મુખ્ય સમાચાર
News of Monday, 20th May 2019

વિપક્ષી એકતાને ફટકો : માયાવતી દિલ્હી નહીં જાય

એકઝીટ પોલના પગલે રાજકીય સમીકરણો ઝડપભેર બદલાયા : માયાવતી ભાજપ તરફ ઢળે છે?: લખનૌમાં માયાવતીને મળવા અખિલેશ યાદવ દોડયાઃ રાજકારણમાં અચાનક ગરમાવો

લખનૌ તા. ૨૦ : લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન બાદ રાજકીય પાર્ટીઓ પોત-પોતાના સમીકરણો ગોઠવવામાં વ્યસ્ત થઈ ગઈ છે. જોકે મોટા ભાગના એકિઝટ પોલમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએને સ્પષ્ટ બહુમતી મળશે તેવી ભવિષ્યવાણી થઈ રહી છે તેમ છતા પાર્ટી કોઈ જોખમ લેવા માગતી નથી. બીજી તરફ વિપક્ષીઓ વચ્ચે ગઠબંધનની અટકળોએ પણ જોર પકડ્યું છે. પરંતુ આ દરમિયાન ખબર મળી રહી છે કે BSP નેતા માયાવતી સોમવારે ગઠબંધન મામલે યોજાનારી બેઠકમાં હાજરી આપવા માટે દિલ્હી નહીં જાય.

માયાવતી સોમવારે દિલ્હીમાં UPA અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેલુગુદેશમ પાર્ટી પ્રમુખ તેમજ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ સાથે મુલાકાત કરવાના હતા પરંતુ બહુજન સમાજ પાર્ટી તરફથી સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે તેમના પાર્ટી પ્રમુખ આવી કોઈ પણ બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી જઈ રહ્યા નથી. ઙ્ગઆ બાબતથી સ્પષ્ટ થાય છે કે માયાવતી ચૂંટણી પરિણામ આવતા અગાઉ પોતાના પત્તા ખોલવા માગતા નથી અને તેઓ પરિણામ આવ્યા બાદ જ આગળની રણનીતિ તૈયાર કરશે.

બીજી તરફ ઉત્તર પ્રદેશની બહુજન સમાજ પાર્ટીની સહયોગી સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે ગઠબંધનના પક્ષમાં નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જરૂર પડશે તો અમારી પાર્ટી કોંગ્રેસને સમર્થન આપશે.

ગરીબો, ખેડૂતો અને દેશની જનતાની ઈચ્છા છે કે ચૂંટણી પરિણામ બાદ દેશને નવા વડાપ્રધાન મળે. આ અંગે ચંદ્રબાબુ નાયડુ વિપક્ષના દરેક નેતા સાથે ચર્ચા કરી રહ્યા છે.

(3:53 pm IST)