મુખ્ય સમાચાર
News of Monday, 20th May 2019

નવા ચૂંટાયેલા સાંસદોને આ વખતે ફાઇવ સ્ટાર હોટલમાં રહેવાની મનાઇ

ખોટો ખર્ચ રોકવા તૈયારી : સંસદની હોસ્ટેલ-અતિથિ ગૃહોમાં રહેવું પડશે

નવી દિલ્હી તા. ર૦ :.. લોકસભામાં ચૂંટાઇને આવનારા નવા સાંસદોને આ વખતે ફાઇવ સ્ટાર હોટલોમાં નહીં ઉતારવામાં આવે. તેમના માટે સરકારી ટેમપરરી આવાસ, વેસ્ટર્ન કોર્ટ (સાંસદો હોસ્ટેલ અને દિલ્હી ખાતે આવેલા રાજયોનાં અતિથી ગૃહમાં વ્યવસ્થા કરાઇ રહી છે. આના કારણે હોટલો પર થતા ભારે ખર્ચા અને સાંસદોને થતી અગવડથી બચી શકાશે.

લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને નવા સાંસદોના આવાસ અને બીજી સુવિધાઓ માટે લોકસભા સચિવાલયને આ મહિનાની શરૂઆતમાં જ આદેશો આપી દીધા હતાં. સુત્રો અનુસાર, સચિવાલયના આદેશ ઉપર વેસ્ટર્ન કોર્ટમાં ૧૦૦ રૂમો તૈયાર થઇ રહ્યા છે. જે એક પ્રકારની સાંસદોની હોસ્ટેલ જ છે, જેમાં એક બેડરૂમ, હોય છે. આ ઉપરાંત રાજયોના અતિથી ગૃહોમાં ર૮૦ રૂમ રીઝર્વ રાખવાનું કહેવાયું છે. ત્યાં ર૦૦ સાંસદોને રોકાવાની વ્યવસ્થા હશે. જે રાજયોમાંથી વધારે સાંસદો ચૂંટાઇને આવશે, તેમને બીજા રાજયના અતિથી ગૃહોમાં ઉતારવામાં આવશે. નવા સાંસદો દિલ્હી પહોંચ્યા પછી તેમના સ્વાગત માટે રેલ્વે સ્ટેશન અને એરપોર્ટ પર સ્વાગત કાઉન્ટરો તૈયાર કરાઇ રહ્યા છે જે ચોવીસ કલાક કાર્યરત રહેશે. ત્યાંથી સાંસદોને તેમના અતિથીગૃહ પર પહોંચાડવામાં આવશે.  અને તેમને એક મદદનીશ પણ અપાશે. સંસદ ભવનમાં પણ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે.

લોકસભા સચિવાલયનું અનુમાન છે કે આ વખતે  ર૦૦ થી રપ૦ નવા સાંસદો ચૂંટાઇને આવશે. જે જૂના સાંસદો ફરીથી ચૂંટાઇને આવશે અથવા જે રાજયસભાના સભ્ય છે. તેમની પાસે પહેલેથી જ આવાસ છે. ફકત નવા સાંસદો માટે વ્યવસ્થા કરવી પડશે. હાલના જે સાંસદો ચૂંટણી નથી લડી રહ્યા તેમને તાત્કાલીક આવાસ ખાલી કરવાનું કહેવાઇ રહ્યું છે. જે સાંસદો નહીં ચૂંટાય તેમણે એક મહિનામાં આવાસ ખાલી કરવો પડશે. તેને વ્યવસ્થિત કરવા માટે ૧પ દિવસનો સમય અપાશે. આવાસ સોંપતી વખતે વીડીયો રેકોર્ડીંગ પણ કરાશે જેથી સાંસદ કોઇપણ વસ્તુ નથી તેવી ફરીયાદ ન કરી શકે.

(11:41 am IST)