મુખ્ય સમાચાર
News of Monday, 20th May 2019

એકિઝટ પોલમાં ભાજપનો 'વિજય'

ઉપરાષ્ટ્રપતિ કહે છે... 'ધીરજ રાખો, આ વાસ્તવિક પરિણામ નથી'

એકિઝટ પોલ પર પોતાની પ્રતિક્રિયા આપતા ઉપરાષ્ટ્રપતિ એમ.વેકૈંયા નાયડુએ જણાવ્યું કે, એકિઝટ પોલ વાસ્તવિક પરિણામ હોતા નથી, એ આપણે સમજવું જોઇએ, ૧૯૯૯થી મોટાભાગના એકિઝટ પોલ ખોટા સાબિત થયા છે

અમરાવતી(આંધ્રપ્રદેશ) તા. ૨૦ : લોકસભા ચૂંટણી ૨૦૧૯ના અંતિમ તબક્કાનું મતદાન પુરું થયા પછી રવિવારે સાંજે આવેલા મોટાભાગના એકિઝટ પોલમાં નરેન્દ્ર મોદી ફરી એક વખત દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે તેવું અનુમાન વ્યકત કરાયું હતું. એકિઝટ પોલ અંગે આપેલી પોતાની પ્રતિક્રિયામાં ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ કહ્યું કે, આ વાસ્તવિક પરિણામ નથી.

ઉપરાષ્ટ્રપતિએ એકઝીટ પોલ અંગે જણાવ્યું કે, 'એકિઝટ પોલ વાસ્તવિક પરિણામ હોતા નથી, એ આપણે સમજવું જોઈએ, ૧૯૯૯થી મોટાભાગના એકિઝટ પોલ ખોટા સાબિત થયા છે.' નાયડુ ગુંટુરમાં શુભચિંતકો સાથે અનૌપચારિક બેઠકમાં હતા. તેમણે જણાવ્યું કે, દરેક પાર્ટી પોતાના વિજય માટે વિશ્વાસ ધરાવતી હોય છે.

વેંકૈયા નાયડુએ જણાવ્યું કે, 'મતગણતરી ૨૩ મે સુધી દરેક પોતાના આત્મવિશ્વાસનું પ્રદર્શન કરે છે. તેનો કોઈ આધાર હોતો નથી. આપણે ૨૩ મેની રાહ જોવી જોઈએ. દેશ અને રાજયને એક કુશન નેતા અને સ્થિર સરકારની જરૂર હોય છે, પછી ભલે તે ગમે તે વ્યકિત હોય. સમાજમાં બદલાવ રાજકીય પક્ષોમાં બદલાવની સાથે આવવો જોઈએ.'

ઉલ્લેખનીય છે કે, રવિવારે સાંજે આવેલા એકિઝટ પોલમાં મોટાભાગના સરવેમાં NDAને ૩૦૦થી વધુ બેઠક મળવાનું અનુમાન વ્યકત કરાયું છે. જોકે, ભાજપના ગઠબંધનને ઉત્તર પ્રદેશમાં નુકસાન થતું પણ કેટલાક એકિઝટ પોલમાં બહાર આવ્યું છે. ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીમાં ભાજપે ઉત્તરપ્રદેશમાં ૭૧ સીટ જીતી હતી.

(10:30 am IST)