મુખ્ય સમાચાર
News of Monday, 20th May 2019

એકઝીટ પોલથી નિકળ્યા ૧૦ મોટા રાજકીય સંકેતો

જો એકઝીટ પોલના સંકેતો પરિણામોમાં બદલે તો રાજકીય સ્થિતિ ઉપર શું અસર પડશે ? આ રહ્યા ૧૦ મોટા કારણોઃ અમિત શાહ વધુ મજબુત થશેઃ રાહુલ અને પ્રિયંકાના નેતૃત્વ પર સવાલ ઉભા થશે

નવી દિલ્હી, તા. ૨૦ :. સરકાર બન્યા બાદ શું રાજકીય સ્થિતિઓમાં પણ કેટલાક ફેરફારો આવશે ? એકઝીટ પોલ શું સંકેત આપે છે ? શું એકઝીટ પોલના પરિણામો જેવા જ વાસ્તવિક પરિણામો આવ્યા તો રાજકીય સ્થિતિ ઉપર શું અસર પડશે ? કુલ ૧૦ અસરો પડવાની શકયતા છે.

(૧) મોદી મેઝીકનું મોટુ વર્ઝન

એકઝીટ પોલે એ સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે આ વખતે મોદી સૌથી મજબૂત નેતા બનીને બહાર આવશે અને તેમની સામે વિપક્ષનો કોઈ નેતા ટકી શકે તેમ નથી. એવામાં તેમનો દબદબો પાંચ વર્ષથી રહેશે અને હાલ તેમના નેતૃત્વને કોઈ પડકારી શકે તેમ નથી.

(૨) રાષ્ટ્રવાદ બન્યુ હથીયાર

આ ચૂંટણીમાં રાષ્ટ્રવાદના મુદ્દે વિપક્ષ કડડભૂશ થઈ ગયો. જે રીતે સરકારે પુલવામા બાદ પાકિસ્તાનમાં ત્રાસવાદી ઠેકાણો ઉપર એર સ્ટ્રાઈક કરી તેનાથી લોકોમાં આ સરકાર પ્રત્યે ભરોસો મજબૂત બન્યો. જો કે મોદી સરકારની કેટલીક યોજનાઓએ પણ અસર પાડી.

(૩) રાહુલ - પ્રિયંકા ઉપર ફરી સવાલ

જો એકઝીટ પોલની જેમ જ અંતિમ પરિણામો આવ્યા તો રાહુલના નેતૃત્વ પર સવાલ ઉઠશે. આ વખતે પ્રિયંકામાં પણ મેદાનમાં હતી. તેથી એવુ પણ મનાશે કે પ્રિયંકાના રાજકારણમાં શ્રીગણેશ યોગ્ય નથી રહ્યા. આ સ્થિતિમાં કોંગ્રેસ વધુ નબળી પડશે.

(૪) વિપક્ષ વિખેરાઈ જાય તેવી શકયતા

આ વખતે વિપક્ષમાં એકતા નજરે ન પડી, પરંતુ આવતા સમયમાં એવુ પણ બની શકે કે વિપક્ષ વધુ વિખેરાઈ જાય એટલે કે કર્ણાટક જેવા રાજ્યો જ્યાં કોંગ્રેસ અને જેડીએસની સરકાર ચાલે છે ત્યાં ભાજપ શિંગડા ભરાવે તેવી શકયતા છે.

(૫) ગઠબંધન કાયમ રહેશે ?

એ સવાલ ઉઠે છે કે આ વખતે ગઠબંધનને એટલી સફળતા નથી દેખાતી જેટલી વિચારવામાં આવી હતી. એવામાં સપા-બસપા વચ્ચેનું ગઠબંધન તૂટી શકે છે.

(૬) અમિત શાહ વધુ મજબૂત થશે

અમિત શાહની ધાક વધુ મજબુત થઈ શકે છે. મનાય છે કે તેમની રણનીતિ સફળ રહી છે. એવામાં પક્ષની અંદર તેઓ વધુ મજબુત થઈને બહાર આવશે.

(૭) સાથી પક્ષોમાં વધારો થશે

એનડીએની સરકાર બન્યા બાદ જો ભાજપ આટલી જ મજબુતીથી વાપસી કરશે તો એનડીએના સાથી પક્ષો તો સરકારમા રહેશે પરંતુ તેઓ તેમની શરતે નહિ પરંતુ ભાજપની શરતે એનડીએમાં રહેશે. કેટલાક વધુ પક્ષો એનડીએમાં આવે તેવી શકયતા છે.

(૮) પ્રાદેશિક પક્ષોનો ટકરાવ

એકઝીટ પોલના સંકેતો પરિણામોમાં બદલે તો એવુ પણ બની શકે કે ભાજપ અને પ્રાદેશિક પક્ષો વચ્ચે ટકરાવ ઘટી જાય અને તેઓ ભાજપ સાથે આવે. પરંતુ પશ્ચિમ બંગાળમાં શું થશે ? તે નક્કી નથી.

(૯) કોંગ્રેસની સરકારો ઉપર સંકટ

જો પરિણામો એકઝીટ પોલ જેવા જ આવે તો કોંગ્રેસની એવી સરકારો ઉપર જોખમ ઉભુ થશે તે પાતળી બહુમતીથી કે પછી સાથી પક્ષોના સહારે ચાલે છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આવી સ્થિતિ થઈ શકે છે. મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ પાસે બહુમતી નથી.

(૧૦) ભાજપનો દબદબો

આ ચૂંટણીથી એવા સંકેતો મળ્યા છે કે ભાજપનો આધાર માત્ર ઓડીશા અને પ.બંગાળમાં વધ્યો છે. એટલુ જ નહિ હિન્દી પટ્ટીમાં પણ તેણે બાકીના પક્ષોને પાછળ ધકેલી દીધા છે. એવામાં હિન્દી પટ્ટીમાં ભાજપ વિરૂદ્ધ જે પણ પક્ષ છે જે અત્યંત નબળા પડતા દેખાય રહ્યા છે

(10:26 am IST)