ બેઠકો મળવાનું અનુમાન છે, જયારે કોંગ્રેસના ખાતે એક બેઠક જશે. એકઝીટ પોલ અનુસાર આપના સુપડા સાફ થઇ શકે છે.

એકઝીટ પોલ અનુસાર કર્ણાટકમાં ભાજપાને ર૮ માંથી ર૧ થી રપ, જયારે કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનને ૩ થી ૬ અને અન્યને ૧ બેઠક મળી શકે છે. આસામમાં  એનડીએને ૧ર થી ૧૪ અને કોંગ્રેસને ૦ થી ર બેઠકો મળી શકે છે. ઓરિસ્સામાં એનડીએને ૧પ થી ૧૯ અને કોંગ્રેસને એક બેઠક મળવાના અણસાર છે.

(4:13 pm IST)