મુખ્ય સમાચાર
News of Tuesday, 20th April 2021

કોરોના : યુપીના પાંચ શહેરોમાં નહિ લાગે લોકડાઉન : સુપ્રિમે હાઇકોર્ટનો ફેંસલો પલ્‍ટાવ્‍યો

યોગી સરકારને રાહત

નવી દિલ્‍હી : યુપીના પાંચ શહેરો લખનૌ, વારાણસી, કાનપુરનગર, પ્રયાગરાજ અને ગોરખપુરમાં લોકડાઉન લાગશે નહિ. સુપ્રીમ કોર્ટે ઇલાહાબાદ હાઇકોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી છે. તેની સાથે જ સુપ્રીમકોર્ટે કહ્યું કે આ અંગેની સુનાવણી હાઇકોર્ટ જ કરે, કારણકે અમારી પાસે અનેક કેસો છે. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટનો નિર્ણય પલટાવ્‍યો.

ઇલાહાબાદ હાઇકોર્ટના નિર્ણય વિરૂધ્‍ધ યુપી સરકાર આજે સુપ્રીમકોર્ટ પહોંચી હતી. યુપી સરકાર દ્વારા સોલીસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યુ હતુ કે, અમે કોરોનાને કાબુમાં કરવા માટે અનેક પગલા ભર્યા છે. પરંતુ લોકડાઉન તેનો હલ નથી.

યુપી સરકારની દલીલ છે કે, કડકાઇ કોરોનાના નિયંત્રણ માટે જરૂરી છે. સરકાર ઘણા પગલાં ભર્યા છે અને આગળ પણ કડક પગલાં ભરાઇ રહ્યાં છે. જીવન બચાવવાની સાથે ગરીબોની આજીવિકા પણ બચાવી છે. આવામાં શહેરોમાં સંપૂર્ણ લોકડાઉન અત્‍યારે નહીં લાગે. ઘણી જગ્‍યાએ લોકો સ્‍વેચ્‍છાએ બંધ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાના વધતાં પ્રકોપ વચ્‍ચે ઇલાહબાદ હાઇકોર્ટે યુપીના પંચ શહેરોમાં લોકડાઉન લાદવાનો આદેશ કર્યો હતો. હાઇકોર્ટે લખનઉ, વારાણસી, કાનપુરનગર, પ્રયાગરાજ અને ગોરખપુરમાં ૨૬ એપ્રિલ સુધી લોકડાઉન લાદવાનો આદેશ આપ્‍યો હતો.

કોર્ટે પોતાના આદેશમાં યુપીના મુખ્‍ય સચિવને દેખરેખ રાખવા માટે જણાવ્‍યું હતું. કોર્ટે તરફથી આપવામાં આવેલ આ આદેશ આજ રાતથી લાગુ થવાનો હતો. આ દરમિયાન પાંચ શહેરોમાં જરૂરી સેવાઓની દુકાનોને બાદ કરતાં તમામ દુકાન, હોટલ, ઓફિસ નહીં ખોલવા માટે કહેવામાં આવ્‍યું હતું.

(4:09 pm IST)