મુખ્ય સમાચાર
News of Monday, 20th May 2019

એકઝીટ પોલનું તારણ

યુપીમાં ભાજપને હંફાવી શકે છે સપા-બસપા

નવી દિલ્હી તા. ર૦ :.. લોકસભા ચૂંટણીના બધા તબક્કાનું મતદાન પુરૂ થયા પછી એકઝીટ પોલના પરિણામો બહાર આવ્યા છે. યુપીમાં ભાજપાને નુકસાનના અનુમાન કરાઇ રહ્યા છે. એકઝીટ પોલ અનુસાર, ગઠબંધનને લગભગ ૪૦ બેઠકોનો ફાયદો થઇ શકે છે એટલે કે યુપીમાં ભાજપને ૩૦-૩પ બેઠકોનું નુકસાન થઇ શકે છે અને તેનો ફાયદો સપા-બસપા ગઠબંધનને મળી શકે છે. ટીવી ચેનલોના આંકડા અનુસાર સપા-બસપા ગઠબંધન ભાજપાની બેઠકો પર તરાપ મારે તેવું દેખાઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ઉતર પ્રદેશના પરિણામો પર આખા દેશની નજર છે. જો કે, એકઝીટ પોલ દ્વારા એક ઇશારો મળી ગયો છે કે આ વખતે યુપીમાં સપા-બસપા ગઠબંધને ભાજપાને જોરદાર ટક્કર આપી છે.

યુપીમાં સૌથી વધારે બેઠકો છે અને કોઇપણ પક્ષને સરકાર બનાવવા માટે તે નિર્ણાયક સાબિત થાય છે. એટલે જ એવું કહેવાય છે કે કેન્દ્રમાં સત્તા પર આવવાનો રસ્તો યુપીમાં થઇને આવે છે. યુપીમાં આ વખતે ત્રિકોણીય જંગ હતો. આ ચૂંટણીમાં સપા-બસપાએ ગઠબંધન કરીને તથા કોંગ્રેસને તેનાથી અલગ રાખીને સૌને ચોંકાવી દીધા હતાં. આ ગઠબંધને રાયબરેલી અને અમેઠીની બે બેઠકો છોડીને બધી બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારીને ભાજપાને ટક્કર આપી હતી. જયારે કોંગ્રેસ પણ યુપી મજબૂત દાવેદારીની કોશિષ કરી હતી. આમ જોવામાં આવે તો ભાજપા માટે યુપીમાં ગઠબંધન ઉપરાંત કોંગ્રેસ સામે લડવાનો પણ પડકાર હતો. ર૦૧૪ નું પરિણામ ફરીથી મેળવવા ભાજપાએ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી હતી. જયારે સપા-બસપાએ પણ તેને જોરદાર ટક્કર આપી હતી.

ર૦૧૪ ની ચૂંટણીમાં ભાજપાને અહીં અણધારી રીતે ૮૦ માંથી ૭૧ બેઠકો મળી હતી અને એનડીએ ને ૭૩ બેઠકો મળી હતી. કોંગ્રેસને બે અને સપાને પાંચ બેઠકો ભાગે આવી હતી. જયારે બસપાને એક પણ બેઠક નહોતી મળી. આજ કારણ છે કે બસપા સુપ્રીમો માયાવતી ગઠબંધન માટે તૈયાર થયા. જો કે સંપૂર્ણ ચિત્ર તો ર૩ મે એ જોવા મળશે પણ એકઝીટ પોલથી એક અનુમાન જાણવા મળશે. તો ચાલો જાણીએ કે એકઝીટ પોલના આંકડાઓ શું કહે છે.

યુપીમાં આ વખતે ઘણી રાજકીય ચડ ઉતર જોવા મળી. ઘણા નેતાઓએ પક્ષ બદલ્યા તો ઘણાને ટિકીટ ન મળી. ભાજપાએ આ વખતે ઘણા નવા ચહેરાઓને જગ્યા આપી. આ ઉપરાંત અખિલેશ યાદવ વિરૂધ્ધ ભાજપાએ દિનેશ લાલ યાદવને ઉતારીને તથા ગોરખપુરમાં અભિનેતા રવિ કિશનને ઉતારીને ચૂંટણીને રસપ્રદ બનાવી હતી.

(11:43 am IST)